- સીઆર પાટીલનો મોટો દાવો
- કોંગ્રેસના નેતાઓને કૌભાંડમાં સમાવિષ્ટ ગણાવ્યા
- મહાદેવ એપ કૌભાંડને લઈને ચાબખાં
ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે આજના દિવસમાં 2 નિવેદન એવા આપ્યા છે જેના લીધે ગુજરાતના રાજકારણમાં તીવ્ર વમળો સર્જાઈ શકે તેમ છે. આ નિવેદનોએ ગુજરાતના રાજકારણમાં ગરમાવો તો લાવી જ દીધો છે.
હકીકતે આજે વેરાવળ ખાતે લોકસાહિત્યકાર માયાભાઈ આહિરની હોસ્પિટલના ઉદ્ધાટન સમારોહમાં સીઆર પાટીલે સીએમ ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં કોંગ્રેસ નેતા અંબરીષ ડેર માટે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે મેંબસમાં રૂમાલ રાખી મૂક્યો હતો, પરંતુ અંબરીષભાઈ ડેર બસ ચૂકી ગયા હતા. આમ તેમને ભાજપમાં લાવવા માટે સીઆર પાટીલે વધુ એકવાર ગૂગલી ફેંકી હોવાનું રાજકીય ગલિયારાઓમાં ચર્ચાઈ રહ્યું છે.
સીઆર પાટીલનો દાવો
આની સાથે જ આજે ભાજપ ગુજરાત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે એક પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી. જેમાં તેમણે મહાદેવ બેટિંગ એપ્લિકેશન કૌભાંડમાં કોંગ્રેસની સંડોવણીને લઈને મોટું નિવેદન આપ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે આ સટ્ટાબાજી એપ્લિકેશનના કૌભાંડમાં કોંગ્રેસના મોટા માથાઓ સંકળાયેલા છે અને સટ્ટાબાજી એ કોંગ્રેસનો એક સાઈડ બિઝનેસ છે. મહત્વનું છે કે ભાજપ પ્રદેશ પ્રમુખનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે કે ED ની એક તપાસમાં એવું સામે આવ્યું છે જેમાં કોંગ્રેસના નેતા અને છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલની મહાદેવ સટ્ટાબાજી એપ્લિકેશન કૌભાંડમાં સીધી સંડોવણી હોવાની જાણકારી સામે આવી છે. મહત્વનું છે કે EDની તપાસમાં એવું પણ સામે આવ્યું છે જેમાં ભૂપેશ બઘેલે 508 કરોડની કટકી લીધી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
કોંગ્રેસે સત્તામાં રહી સટ્ટાનો ખેલ ચલાવ્યો
સીઆર પાટીલે એમ પણ કહ્યું હતું કે કોંગ્રેસે સત્તામાં રહીને સટ્ટાખોરીનો ખેલ ચલાવ્યો છે. મહાદેવ એપ કૌભાંડ છે અને ભાજપ આ બાબતને પહેલાથી કહેતું આવ્યું છે. સીઆર પાટીલે એમ પણ કહ્યું હતું કે આગામી ચૂંટણીને ધ્યાને લઈને આ કૌભાંડ કોંગ્રેસે આચર્યું છે. આ પૈસાથી તે ચૂંટણી ફંડ ભેગું કરવા માગે છે. કોંગ્રેસના નેતાઓએ આ બાબતની જવાબદારી લેવી જોઈએ એમ પણ સીઆર પાટીલે કહ્યું હતું. સીઆર પાટીલે આ મામલે કોંગ્રેસના મોટા માથાઓના નામ સામે આવશે એવો દાવો કર્યો હતો. તેમણ આ મામલે તટસ્થ તપાસ થાય તેવી વાત પણ કહી હતી.
શું કહ્યું હતું પીએમ મોદીએ?
ઉલ્લેખનીય છે કે આજે પીએમ મોદીએ પણ પોતાની છત્તીસગઢની એક ચૂંટણી પ્રચારસભામાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુર્ગમાં સભાને સંબોધતા કહ્યું કે, “લોકો કહે છે કે આ પૈસા સટોડિયાઓના છે. તે જુગારીઓના છે. જે તેમણે છત્તીસગઢના યુવાનો અને ગરીબોને લૂંટીને એકઠા કર્યા છે. લૂંટના પૈસા કોંગ્રેસના નેતાઓ પોતાના માટે ભેગા કરી રહ્યા છે. આ પૈસાથી તેમના ઘર ચાલે છે. મીડિયામાં એવું આવી રહ્યું છે કે આ પૈસાના તાર છત્તીસગઢના તેમના (CM બઘેલ) પાસે જઈ રહ્યા છે. સભાને સંબોધતા તેમણે કહ્યું કે બધા જાણે છે કે આ તાર કોના સુધી જઈ રહ્યા છે. તેમણે દુબઈમાં બેઠેલા કૌભાંડના આરોપીઓ સાથે તેમના શું સંબંધો છે તે જણાવવું જોઈએ.


