- પંજાબમાં SC અનામતના કેસમાં પંજાબ સરકાર સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે
- વાલ્મીકિ અને મજહબી શીખો મુદ્દે હાઇકોર્ટના ચુકાદાને પડકારાયો છે
- પછાત વર્ગના જે લોકોને અનામતનો ફાયદો મળી ચૂક્યો છે શું તે લોકો હવે તેને છોડી ના શકે?
પંજાબમાં અનુસૂચિત જાતિ વર્ગને અનામતને લઈને ચાલી રહેલા એક કેસમાં પંજાબ સરકાર સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. આ કેસની સુનાવણી દરમિયાન વરિષ્ઠ અદાલતની બંધારણીય બેન્ચે મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતાં સવાલ કર્યો હતો કે પછાત વર્ગના જે લોકોને અનામતનો ફાયદો મળી ચૂક્યો છે શું તે લોકો હવે તેને છોડી ના શકે? કે જેથી તેનો ફાયદો સમાજના અન્ય કચડાયેલા લોકોને મળી શકે. ખુદ દલિત સમુદાયમાંથી આવતા અને આગામી વર્ષે મે મહિનામાં ચીફ જસ્ટિસ બનનારા બીઆઈ ગવઈએ જણાવ્યું હતું કે અનુસૂચિત જાતિ કે જનજાતિનો એક વ્યક્તિ જો આઈએએસ કે આઈપીએસ બની જાય છે તો તેની પાસે સારામાં સારી સગવડો હોય છે. કોઈ અભાવ રહી જતો નથી. તેમ છતાં તે પછી પણ તેના બાળકોને અને તેના પણ બાળકોને અનામતનો લાભ મળે છે. સવાલ એ છે કે શું આ ચાલું રહેવું જોઈએ? વાસ્તવમાં 2006માં પંજાબમાં વાલ્મીકિ અને મજહબી શીખોને મહાદલિતનો દરજ્જો આપવામાં આવ્યો હતો અને કુલ 15 ટકા અનામતમાંથી અડધો હિસ્સો તેમના માટે અનામત રાખવામાં આવ્યો હતો. જો કે 2010માં હાઇકોર્ટે આ નિર્ણયને ફગાવી દીધો હતો તેથી હવે પંજાબ સરકાર તેના બચાવમાં સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચ સમક્ષ રજૂઆત કરી રહી છે.
સૌથી વધુ પછાતની ઓળખ જરૂરી : પંજાબ
ચીફ જસ્ટિસ ડી.વાઈ. ચંદ્રચૂડની આગેવાની હેઠળની સાત જજની બેન્ચ સમક્ષ પંજાબ સરકારનો પક્ષ રાખતાં પંજાબના એડવોકેટ જનરલ ગુરમિંદરસિંહે જણાવ્યું હતું કે પછાત લોકોમાં પણ અત્યંત પછાતની ઓળખ કરવી જોઈએ. તેમને રોજગારના અવસરોમાં પ્રાથમિકતા આપવી જોઈએ. આ દલીલો દરમિયાન વરિષ્ઠ એડવોકેટ નિધીશ ગુપ્તાએ જણાવ્યું હતું કે પંજાબમાં 33 ટકા દલિતો છે. તેમણે ઉમેર્યું હતું કે રાજ્ય સરકારની નોકરીઓમાં 81 ટકા પદ પર 43 ટકા એસસી સમુદાયના લોકો છે જ્યારે રાજ્યના અન્ય 57 ટકા લોકોનું પ્રતિનિધિત્વ ફક્ત 19 ટકા છે.


