- વર્લ્ડકપ 2023માં વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં
- શોએબ મલિકે વિરાટ કોહલીને બેટિંગ અંગે સલાહ આપી
- શોએબ મલિક સોશિયલ મીડિયા પર થયો ટ્રોલ
ODI વર્લ્ડકપ 2023માં વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં છે. વિરાટ દરેક મેચમાં ટીમ માટે મહત્વપૂર્ણ રન બનાવી રહ્યો છે. પરંતુ પાકિસ્તાની ટીમના ભૂતપૂર્વ ખેલાડી શોએબ મલિકે પાકિસ્તાની ટીવી શો દરમિયાન વિરાટ કોહલીની બેટિંગ વિશે કંઈક એવું કહ્યું કે હવે ફેન્સે સોશિયલ મીડિયા પર તેની આકરી ટીકા કરી છે. વાસ્તવમાં શો દરમિયાન શોએબ કહી રહ્યો હતો કે વિરાટ કોહલીએ સ્પિન બોલરો સામે કેવી રીતે બેટિંગ કરવી જોઈએ.
શોએબ મલિકે શું કહ્યું?
પાકિસ્તાની ટીવી ચેનલ એ સ્પોર્ટ્સ શો ‘ધ પેવેલિયન’ દરમિયાન, મલિકે દિગ્ગજ પાકિસ્તાની ક્રિકેટરો વસીમ અકરમ અને મિસ્બાહ-ઉલ-હકની હાજરીમાં કોહલીની બેટિંગનું વિશ્લેષણ કર્યું અને કહ્યું કે “વિરાટ કોહલી સ્પિન બોલરો સામે અસહજ મહેસુસ કરે છે.” મલિકને અંદાજ નહોતો કે તેણે કોહલીના ફેન્સના ગુસ્સાનો સામનો કરવો પડશે. આ પછી કોહલીના ફેન્સ સોશિયલ મીડિયા પર શોએબ મલિકને ટ્રોલ કરવા લાગ્યા. ઘણા યુઝર્સે લખ્યું, “શોએબ મલિક, વિરાટ કોહલીને બેટિંગ કેવી રીતે કરવી તે શીખવવા બદલ આભાર; હવે કૃપા કરીને અમિતાભ બચ્ચનને પણ અભિનય શીખવો.
શોએબ મલિકે આપ્યો જવાબ
ટ્રોલ થયા બાદ શોએબ મલિકે હવે આ મામલે પોતાનું મૌન તોડ્યું છે. આ અંગે શોએબ મલિક કહે છે, “દુનિયામાં એક પણ બેટ્સમેન એવો નથી કે જેનામાં કોઈ નબળાઈ ન હોય. ભલે તે એક લાખ રન બનાવી લે. ટ્રોલ્સને વધુ જવાબ આપતા, મલિકે કહ્યું, “મેં એમ નહોતું કહ્યું કે તેને કેવી રીતે રમવું અને તેને રમતા આવડતું નથી. મેં તેને થોડી તેની અસહજતા વિશે કહ્યું હતું. જો તમે આખો શો જોયો હોત તો તમને ખબર હોત કે હું હંમેશા તેમના વખાણ કરું છું. તે મહાન લોકોમાંનો એક છે.”
વિરાટ-બાબર વિશે કહી મોટી વાત
વિરાટ અને બાબર વિશે મલિકે કહ્યું, “બાબરને કેટલાક પસંદ કરેલા સ્પિનરોનો સામનો કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેનાથી વિપરીત, વિરાટ લગભગ દરેક સ્પિનર સાથે આ પડકારનો સામનો કરે છે. જો કે, વિરાટ ઘણીવાર આક્રમક શોટ-મેકિંગનો આશરો લઈને આ દબાણ ઘટાડે છે. જો બાબર પણ આવો જ અભિગમ અપનાવી શકે અને વધુ આક્રમક રીતે રમવાનું શરૂ કરી શકે તો તે વધુ સારું રહેશે.”