હિન્દુ ધર્મદર્શન અનુસાર જેનો જન્મ થયો છે, તેનું મૃત્યુ પણ નિશ્ચિત છે. તે જ રીતે જેનું મૃત્યુ થયું છે તેનો જન્મ પણ નિશ્ચિત છે. પિતૃપક્ષમાં ત્રણ પેઢી સુધીના પિતા પક્ષના પિતા તથા ત્રણ પેઢી સુધીના માતા પક્ષના પૂર્વજોનું તર્પણ કરવામાં આવે છે. તેમને જ પિતૃ કહેવામાં આવે છે. ભાદરવા સુદ પૂનમથી લઈને ભાદરવા વદ અમારા સુધીના સોળ દિવસોને પિતૃપક્ષ કહે છે. જે તિથિના દિવસે માતા-પિતાનો દેહાંત થયો હોય તે પિતૃપક્ષમાં તે તિથિએ તેમનું શ્રાદ્ધ કરવામાં આવે છે. શાસ્ત્રો જણાવે છે કે પિતૃપક્ષમાં પોતાના પિતૃઓ નિમિત્તે જેઓ પોતાની શક્તિ-સામર્થ્ય અનુસાર વિધિપૂર્વક શ્રાદ્ધ કરે છે, તેના સમસ્ત મનોરથ પૂર્ણ થાય છે. ઘર, પરિવાર અને વ્યવસાયમાં ઉન્નતિ થાય છે.
શ્રાદ્ધનાં વિવિધ સ્વરૂપ
મત્સ્ય પુરાણમાં ત્રણ પ્રકારનાં શ્રાદ્ધનો ઉલ્લેખ છે, જેને નિત્ય, નૈમિત્તિક તથા કામ્ય નામથી ઓળખવામાં આવે છે. યમસ્મૃતિમાં પાંચ પ્રકારનાં શ્રાદ્ધનું વર્ણન જોવા મળે છે. જેને નિત્ય, નૈમિત્તિક, કામ્ય, વૃદ્ધિ અને પાર્વણના નામથી ઓળખવામાં આવે છે. જ્યારે વિશ્વામિત્ર સ્મૃતિ તથા ભવિષ્ય પુરાણમાં બાર પ્રકારનાં શ્રાદ્ધનું વર્ણન જોવા મળે છે. તેને નિત્ય, નૈમિત્તિક, કામ્ય, વૃદ્ધિ, પાર્વણ, સપિંડ, ગોષ્ઠી, શુદ્ધયર્થ, કર્માંગ, દૈવિક, યાત્રાર્થ તથા પુષ્ટ્યર્થના નામથી ઓળખવામાં આવે છે. ઉપર જણાવેલાં શ્રાદ્ધોમાં પ્રથમ પાંચ શ્રાદ્ધના સ્વરૂપમા બારે શ્રાદ્ધનું સ્વરૂપ સ્પષ્ટ રીતે જોવા મળે છે. શ્રાદ્ધનાં વિવિધ સ્વરૂપોને જાણીએ.
નિત્ય શ્રાદ્ધ : દરરોજ કરવામાં આવતાં શ્રાદ્ધને નિત્ય શ્રાદ્ધ કહેવામાં આવે છે. આ શ્રાદ્ધમાં વિશ્વદેવ (વસુ, ક્રતુ વગેરે દસ દેવો)ની સ્થાપના કરવામાં આવતી નથી. કોઈ ગંભીર પરિસ્થિતિ આવી પડે કે અસમર્થાવસ્થામાં માત્ર જળ દ્વારા જ આ શ્રાદ્ધને સંપન્ન કરી શકાય છે.
નૈમિત્તિક શ્રાદ્ધ : કોઈને નિમિત્ત બનાવીને જે શ્રાદ્ધ કરવામાં આવે છે તેને નૈમિત્તિક શ્રાદ્ધ કહે છે. તેને એકોદિદષ્ટના નામે પણ ઓળખવામાં આવે છે. એકોદિદષ્ટનો અર્થ છે કોઈ એકને નિમિત્ત બનાવીને કરવામાં આવનારું શ્રાદ્ધ. જેમ કે, કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય પછી દસમું, અગિયારમું વગેરે એકોદિદષ્ટ શ્રાદ્ધ અંતર્ગત આવે છે. આ શ્રાદ્ધમાં વિશ્વદેવોની સ્થાપના કરવામાં આવતી નથી.
કામ્ય શ્રાદ્ધ : કોઈ કામનાની પૂર્તિ માટે જે શ્રાદ્ધ કરવામાં આવે છે તેને કામ્ય શ્રાદ્ધ કહેવામાં આવે છે.
વૃદ્ધિ શ્રાદ્ધ : કોઈ પણ પ્રકારની વૃદ્ધિ જેમ કે, પુત્રજન્મ, વિવાહ વગેરે માંગલિક કાર્યોમાં જે શ્રાદ્ધ હોય છે તેને વૃદ્ધિ શ્રાદ્ધ કહે છે. તેને નાન્દી શ્રાદ્ધ અથવા નાન્દીમુખ શ્રાદ્ધના નામે પણ ઓળખવામાં આવે છે.
પાર્વણ શ્રાદ્ધ : પાર્વણ શ્રાદ્ધ પર્વ સાથે સંબંધિત છે. કોઈ પર્વ જેમ કે પિતૃપક્ષ, અમાસ અથવા પર્વની તિથિ વગેરે દિવસે કરવામાં આવતા શ્રાદ્ધને પાર્વણ શ્રાદ્ધ કહે છે. આ શ્રાદ્ધ વિશ્વદેવ સહિતનું હોય છે.
સપિંડ શ્રાદ્ધ : સપિંડનો અર્થ પિંડોનો મેળાપ એવો છે. વાસ્તવમાં શાસ્ત્રો અનુસાર જ્યારે કોઈ મનુષ્યનું મૃત્યુ થાય છે, ત્યારે તે પ્રેત બને છે. પ્રેતમાંથી પિતૃ પિંડમાં લઈ જવાની વિધિ કે પ્રક્રિયા જ સપિંડ છે. આ વિધિમાં પ્રેત પિંડનો પિતૃ પિંડમાં સમાવેશ કરી શકાય છે. તેને જ સપિંડ શ્રાદ્ધ કહે છે.
ગોષ્ઠી શ્રાદ્ધ : ગોષ્ઠી શબ્દનો અર્થ સમૂહ એવો થાય છે. જે શ્રાદ્ધ સામૂહિક રીતે અથવા સમૂહમાં સંપન્ન કરવામાં આવે તેને ગોષ્ઠી શ્રાદ્ધ કહે છે.
શુદ્ધયર્થ શ્રાદ્ધ : શુદ્ધિ માટે જે શ્રાદ્ધ કરવામાં આવે છે તેને શુદ્ધયર્થ શ્રાદ્ધ કહે છે. જેમ કે, શુદ્ધિ માટે બ્રાહ્મણ ભોજન કરાવવું જોઈએ.
કર્માંગ શ્રાદ્ધ : કર્માંગનો અર્થ કર્મનું અંગ એવો થાય છે. એટલે કે કોઈ કર્મના અંગ રૂપમાં જે શ્રાદ્ધ સંપન્ન કરવામાં આવે છે તેને કર્માંગ શ્રાદ્ધ કહે છે. જે રીતે સીમન્તોનયન, સુંસવન વગેરે સંસ્કારોને સંપન્ન કરવાના હેતુથી કરવામાં આવતા શ્રાદ્ધ કર્માંગની અંતર્ગત આવે છે.
યાત્રાર્થ શ્રાદ્ધ : યાત્રાના ઉદ્દેશથી કરવામાં આવતા શ્રાદ્ધ યાત્રાર્થ શ્રાદ્ધ કહેવાય છે. જેમ કે, તીર્થસ્થળોએ જવાના ઉદ્દેશથી અથવા દેશાંતર જવાના ઉદ્દેશથી જે શ્રાદ્ધ સંપન્ન કરવું જોઈએ તે યાત્રાર્થ શ્રાદ્ધ જ છે. તેને ધૃતશ્રાદ્ધ તરીકે પણ ઓળખવામાં આવે છે.
પુષ્ટચર્ચ શ્રાદ્ધ : પુષ્ટિ નિમિત્તે જે શ્રાદ્ધ કરવામાં આવે, જેમ કે શારીરિક અને આર્થિક ઉન્નતિ માટે કરવામાં આવતું શ્રાદ્ધ પુષ્ટયર્થ શ્રાદ્ધ કહેવાય છે.
પિંડ એટલે શું?
શ્રાદ્ધ કર્મમાં બાફેલા ચોખા (ભાત), દૂધ અને તલનું મિશ્રણ કરીને જે ગોળાકાર બનાવવામાં આવે છે તેને પિંડ કહે છે. તેને સપિંડીકરણ પણ કહે છે. પિંડનો અર્થ થાય છે શરીર. આ એક પારંપરિક વિશ્વાસ છે. ચોખાના પિંડ જે પિતા, દાદા, પરદાદા વગેરેના શરીરનું પ્રતીક છે.
શ્રાદ્ધમાં કાગડાઓનું મહત્ત્વ
કાગડાનો કર્કશ અવાજ, કાળા રંગ-રૂપને કારણે તેને મોટાભાગના લોકો પસંદ કરતા નથી. છત પર બેસીને બોલતા કાગડાને ઉડાડી મૂકતા લોકો પણ એક દિવસ તેની સારી આગતા-સ્વાગતા કરે છે. તેને બોલાવી ખીર-પૂરી ખવડાવે છે. આમ કરવા પાછળ એવી માન્યતા રહેલી છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે તે કાગડાનો જન્મ લે છે. તેથી શ્રાદ્ધના દિવસે કાગડાઓને ખાવાનું ખવડાવવાથી પિતૃઓને ખાવાનું મળતાં તેઓ તૃપ્ત થાય છે.
આ જ કારણ છે કે શ્રાદ્ધ પક્ષમાં કાગવાસ અને કાગડાઓને વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે. પિતૃઓને ભોજન આપવાના હેતુથી કાગડાઓને સૌથી પહેલાં ભોજન (ખીર-પૂરી) આપવામાં આવે છે. જે વ્યક્તિ શ્રાદ્ધ કર્મ કરી રહી હોય તે એક થાળી કે પાત્રમાં ખીર-પૂરી લઈને પોતાના ઘરની છત પર જાય છે અને કાગવાસ-કાગવાસ બોલીને કાગડાઓને બોલાવીને ભોજન આપે છે. ત્યાં એક પાત્રમાં પાણી ભરીને પણ રાખવામાં આવે છે.
જ્યારે છત પર કાગડો ખાવા આવે તો એવું માનવામાં આવે છે કે જે પૂર્વજ માટે શ્રાદ્ધ કરવામાં આવ્યું છે તે પ્રસન્ન છે અને ભોજન કરવા આવ્યા છે. જો કાગડો ન આવે તો એવું માનવામાં આવે છે કે પૂર્વજ નારાજ છે. તેમને રાજી કરવા તેમની તસવીર સામે હાથ જોડીને ઊભા રહી તેમની માફી માગવામાં આવે છે. જ્યાં સુધી કાગડો છત પર આવીને ન ખાય ત્યાં સુધી શ્રાદ્ધ કરનારને પ્રસન્નતા મળતી નથી.
શ્રાદ્ધમાં શું ન કરવું?
કેટલાંક અનાજ અને ખાદ્યપદાર્થ છે જેનો ઉપયોગ શ્રાદ્ધમાં કરવો જોઈએ નહીં. જેમ કે, મસૂર, રાજમા, ચણા, વાસી ભોજન અને સમુદ્રના પાણીમાંથી બનેલું મીઠું. આ સિવાય ભેંસ, બકરી, ઊંટડી વગેરે પશુઓનું દૂધ પણ વર્જિત છે. જોકે, ભેંસના ઘીનો તમે ઉપયોગ કરી શકો છો. શ્રાદ્ધમાં દૂધ, દહીં અને ઘી પિતૃઓ માટે તુષ્ટિકારક માનવામાં આવે છે. શ્રાદ્ધ ક્યારેય બીજાના ઘરે કે બીજાની જમીન પર ન કરી શકાય. જે ભૂમિ (જમીન) પર કોઈનું પણ સ્વામિત્વ ન હોય, સાર્વજનિક હોય એવી ભૂમિ પર શ્રાદ્ધ કરી શકાય.
પીપળાના પૂજનથી પિતૃદોષનું નિવારણ
પિતૃદોષના નિવારણ માટે પીપળાની પૂજા એ શ્રેષ્ઠ ઉપાય છે. સોમવતી અમાસના દિવસે પીપળાના વૃક્ષ પાસે જઈને ભગવાન વિષ્ણુ અને પીપળાને પ્રાર્થના કરો. પીપળામાં ભગવાન વિષ્ણુનો વાસ માનવામાં આવે છે. પીપળાની 108 વાર પ્રદક્ષિણા કરો. દરેક પરિક્રમાએ એક મીઠાઈ કે મીઠી વસ્તુ જરૂર મૂકો અને `ૐ નમો ભગવતે વાસુદેવાય’ મંત્રનો જાપ કરતા જાઓ. પરિક્રમા પૂર્ણ થયા પછી અજાણતા પણ થયેલી ભૂલની ક્ષમા માગો. આ પૂજન દ્વારા ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે.
શ્રાદ્ધ માટેનાં ઉત્તમ તીર્થસ્થાનો
ગુજરાતમાં નર્મદા કિનારે ચાણોદ શ્રાદ્ધ તર્પણ કરવાનું શ્રેષ્ઠ સ્થળ મનાય છે. પુષ્કર તીર્થ તથા ગયાજી પિતૃતર્પણ માટે શ્રેષ્ઠ ગણાય છે. ગંગાજીમાં તમામ સ્થળે તથા મૈનક નામના પર્વત પર શ્રાદ્ધ કર્મ ઉત્તમ ફળદાયી છે. યમુનાજીના કિનારે તથા મથુરામાં વિશ્રામઘાટને શ્રેષ્ઠ કહ્યાં છે. ગુજરાતમાં સિદ્ધપુર માતૃતર્પણ કે શ્રાદ્ધ માટે ઉત્તમ સ્થળ છે તથા પિતૃતર્પણ માટે કચ્છમાં ઘુરબડી તીર્થ, નારાયણ સરોવર, કોટેશ્વર, ચાણોદ-કરનાળી, ઊના નજીક પ્રાંચી તીર્થ વગેરે મહાતીર્થો છે. આ બધાં તીર્થોએ પિતૃદોષમાંથી મુક્ત થવા માટે નારાયણ નાગબલિ, કાલસર્પ અને ત્રિપિંડી શ્રાદ્ધની વિધિ કરવામાં આવે છે. – પ્રશાંત પટેલ
શ્રાદ્ધ કોણ કરી શકે?
હિન્દુ ધર્મમાં મરણોપરાંત સંસ્કારોને પૂર્ણ કરવાનું કામ પુત્ર કરે છે. શાસ્ત્રો એવું કહે છે કે નરકમાંથી મુક્તિ પુત્ર દ્વારા જ મળે છે. તેથી પુત્રને જ શ્રાદ્ધ કે પિંડદાનનો અધિકારી માનવામાં આવ્યો છે. જો કોઈને પુત્ર ન હોય તો તેવા સમયે કોને શ્રાદ્ધ કરવાનો અધિકાર મળે તેનો ઉલ્લેખ પણ શાસ્ત્રોમાં જોવા મળે છે.
પિતાનું શ્રાદ્ધ પુત્રએ જ કરવું જોઈએ.
પુત્ર ન હોય તો મૃત્યુ પામનારની પત્ની શ્રાદ્ધ કરી શકે છે.
પુત્ર કે પત્ની ન હોય તો સગા ભાઈ અથવા તે પણ ન હોય તો તેમના પુત્રોએ શ્રાદ્ધ કરવું જોઈએ.
એકથી વધારે પુત્ર હોય તો સૌથી મોટો પુત્ર શ્રાદ્ધ કરી શકે છે.
સંતાનમાં માત્ર પુત્રી જ હોય તો પુત્રીનો પતિ તથા તેનો પુત્ર પણ શ્રાદ્ધનો અધિકારી છે.
પૌત્ર તથા પ્રપૌત્ર પણ શ્રાદ્ધ કરી શકે છે.
પુત્ર-પુત્રી કે પૌત્ર ન હોય તેવામાં ભત્રીજો પણ શ્રાદ્ધ કરી શકે છે.
ખોળે લીધેલો પુત્ર પણ શ્રાદ્ધનો અધિકારી છે.


