ધોરાજીનો માસ્ટર માઇન્ડ સહિત ૧3 શખ્સો ઝડપાયા : હોંગકોંગમાં ઉભો કરાયો હતો ભારતીય પોલીસનો સેટ : ચીન અને દુબઇનું કનેકશન
કલ્પના બહારના ગુનાખોરીના પ્લોટ રચાઇ રહ્યા છે. ગુન્હેગારો હવે સાયબર ક્રાઇમ અને મોબાઇલનો ઉપયોગ કરી ન સમજી શકાય તેવી મોડસ ઓપરેન્ડી દ્વારા કરોડો રૂપિયાના કૌભાંડ કરી રહ્યા છે. મૂળ ધોરાજીના એક શખ્સ સહિત ૧3 શખ્સો એક કૌભાંડમાં ઝડપાયા છે. જેમાં લોકોને ડ્રગ્સ અને આતંકી ફંડ સાથે ખોટી રીતે સાંકળી તેમની પાસેથી ખંડણી વસુલી કરોડો રૂપિયા ઉઘરાવતા હોવાનું બહાર આવ્યું છે. આ માટે આ લોકોએ હોંગકોંગમાં ભારતીય પોલીસનો ખોટો સેટ ઉભો કર્યો છે અને ચીન તથા દુબઇ સાથે આ આંતરરાષ્ટ્રીય ટોળકીનું કનેકશન હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.
વિદેશ મોકલવામાં આવેલા કુરિયરમાં ડ્રગ્સ અને બનાવટી પાસપોર્ટનો જથ્થો હોવાની સાથે આતંકી ફંડ સાથે કનેકશન હોવાની ધમકી આપીને માઇકાના પ્રેસિડેન્ટ સાથે રૂ.૧.૧૫ કરોડની છેતરપીંડી કરવામાં આવી હતી. આ મામલે અમદાવાદ સાયકર ક્રાઇમ દ્વારા ધોરાજીમાં રહેતા માસ્ટર માઇન્ડ સહિત કુલ ૧3 યુવકોને ઝડપી લીધા છે. પ્રાથમિક તપાસમાં ઝડપાયેલા આરોપીઓ પૈકી કેટલાક આરોપીઓના બેંક એકાઉન્ટમાંથી ગેરકાયદેસર રીતે લાખો રૂપિયાના વ્યવહાર થયા હતા. જો કે સમગ્ર કૌભાંડનું કનેકશન ચીન અને દુબઇ સુધી બહાર આવતા તપાસમાં અનેક મોટા ખુલાસા થવાની શકયતા પોલીસે વ્યકત કરી છે.
બોડકદેવમાં આવેલા ૪૨૬ એપાર્ટમેન્ટમાં રહેતા અને માઇકમાં પ્રેસીડેન્ટ તરીકે ફરજ બજાવતા શૈલેન્દ્ર મહેતાને પાર્સલમાં ડ્રગ્સ અને પાસપોર્ટ હોવાનો કોલ કર્યા બાદ તેમના બેંક એકાઉન્ટમાં આતંકી ફંડ હોવાથી કાયદેસરની કાર્યવાહીની ધમકી આપીને રૂ.૧.૧૫ કરોડની છેતરપીંડી કરવામાં આવી હતી. જે કેસમાં અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા ધોરાજી, રાજકોટ, પોરબંદર અને અમદાવાદમાંથી કુલ ૧3 લોકોની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓની પુછપરછમાં સમગ્ર કૌભાંડનું કનેકશન ચીન અને દુબઇ સાથે જોડાયેલું હોવાની ચોંકાવનારી હિક્કતો બહાર આવી છે. ધોરાજીના બે યુવકો દ્વારા સમગ્ર કૌભાંડને ચલાવવામાં આવતું હતું. જેમાં જરૂરિયાતવાળા યુવકોને વિશ્વાસમાં લઇને કમિશનની લાલચ આપીને તેમના નામે બેંક એકાઉન્ટ ખોલાવતા હતા. જેમાં છેતરપીંડીના નાણા ઓનલાઇન ટ્રાન્સફર કરવામાં આવતા હતા.
આ અંગે માહિતી આપતા સાયબર ક્રાઇમના એસીપી હાર્દિક માકડીયાએ કહ્યું કે ફેડેકસ કુરિયરમાં ડ્રગ્સ અને પાસપોર્ટ સહિતની શંકાસ્પદ ચીજ વસ્તુઓની સાથે આતંકી ફંડનું કારણ જણાવીને સીબીઆઇ કે ઇડી દ્વારા ગુનો નોંધવાની ધમકી આપીને લોકો પાસેથી નાણા પડાવવામાં આવતા હતા. માઇકના પ્રેસીડેન્ટ સાથેની છેતરપીંડીના કેસમાં ટેકનીકલ સર્વેલન્સ અને બેંક એકાઉન્ટની ચકાસણીને આધારે કામગીરી કરવામાં આવી હતી. જેમાં ગુજરાતમાં સમગ્ર કૌભાંડનું કનેકશન ધોરાજીમાં હોવાનું જાણવા મળ્યું હતું. જેના આધારે મિહીર ટોપીયા, પ્રફુલ વાલાણી, મોઇન ઇંગારીયા, અને રોહિત વાઘેલાની ધરપકડ કરવામાં આવી હતી. જયારે રાજકોટમાંથી રોનક સોજીત્રા, યોગીરાજસિંહ જાડેજા, સાગર ડાભી અને રવિ સવસેટાને ઝડપી લેવામાં આવ્યા હતાં. તેમજ અમદાવાદમાંથી અંકિત દેસાઇ અને કિરણ દેસાઇની ધરપકડ કરવામાં આવી હતી. જયારે પોરબંદરના શારણનેસમાંથી કિશાન ભારાઇ અને મેરૂભાઇ કરમાટાને ઝડપી લેવામાં આવ્યા હતાં.
આ સમગ્ર કૌભાંડમાં મિહીર ટોપીયા અને અંકિત દેસાઇ અલગ-અલગ વ્યકિતઓના બેંક એકાઉન્ટ કમિશનના આધારે ખોલતા હતા અને છેતરપીંડીના નાણા તે બેંક એકાઉન્ટમાંથી ટ્રાન્સર કરીને ચોક્કસ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરતા હતા. ત્યારબાદ આ નાણા અન્ય એક એકાઉન્ટમાંથી ટ્રાન્સફર થયા બાદ ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરવામાં આવતા હતા. ઝડપાયેલા ૧3 લોકો પૈકી છ આરોપી એકાઉન્ટ હોલ્ડર છે. તાજેતરમાં મીહિર ટોપીયાએ ૫૦ લાખ અને અંકિત દેસાઇએ 3૦ લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતાં.
ઝડપાયેલા આરોપીઓની પુછપરછમાં સૌથી મોટો ચોંકાવનારો ખુલાસો થયો હતો કે આ સમગ્ર કૌભાંડ ચીનના હોંગકોંગમાં અને દુબઇ સુધી ફેલાયેલું છે. પોલીસ આરોપીઓ પાસેથી જપ્ત કરેલા ૧૪ મોબાઇલ ફોન તપાસ માટે એફએસએલમાં મોકલી આપવામાં આવશે. આ ઉપરાંત તપાસમાં વધુ નામ બહાર આવવાની શકયતા છે. ગુજરાતથી ચીન સુધી લંબાયેલા આ કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે પોલીસે વિશેષ ટીમ તૈયાર કરીને કાર્યવાહી શરૂ કરી છે.


