- પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ટીમમાં પરત ફરવાની ઈચ્છા વ્યક્ત કરી
- શોએબ મલિકે પાકિસ્તાન તરફથી T20 માં રમવાની ઈચ્છા વ્યકત કરી
- મલિક છેલ્લે 2021માં પાકિસ્તાન તરફથી T20 ઈન્ટરનેશનલમાં રમ્યો
પાકિસ્તાન ક્રિકેટ ટીમને વર્લ્ડકપ 2023માં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો અને ટીમ સેમિફાઇનલ માટે ક્વોલિફાય કરી શકી નહોતી. આ પછી પૂર્વ કેપ્ટન શોએબ મલિકે પાકિસ્તાની ટીમમાં પરત ફરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. શોએબ મલિકના કહેવા પ્રમાણે, તે પાકિસ્તાન ટીમમાં વાપસી કરવા માંગે છે પરંતુ તે મેનેજમેન્ટ પાસેથી સંપૂર્ણ સ્પષ્ટતા ઈચ્છે છે. આ સિવાય શોએબ મલિકે એમ પણ કહ્યું કે તે ક્રિસ ગેલનો સૌથી વધુ રનનો રેકોર્ડ તોડવા માંગે છે.
2021માં પાકિસ્તાન તરફથી T20 ઈન્ટરનેશનલમાં રમ્યો
શોએબ મલિક છેલ્લે નવેમ્બર 2021માં પાકિસ્તાન તરફથી T20 ઈન્ટરનેશનલમાં રમ્યો હતો. તે 2021 T20 વર્લ્ડકપમાં પાકિસ્તાની ટીમનો ભાગ હતો. જોકે, 2022માં યોજાયેલા T20 વર્લ્ડ કપ દરમિયાન તેને સામેલ કરવામાં આવ્યો ન હતો. શોએબ મલિકે તાજેતરમાં જ લંકા પ્રીમિયર લીગમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું અને તેની બેટિંગથી બતાવ્યું હતું કે તેની પાસે ઘણી તાકાત છે.
હું રમવા માટે સંપૂર્ણપણે ફિટ છું – શોએબ મલિક
શોએબ મલિકે મીડિયા સાથે વાતચીત દરમિયાન પાકિસ્તાન ટીમમાં વાપસીની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેણે કહ્યું કે, મારો ટાર્ગેટ 2000 રન બનાવવા અને ક્રિસ ગેલના રેકોર્ડને પાર કરવાનો છે. હું T20 ક્રિકેટમાં સર્વશ્રેષ્ઠ ખેલાડી બનવા માંગુ છું. હું રમવા માટે તૈયાર છું પરંતુ સ્પષ્ટતાની જરૂર છે. હું 2024 T20 વર્લ્ડકપમાં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરવા માટે ક્રિકેટ રમી રહ્યો નથી. હું રમત રમું છું કારણ કે મને તેનો આનંદ છે. મને ફિટનેસની કોઈ સમસ્યા નથી.
ટેસ્ટ અને વનડેમાંથી નિવૃત્તિ લીધી
શોએબ મલિકે અગાઉ પણ કહ્યું હતું કે તે પાકિસ્તાનની ટીમમાં રમવા માંગે છે. તેણે કહ્યું હતું કે મેં ટેસ્ટ અને વનડેમાંથી નિવૃત્તિ લઈ લીધી છે અને તે ફોર્મેટમાં વાપસી કરવાનો કોઈ ઈરાદો નથી. જો કે, જો તેઓ મને T20 માં બોલાવશે તો હું ચોક્કસપણે તેમાં રમવાનું પસંદ કરીશ.


