આશુતોષ ભગવાન શિવનાં ત્રિગુણ તત્ત્વ (સત્ત્વ, રજ, તમ) પર સમાન અધિકાર છે. શિવ પોતાના મસ્તક પર ચંદ્રમાને ધારણ કરીને શશિશેખર કહેવાયા. શિવ એ ચંદ્રમાના ઈષ્ટદેવ છે. ચંદ્રમા પર તેમને વિશેષ સ્નેહ હોવાને કારણે ચંદ્રવાર એટલે કે સોમવાર તેમને વધારે પ્રિય છે. આમ તો ભગવાન શિવને બધા જ સોમવાર પ્રિય છે, પરંતુ શ્રાવણનો આખો માસ તથા તેમાં આવતા સોમવાર પણ શિવને અતિ પ્રિય છે, કારણ કે શ્રાવણ માસમાં વાતાવરણમાં જળતત્ત્વ વધારે હોય છે. જે સોમ (ચંદ્ર) તત્ત્વ જ છે.
શ્રાવણ માસમાં ભક્તજનો અનેક રીતે શિવજીની ઉપાસના કરે છે. સવાર-સાંજ શિવમંદિરોમાં ભક્તો દ્વારા જળાભિષેક, દુગ્ધાભિષેક, ચંદનાભિષેક સહિત અનેક પ્રકારના અભિષેક કરીને ભગવાન ભોળાનાથને રીઝવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ક્યાંક ક્યાંક ભક્તો દ્વારા શિવજીને પ્રસન્ન કરવા માટે ગંગાજળથી જળાભિષેક કરાય છે. ઘણાં શિવમંદિરોમાં પ્રાત:કાળથી રુદ્રાભિષેક કરવામાં આવે છે. રુદ્રાભિષેકમાં ગંગાજળ, દૂધ, પંચામૃત ચઢાવવામાં આવે છે. આ માસ દરમિયાન અખંડ દીવો પણ રાખવામાં આવે છે. જે લોકો આધિ, વ્યાધિ અને ઉપાધિથી પીડાતા હોય તેમને શિવપૂજનથી શાંતિ પ્રાપ્ત થાય છે. શ્રાવણ માસમાં લોકો આખો મહિનો ઉપવાસ કે એકટાણાં પણ કરે છે.
શિવજીની જેમ તેમના ભક્તો પણ અનોખા છે. તેમના ભક્તોમાં મનુષ્યો તો ઠીક દેવતાઓ, રાક્ષસો અને સ્વયં ભગવાનનો પણ સમાવેશ થાય છે. સર્પશૈયા પર સૂતા શ્રીહરિ વિષ્ણુ, બ્રહ્માજી, અસુરરાજ રાવણ, ભગવાન શ્રીરામ અને શ્રીકૃષ્ણ શિવજીના પરમ ભક્ત હતા. હરિવંશ પુરાણમાં એમ દર્શાવાયું છે કે શ્રીકૃષ્ણએ ભોળાનાથને પ્રસન્ન કરવા માટે કૈલાસ પર્વત પર જઈને તપસ્યા કરી હતી. ભગવાન શ્રીરામે રામેશ્વરમાં શિવલિંગની સ્થાપના કરીને તેની પૂજા અર્ચના કરી હતી. જ્યારે રાવણે શિવજીને પ્રસન્ન કરવા માટે દસ વાર પોતાનું મસ્તક કાપીને તેમનાં ચરણોમાં ચઢાવ્યું હતું.
શ્રાવણ માસમાં સોમવારનું મહત્ત્વ
શ્રાવણ માસમાં સોમવારનું વિશેષ મહત્ત્વ છે. સોમવાર એ હિમાંશુ એટલે કે ચંદ્રનો દિવસ છે. ચંદ્રદેવની પૂજા કરવાથી શિવજીની પૂજા પણ આપોઆપ થઈ જાય છે, કારણ કે ચંદ્રનું નિવાસસ્થાન ભુજંગ ભૂષણ ભગવાન શિવનું શીશ છે. તેથી શ્રાવણ માસનો સોમવાર વિશેષ મહત્ત્વ ધરાવે છે. શ્રાવણ માસના દરેક સોમવારે કેટલીક વિશેષ વસ્તુ અર્પણ કરવામાં આવે છે જેને શિવામુઠ્ઠી કહે છે. પ્રથમ સોમવારે એક મુઠ્ઠી ચોખા, બીજા સોમવારે એક મુઠ્ઠી સફેદ તલ, ત્રીજા સોમવારે એક મુઠ્ઠી લીલા મગ, ચોથા સોમવારે એક મુઠ્ઠી જવ અને જે માસમાં પાંચમો સોમવાર આવતો હોય તો પાંચમા સોમવારે સાથવો ચઢાવવામાં આવે છે.
જલધારાપ્રિય શિવ
શ્રાવણ માસમાં શિવ આરાધના અને પૂજાપાઠનું વિશેષ મહત્ત્વ છે. આ માસમાં શિવજી પર જળ ચઢાવવા પાછળ પૌરાણિક કથા રહેલી છે. તે કથા આ મુજબ છે.
સમુદ્રમંથન દરમિયાન દાનવ અને દેવતાઓ દ્વારા અમૃત કળશ અને વિષ કળશ નીકળ્યા પછી જ્યારે વિષ પીવાનો વારો આવ્યો ત્યારે દેવતાઓ અને દાનવોએ તે પીવાનો ઈન્કાર કર્યો, કારણ કે તે વિષને કોઈ પચાવી શકે તેમ ન હતું. સંસારનું હિત સાધવા માટે થઈને ભગવાન ભોળાનાથે હળહળતું વિષ પોતાના કંઠમાં ધારણ કરી દીધું, પરંતુ આમ કરવાથી ભગવાન ભોળાનાથને ચક્કર આવવા લાગ્યાં. આથી ભગવાન ભોળાનાથે વિષની ગરમી ઓછી કરવા માટે ગંગા અને ચંદ્રમાને પોતાના શિર પર ધારણ કર્યાં. તેનાથી ભોળાનાથનાં ચક્કર આવવા ઓછાં થયાં અને ગરમી પણ ઓછી થઈ. ભગવાન શિવની ગરમીને શાંત કરવા માટે શ્રાવણ માસમાં ભક્ત શિવજી પર જળાભિષેક કરે છે.
શ્રાવણ માસમાં ભોળાનાથની પૂજા અને આરાધનાનું આગવું મહત્ત્વ છે. અવિવાહિત યુવતીઓ અને યુવકો લગ્નજીવન માટે, સારા વર-વધૂની પ્રાપ્તિ માટે શિવજી પર જળાભિષેક કરીને બિલ્વપત્ર ચઢાવે છે. નવવિવાહિત દંપતીઓ પોતાના દાંપત્યની મંગલકામના માટે શિવભક્તિ કરે છે, કારણ કે પૌરાણિક કથાઓમાં ભગવાન શિવને શીઘ્ર પ્રસન્ન થઈને ફળ આપનારા યોગેશ્વર, ભૂતેશ્વર, મહાકાલેશ્વર, તત્કાલેશ્વર અને કૈલાસવાસીના નામથી ઓળખવામાં આવે છે.
શિવને પ્રિય પાંચ
શિવને પંચમુખી કહેવામાં આવે છે. આ પાંચ મુખ દ્વારા શિવજી દુનિયા ચલાવે છે. શિવજીની પ્રિય સંખ્યા પાંચ છે. શિવ મધ્યમાર્ગી છે. એટલે કે ન દેવતાઓના, ન અસુરોના. તેઓ બંને વચ્ચે છે, જે ઈચ્છે તે તેમની કૃપા પ્રાપ્ત કરે. જ્યારે શૂન્યનો વિસ્ફોટ થયો ત્યારે તેમાંથી એકથી નવ સુધીની નવ સંખ્યાઓ નીકળી, જેમાં પાંચ વચ્ચેની સંખ્યા છે. ભોળાનાથનો પ્રિય મંત્ર `ૐ નમ: શિવાય’ છે. આ મંત્રમાં પાંચ અક્ષર છે, તેથી તેને પંચાક્ષર મંત્ર કહેવામાં આવે છે. શિવ પંચતત્ત્વના દેવ છે. ઈન્દ્રિયો પણ પાંચ હોય છે અને શિવ ઈન્દ્રિયોના પણ સ્વામી છે. શિવપુરાણ અનુસાર ભગવાન શંકરનાં પાંચ મુખ અને તેના વિવિધ ગુણ છે.
1. ઈશાન
આ ભોળાનાથનું ક્રીડામુખ છે. જેટલું મનોરંજન, રમત, વિજ્ઞાન વગેરે છે તે બધું જ શિવજીના આ મુખ દ્વારા સંચાલન થાય છે.
2. તત્પુરુષ
આ તપસ્યા કે તપનું મુખ છે. સાધના, અભ્યાસ, ઈચ્છા તથા લક્ષ્યની પ્રાપ્તિ માટે કરવામાં આવતું દરેક કામ આ મુખ દ્વારા સંચાલન થાય છે.
3. અઘોશ
આ શિવજીનું રૌદ્રમુખ છે. સમગ્ર દુનિયામાં જે યુદ્ધ, વિપત્તિઓ, મૃત્યુ આવે છે તે શિવજીના આ મુખને કારણે આવે છે. તે ન્યાય પણ કરે છે અને પાપનો દંડ પણ આપે છે. આ શિવનું મધ્ય મુખ છે. ઉપરોક્ત બંને મુખ આ મુખની જમણી બાજુ હોય છે.
4. વામદેવ
આ અહંકારનું રૂપ છે. શિવની ડાબી બાજુના મુખમાં પહેલું મુખ છે. આપણા અહંકાર, ગર્વ, પ્રેમ, મોહ, આસક્તિ વગેરે આ જ મુખને કારણે આ સંસારમાં જોવા મળે છે.
5. સધોજાત
આ જ્ઞાનનું મુખ છે જે શિવજીનું ખૂબ શાલીન રૂપ છે. શિવજીના આ જ રૂપની સૌથી વધારે આરાધના થાય છે.
શિવજી સમગ્ર દુનિયાને પાંચ ગતિવિધિઓથી ચલાવે છે. આ પાંચ કામ છે સૃષ્ટિ, પાલન, સંહાર, નિગ્રહ એટલે કે પ્રેમ વગેરે અને અનુગ્રહ એટલે કૃપા. આ પાંચ કામ તેમના પાંચ મુખ વડે થાય છે.
શિવપૂજા માટે શાસ્ત્રોક્ત
ઉત્તમ સ્થાન
તુલસી, વડ તથા પીપળાના વૃક્ષ નજીક.
નદી, સરોવરનો તટ, પર્વતની ચોટી, દરિયાકિનારો.
મંદિર, આશ્રમ, તીર્થ અથવા ધાર્મિક સ્થાન અથવા પાવનધામ.
શિવપૂજામાં ચઢાવાતાં પુષ્પ અને તેનાં ફળ
બીલીપત્ર : જન્મજન્માંતરનાં પાપોમાંથી મુક્તિ
કમળ : મુક્તિ, ધન, શાંતિ પ્રદાયક
કુશા : મુક્તિ આપનાર
દુર્વા : આયુષ્ય વધારનાર
ધતૂરો : પુત્રસુખ પ્રદાયક
આકડો : પ્રતિષ્ઠામાં વૃદ્ધિ
કરેણ : રોગનું નિવારણ
શમીપત્ર : પાપનાશક
શિવપૂજા તથા અભિષેકમાં
ઉપયોગી દ્રવ્યો અને તેનાં ફળ
મધ : સિદ્ધપ્રદ
દૂધ : સમૃદ્ધિદાયક
કુષાજળ : રોગનાશક
ગંગાજળ : સર્વસિદ્ધિદાયક
ઋતુફળના રસ : ધનલાભ
– પ્રશાંત પટેલ
રાશિ મુજબ શિવપૂજન
પોતાના રાશિ મુજબ જો જાતક વિશેષ વારે અને વસ્તુથી શિવઆરાધના કરે તો તેની મનોકામનાઓ પૂર્ણ થાય છે અને અભીષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે.
મેષ-વૃશ્ચિક રાશિના જાતકોએ મંગળવારના દિવસે લાલ પુષ્પો દ્વારા.
વૃષભ-તુલાના જાતકોએ શુક્રવારના દિવસે સફેદ વસ્તુ, સફેદ ફૂલ, દૂધ, દહીં વગેરે દ્વારા.
મિથુન-કન્યા રાશિના જાતકોએ બુધવારના દિવસે બીલીપત્ર, આંકડા, ધતૂરા અને ભાંગ દ્વારા.
કર્ક રાશિના લોકોએ સફેદ વસ્તુથી.
સિંહ રાશિના જાતકોએ લાલ વસ્તુ દ્વારા.
ધન-મીન રાશિના જાતકોએ ગુરુવારના દિવસે પીળી વસ્તુ દ્વારા.
મકર-કુંભ રાશિના જાતકોએ શનિવારના દિવસે કાળા અને નીલા પદાર્થો દ્વારા શિવ આરાધના કરવી જોઈએ.
કેવી રીતે કરશો શિવપૂજન?
શ્રાવણ માસમાં નીચે પ્રમાણે જણાવેલ રીતે પૂજા કરવાથી શિવજીની પ્રસન્નતાને પામી શકાય છે.
શ્રાવણ માસની કોઈ પણ તિથિ અથવા દિવસ અને ખાસ કરીને સોમવારે પ્રાત:કાળે ઊઠીને સ્નાનાદી કાર્યથી નિવૃત્ત થઈને ત્રિદલવાળાં, સુંદર, સાફ, ક્યાંયથી કપાયેલાં ન હોય તેવાં કોમળ બિલ્વપત્ર પાંચ, સાત, નવ વગેરે સંખ્યામાં લો. અક્ષત એટલે કે ચોખાના દાણા લો.
સુંદર સાફ લોટા કે કોઈ પાત્રમાં જળ, જો શક્ય હોય તો ગંગાજળ લો. દૂધ લો. ત્યારબાદ પોતાના સામર્થ્ય અનુસાર ગંધ, ધૂપ અગરબત્તી, ચંદન વગેરે લો.
આ બધો સામાન સ્વચ્છ પાત્રમાં એકત્રિત કરીને શિવમંદિરમાં જાઓ. જો શિવમંદિર ન હોય તો બિલ્વના વૃક્ષ પાસે જાઓ.
શિવલિંગને સ્વચ્છ જળ અને દૂધથી સ્નાન કરાવો. ત્યારબાદ તેના પર અક્ષત ચઢાવો, પુષ્પ ચઢાવો. હવે હળદર-ચંદન વડે શિવલિંગ પર લેપ કરો.
ત્યારબાદ ભગવાનને ધૂપ અર્પણ કરો અને `ૐ નમ: શિવાય’ મંત્ર બોલતાં-બોલતાં બિલ્વપત્ર ચઢાવો. સૌથી છેલ્લે પોતાનાં પાપોની ક્ષમાયાચના માગો.
ભોળાનાથ ખૂબ જ ભોળા છે, આથી તેમની સાચા મને પૂજા કરવામાં આવે તો પણ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે. કોઈ વિશેષ મંત્રોચ્ચાર ન જાણતા હો તો પણ સામાન્ય પૂજા કરીને પુણ્યફળ પ્રાપ્ત કરી શકો છો. ભગવાન ભોળાનાથે સ્વયં કહ્યું છે કે કોઈ પણ વેદ મંત્રોના ઉચ્ચારણ વગર પૂરી શ્રદ્ધાથી મને પુષ્પ, ફળ કે જળ સમર્પિત કરે છે તેમના માટે હું ક્યારેય અદૃશ્ય થતો નથી અને તે ભક્ત પણ ક્યારેય મારી દૃષ્ટિથી ઓઝલ નથી હોતો.