- હુમલા પાછળનાં કારણો જાણવા નથી મળ્યાં
- હુમલાખોરની ઓળખ પણ થઈ શકી નથી
- માઉન્ટ એડેન એવન્યૂ સ્ટેશન પર છ લોકોને ગોળી મારી દેવામાં આવી છે
અમેરિકાના ન્યૂયોર્કમાં એક સબવે સ્ટેશનમાં ગોળીબારની ઘટના બની છે. આ ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે, જ્યારે પાંચ લોકો ઘાયલ થયા હતા. પોલીસ અનુસાર, સોમવારે સ્થાનિક સમય પ્રમાણે સાંજે બોન્ક્સ કન્ટ્રી વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. ગોળીબારની આ ઘટનામાં આરોપીની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.
પોલીસનું કહેવું છે કે સાંજના લગભગ સાડા ચાર વાગ્યાના સુમારે ફોન પર ઘટનાની માહિતી મળી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે માઉન્ટ એડેન એવન્યૂ સ્ટેશન પર છ લોકોને ગોળી મારી દેવામાં આવી છે. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, જ્યાંથી ચાર પુરુષ અને બે મહિલાઓને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યાં હતાં. હોસ્પિટલમાં સારવાર દરમિયાન 34 વર્ષના એક યુવકનું મૃત્યુ થયું હતું. પોલીસનું કહેવું છે કે બાકીના ઘાયલ લોકોની હાલત પણ ગંભીર છે. પ્રાથમિક તપાસમાં એવું જણાયું છે કે ટ્રેનમાં બે જૂથ વચ્ચે થયેલી તકરારના પરિણામ સ્વરૂપે આ બનાવ બન્યો છે. પોલીસને ગોળીબારની આ ઘટનાના કારણ વિશે નક્કર માહિતી નથી મળી. આરોપી કોણ હતા, ક્યાંના હતા, અને કેટલા હતા, તેની માહિતી પણ પોલીસને મળી નથી. આરોપીને શોધવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં છાસવારે ગોળીબાર અને હત્યાના બનાવો બનતા રહે છે. તાજેતરના બનાવો પર ધ્યાન આપીએ તો અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ પર ઘણા હુમલા થયા છે, જેમાં કેટલીક હત્યાઓનો સમાવેશ પણ થાય છે.


