- અધિકારીઓ ઘરેલુ હિંસાની તપાસ કરવા પહોંચ્યા હતા
- બે પોલીસ અધિકારી અને અગ્નિશમન દળના એક અધિકારીનું મૃત્યુ
- મિનેસોટાના બર્ન્સવિલેની આ ઘટના છે
અમેરિકામાં ફરી એકવાર ગોળીબાર થયો છે. ગોળીબારમાં ત્રણ અધિકારી સહિત ચાર લોકોનાં મૃત્યુ થયા છે. મિનેસોટાના બર્ન્સવિલેની આ ઘટના છે. મીડિયાના જણાવ્યા મુજબ પોલીસને 911 નંબર પર ફોન કરીને એક વ્યક્તિએ કહ્યું હતું કે હથિયારોની મદદથી ઘરમાં તેમને બંધક બનાવી લેવાયા છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો વાત ગોળીબાર સુધી પહોંચી ગઈ હતી. આરોપીએ પોલીસના બે અધિકારી અને અગ્નિશમન દળના એક અધિકારીને ગોળી મારી દીધી. ઘટના સ્થળે જ ત્રણેય લોકોનાં મૃત્યુ થયા હતા. એક પોલીસ અધિકારી ઘાયલ થયો હતો. એક પરિવારને બચાવવા પહોંચેલા અધિકારીઓ મોતને ભેટયા હતા.
પોલીસે જણાવ્યું કે ઘરમાં બે વર્ષથી માંડીને 15 વર્ષની ઉંમરના સાત બાળકો હતા. આરોપી પાસે સંખ્યાબંધ બંધૂક અને દારૂગોળો હતો. પોલીસે જણાવ્યું કે શંકાસ્પદ આરોપી પણ ગોળીબારમાં માર્યો ગયો હતો. તેની ઓળખ ટૂંકસમયમાં જ થઈ જશે. મિનેસોટા ગવર્નર ટિમ વાલ્ઝે ઘટના સંબંધે દુઃખ વ્યક્ત કર્યું હતું. વાલ્ઝે કહ્યું કે પોલીસ અધિકારીઓ પ્રતિ સૌ સન્માનની લાગણી વ્યક્ત કરીએ છીએ. તેમની બહાદુરી અને બલિદાનને ગંભીરતાથી લેવા જોઈએ. તેમણે કહ્યું કે રાજ્યમાં તમામ ધ્વજ અડધી કાઠીએ લહેરાશે.
ચાર દિવસ પહેલાં જ અમેરિકામાં બે સ્થાને ગોળીબાર થયો હતો.તે કિસ્સામાં ત્રણ હથિયાર બંધ લોકોની ધરપકડ થઈ હતી.


