શ્રીલંકાના નવા પ્રમુખ અનુરા કુમારા દિસાનાયકેએ સોમવારે જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચેના સંબંધોને સુદ્રઢ કરવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિબદ્ધતા સાથે તેઓ સહમત છે. દિસાનાયકેએ વડાપ્રધાન મોદીએ રવિવારે માર્ક્ર્સવાદી નેતા દિસાનાયકેને શ્રી લંકાના પ્રમુખને અભિનંદન આપતાં મૂકેલી એક્સ પોસ્ટનો જવાબ આપતાં ઉપરોક્ત ટિપ્પણી આપી હતી. ઉલ્લેખનીય છે કે શ્રી લંકામાં પ્રમુખપદ માટે યોજાયેલી ચૂંટણીમાં દિસાનાયકે ચૂંટાઈ આવ્યા છે.
દિસાનાયકેએ એક્સ પોસ્ટ પર વડાપ્રધાન મોદીનો આભાર માનતા જણાવ્યું હતું કે,’બંને દેશો વચ્ચેના સંબંધો સુદ્રઢ કરવાની તમારી પ્રતિબદ્ધતા સાથે હું સહમત છું. બંને દેશો અને સમગ્ર પ્રદેશના લોકોને લાભ થાય તે હેતુસર આપણે સહયોગ સાધીને સાથે મળીને કામ કરી શકીએ છીએ.’
શનિવારે શ્રીલંકામાં યોજાયેલી પ્રમુખપદની ચૂંટણીમાં વિજયી થતાં સોમવારે દિસાનાયકેએ શ્રી લંકાના નવા પ્રમુખ તરીકે શપથ લીધા હતા. દિસાનાયકેએ તેમના હરીફ ઉમેદવાર પ્રેમાદાસાને પરાજય આપ્યો હતો. દિસાનાયકે યુવા મતદારોનું સમર્થન મેળવવામાં સફળ રહ્યા હતા. શ્રી લંકામાં નવા યુગના મંડાણ થશે : પ્રમુખ અનુરા કુમાર
માર્ક્સવાદી નેતા અનુરા કુમાર દિસાનાયકેએ સોમવારે શ્રી લંકાના નવમા પ્રમુખ તરીકે શપથ લીધા હતા. શપથ લીધા પછી સંબોધન કરતાં દિસાનાયકેએ શાંતિપૂર્ણ સત્તા પરિવર્તન સંભવ બનાવવા બદલ રનીલ વિક્રમસિંઘેનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તેઓ લોકશાહીનું જતન કરશે અને રાજકારણીઓ પ્રતિના વિશ્વાસની પુનઃસ્થાપના કરશે.


