- નિશાચરોએ ફેક્ટર, મંદિર અને શાળાને નિશાન બનાવવા ગ્રામજનોમાં ફફડાટની લાગણી
- ચડ્ડી બનિયાનધારી શખ્સોએ ટોર્ચ, લોક તોડવાનું સાધન લઇને ત્રણ સ્થળને નિશાન બનાવતા ચકચાર
- તસ્કરોના મોંઢા પર બુકાની હોઈ સીસીટીવી કેમેરામાં કેદ થવા છતાંય ઓળખ કરવી મુશ્કેલ
વઢવાણ તાલુકાના વડોદ ગામે ચડ્ડી-બનિયાનધારી શખ્સોએ એક જ રાતમાં ફેકટરી, મંદિર અને સ્કૂલ સહિતની ત્રણ અલગ-અલગ જગ્યાઓને નિશાન બનાવી તાળા તોડી રોકડ રૂપિયાની ચોરીની ઘટના બનતા વેપારીઓ, સ્થાનિક રહીશોમાં ફફળાટ દેખાયો હતો ત્યારે જોરાવરનગર પોલીસ તસ્કરો સુધી કયારે પહોચે છે? એની સામે સૌની નજર મંડાયેલી છે.
વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર વઢવાણ તાલુકાના વડોદ ગામે આવેલી મહાદેવ જીનીંગ ફેકટરીના વાસુકીદાદાના મંદિરે સવારે દર્શન કરવા જતા મંદિરની બાજુમાં ઓફીસના વેરવિખેર કાગળો અને પાકીટ જોતાની સાથે જ ફેકટરી માલિકને તાત્કાલિક બોલાવ્યા હતા. જેથી બળવંતસિંહ જાદવ આવી ફેકટરીની ઓફીસે જઇ જોતા તાળા તોડેલા હતા તપાસ કરતા પાકીટમાંથી રોકડા રૂપિયા 1,23,000ની રકમ ચોેરી થયાનું જોવા મળ્યું હતુ. ત્યારબાદ સી.સી.ટીવી કેમેરાની તપાસ કરતા બે ચડ્ડી બનિયાન તેમજ બુકાનીધારી શખ્સો તાળા તોડી ચોરી કરતા નજરે પડયા હતા. આજુબાજુમાં બીજે કોઇ જગ્યાએ ચોરી થઇ છે કે નહી? એની પુછપરછ કરતા ટુવા રોડ ઉપરની તક્ષશીલા સ્કૂલના તાળા તોડી સ્કૂલની દુકાનના તાળા તોડી અંદર રહેલા આઠસો રૂપિયાની ચોરી થઇ હોવાનું જાણવા મળ્યુ હતુ. ત્યારબાદ સ્વામીનારાયણ મંદિરે તપાસ કરતા મંદિરની દાનપેટી અને મંદિરની ઓફીસના પણ તાળા તોડી તસ્કરોએ અંદર રહેલા આઠ હજાર નવસો રૂપિયા ચોરી કરી લઇ ગયા હતા.આમ એક જ રાતમાં ત્રણ અલગ-અલગ જગ્યાએ ચડ્ડી બુકાનીધારી ગેંગે ચોરીની ઘટનાને અંજામ આપતા જોરાવરનગર પોલીસની કામગીરી સામે લોકોએ રોષ વ્યકત કર્યો હતો. આ ચડ્ડી બુકાનીધારી ગેંગ સુધી જોરાવનગર પોલીસ કયારે પહોચી ભેદ ઉકેલે છે? એની સામે સૌની નજર મંડાયેલી છે.
લોકોને હુમલો કરવાનો ડર લાગે છે
તસ્કર શખ્સો હથિયાર સાથે ચોરી કરવા આવતા હોવાથી ચોરી સમયે રાત્રે કોઇ જાગી જાય કે જોઇ જાય તો લોકોને આવા શખ્સો હુમલો કરતા હોય ડર લાગી રહયો છે જેથી પોલીસ આ ગેંગને ઝડપે એવી માંગ ઉઠી છે.
જોરાવરનગર પોલીસની કામગીરી સામે સવાલ
મંદિરની દાનપેટી,ઓફીસ, સ્કૂલ અને ફેકટરીને એક સાથે નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યા બાદ જોરાવરનગર પોલીસના નાઇટ પેટ્રોલિંગ સહિતની કામગીરી સામે સવાલો ઉભા થઇ રહયા છે.


