- આંખ આડા કાન’ કરનાર અધિકારીઓ, કર્મચારીઓમાં ફફડાટ
- 4 અધિકારીઓનો ખુલાસો મંગાયો : 22 કર્મીને ચાર્જશીટ, 7 કર્મીને શો કોઝ
- AMC દ્વારા લગભગ 22 જેટલા અધિકારીઓ, કર્મચારીઓને ચાર્જશીટ ફટકારી છે
રાજકોટમાં ગેમિંગ ઝોનમાં સર્જાયેલ અગ્નિકાંડને પગલે ઘોર નિંદ્રામાંથી AMC તંત્ર સફાળું જાગ્યું હતું અને શહેરમાં ફાયર NOC,BU વિનાની મિલકતોમાં ચેકિંગ હાથ ધરીને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આ ચેકિંગ ઝૂંબેશમાં એસ્ટેટ – ટીડીઓ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ‘આંખ આડા કાન’ કરાયા હોવાનું નજરે ચઢતાં ઘાંઘા થયેલા AMC તંત્ર દ્વારા 58 જેટલા અધિકારીઓ, કર્મચારીઓને નોટિસ, ચાર્જશીટ આપી છે અને ખુલાસા માંગવામાં આવ્યા છે. AMC દ્વારા લગભગ 22 જેટલા અધિકારીઓ, કર્મચારીઓને ચાર્જશીટ ફટકારી છે. જ્યારે 7 અધિકારીઓ, કર્મચારીઓને શો કોઝ નોટિસ અપાઈ છે અને 4 અધિકારીઓનો ખુલાસો માંગવામાં આવ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી મિલકતોમાં કથિત ગેરરીતિ, ગોટાળા જોવા મળતાં AMC કમિશનર એમ. થેન્નારસનની સૂચનાને પગલે એસ્ટેટ- ટીડીઓ વિભાગના 58 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓને ખુલાસો કરવા તાકીદ કરાઈ છે.
AMC દ્વારા હાથ ધરાયેલ ચેકિંગ ઝૂંબેશમાં ભૂતકાળમાં અન્ય ઝોનમાં ફરજ દરમિયાન કથિત ગેરરીતિ કે કૌભાંડ આચર્યું હોય અને હાલ અન્ય ઝોનમાં ટ્રાન્સફર થયેલા તેવા કર્મચારીઓને પણ નોટિસ અને ચાર્જશીટ આપવામાં આવી છે. શહેરના ઉત્તર પિૃમ ઝોનમાં આવેલા ગોતા વોર્ડમાં મંજૂરી વિના ધમધમતા ગેમ ઝોન અંગે ડે. TDO હેમાબેન શાક્યનો ખુલાસો માંગવામાં આવ્યો છે. દક્ષિણ- પિૃમ ઝોનમાં હિતેન્દ્ર મકવાણા, કર્ણિકા ભટ્ટ, સુભાષ વાંકડે, ઉત્તર પિૃમ ઝોનમાં કિશોર પટેલ, નીતિન આહુજા, મધ્ય ઝોનમાં મુકેશ પટેલ, દક્ષિણ ઝોનમાં કાંતિલાલ પટેલ વગેરેનો સમાવેશ થાય છે.


