ભગવાન શ્રીકૃષ્ણે પોતાના ભક્તોને એવું વચન આપ્યું હતું કે, સમસ્ત જીવોનાં રક્ષણ માટે અને હિત માટે કળિયુગમાં હું વ્રજલોકમાં શ્રીનાથજીના નામથી પ્રગટ થઈશ. આ વચનને તેમણે વ્રજલોકમાં મથુરાની નજીક જતીપુરા ગામમાં ગોવર્ધન પર્વત પર પ્રગટ થઈને પૂર્ણ કર્યું.
તેમના પ્રાગટ્યનો સમય જેમ જેમ નજીક આવતો ગયો તેમ તેમ શ્રીનાથજીની લીલાઓ શરૂ થઈ ગઈ. વ્રજવાસીઓની ગાયો ઘાસ ચરવા માટે ગોવર્ધન પર્વત પર જતી હતી. તેમાંથી સદુ પાંડેની ઘૂમર નામની ગાય પોતાનું થોડું દૂધ શ્રીનાથજીના લીલાસ્થળ પર અર્પણ કરતી હતી. ઘણા સમય સુધી આ ક્રમ ચાલુ રહેતાં વ્રજવાસીઓમાં કુતૂહલ જાગ્યું કે આ શું લીલા છે? તેમણે શોધખોળ આદરી. શોધખોળમાં પરિણામ સ્વરૂપ લોકોને શ્રીનાથજીની ડાબી ભુજાનાં દર્શન થયાં. ત્યારબાદ વ્રજવાસીઓએ ઊર્ધ્વ ભુજાની પૂજા-આરાધના શરૂ કરી દીધી. થોડા સમય પછી સંવત 1535ની વૈશાખ વદ અગિયારસે ગિરિરાજ પર્વત પર શ્રીનાથજીના સંપૂર્ણ શરીરનું પ્રાગટ્ય થયું. આ સાથે એક બીજી ઘટના પણ બની, જે શ્રીનાથજીના સ્વરૂપમાં શ્રદ્ધાની વૃદ્ધિ કરનાર છે. શ્રીનાથજીના સંપૂર્ણ શરીરના પ્રાગટ્ય બાદ વ્રજવાસીઓ પોતાની શ્રદ્ધા અનુસાર શ્રીનાથજીની સેવા-આરાધના કરતા રહેતા. ત્યારબાદ મહાપ્રભુ વલ્લભાચાર્યજી બધાને સાથે લઈને ગોવર્ધન પર્વત પર પહોંચ્યા અને ત્યાં શ્રીનાથજીના ભવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું.
મુગલોના શાસનનો સમય ચાલી રહ્યો હતો. પ્રભુએ હજુ પણ કેટલીક લીલાઓ કરવાની હતી. બીજી બાજુ એ સમયનો મુગલ સમ્રાટ ઔરંગઝેબ હિન્દુ મંદિરોને નષ્ટ કરી રહ્યો હતો. મેવાડમાં શ્રીનાથજીને પોતાની પરમ ભક્ત મેવાડની રાજકુમારી અજબકુંવરબાઈને આપેલું વચન પૂરું કરવા ત્યાં પધારવાનું હતું. ભગવાને લીલા રચી. શ્રી વિઠ્ઠલનાથજીના પૌત્ર દામોદરજી, તેમના કાકા ગોવિંદજી, બાલકૃષ્ણજી તથા વલ્લભજીએ ઔરંગઝેબના અત્યાચારોની વાત સાંભળી ચિંતિત થઈને શ્રીનાથજીને સુરક્ષિત સ્થાન પર લઈ જવાનો નિર્ણય કર્યો. ભગવાનની આજ્ઞા લઈ તેઓ મૂર્તિને ગાડામાં મૂકીને ચાલવા લાગ્યા. રસ્તામાં આવનારાં બધાં જ રાજ્યોના રાજાઓને તેમણે ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા કરાવવાનો આગ્રહ કર્યો, પરંતુ કોઈ તૈયાર ન થયું. તેથી ભગવાનની લીલાનો સમય હજુ નથી આવ્યો તેમ માનીને તેઓ આગળ ચાલવા લાગ્યા.
તેઓ જ્યારે ભગવાનની મૂર્તિ સાથે મેવાડ પધાર્યા ત્યારે રથનું પૈડું સિંહાડ ગામ (વર્તમાન શ્રીનાથદ્વારા)માં આવીને માટીમાં ખૂંપાઈ ગયું. ઘણા પ્રયત્નો કરવા છતાં પણ પૈડું બહાર ન નીકળ્યું. તેઓએ આ પ્રભુની લીલા જ છે તેવું માનીને ભગવાનને અહીં જ વિરાજમાન કરાવવાનો નિશ્ચય કર્યો. તત્કાલીન મહારાજા શ્રીરાજસિંહજીએ શ્રીનાથજીનું સ્વાગત કર્યું અને વચન આપ્યું કે પ્રભુની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી લઉં છું. તમે ભગવાનને અહીં જ વિરાજમાન કરાવો. સંવત 1728 ફાગણ વદ સાતમના દિવસે ભગવાન શ્રીનાથજીને મંદિરમાં પધરાવવામાં આવ્યા અને ભવ્ય પાટોત્સવનું આયોજન થયું. ત્યારથી સિંહાડ ગામ શ્રીનાથદ્વારાના નામથી પ્રસિદ્ધ થયું અને ત્યારથી ભગવાન શ્રીનાથજીના લાખો ભક્તો દર વર્ષે શ્રીનાથદ્વારા આવીને શ્રીનાથજીનાં દર્શન કરી ધન્યતા અનુભવે છે. દર વર્ષે મહા વદ સાતમના દિવસે શ્રીનાથજીદ્વારા સહિત સમગ્ર ભારતમાં શ્રીનાથજી પાટોત્સવની ધૂમધામપૂર્વક ઉજવણી થાય છે.
શ્રીનાથજીનું સ્વરૂપ
શ્રીનાથજીની મૂર્તિ કોઈ શિલ્પકારે નથી બનાવી. શ્રીનાથજી કળિયુગમાં જીવોના ઉદ્વાર માટે વ્રજમંડળમાં ગિરિરાજ પર સ્વયં પ્રગટ થયા છે. તેમનું સ્વરૂપ ગોવર્ધન પર્વત ધારણ કર્યો હતો તે સમયનું છે. શ્રીનાથજીનો શ્યામ રંગ શૃંગાર રસનો દ્યોતક છે. ડાબી (ઊર્ધ્વ) ભુજા દ્વારા તેઓ ભક્તોને નિજ શરણમાં આશ્રય લેવા માટે બોલાવે છે.
જમણી ભુજાની મુઠ્ઠી દર્શાવે છે કે ભગવાન પોતાના ભક્તોનું મન પોતાની મુઠ્ઠીમાં બંધ કરીને તેને હંમેશ માટે પોતાની સાથે જોડી દે છે. નેત્ર ઝૂકેલા અને દૃષ્ટિ ચરણવિંદ તરફ છે. તેઓ શરણાગત જીવોને કૃપાદૃષ્ટિથી જોઈ રહ્યા છે. જમણી ભુજા કટિ (કમર) પર હોવાનો અર્થ એ છે કે કટિ વાસનાનું સ્થાન છે અને તેમાંથી છોડાવનાર શ્રીનાથજી જ છે. તેમના ગળામાં રહેલી માળા યોગમાળાનું સ્વરૂપ છે. ભગવાન શ્રીનાથજી નિર્ગુણ, નિરાકાર-બ્રહ્મનું સાકાર-સગુણ સ્વરૂપ છે. તેઓ સાક્ષાત્ પૂર્ણ પુરુુષોત્તમ છે.
શ્રીનાથદ્વારાનાં દર્શનીય સ્થળો
શ્રીનાથદ્વારા સમગ્ર દુનિયામાં વસતા વૈષ્ણવો માટે અગત્યનું તીર્થધામ છે. અહીં શ્રી ગિરિરાજ પર્વત પરથી નાથદ્વારા પધારેલી સ્વયં પ્રગટ થયેલી શ્રીનાથજી ભગવાનની સુંદર મૂર્તિ છે. ભગવાન શ્રીનાથજીનું મંદિર અન્ય મંદિરો સમાન ગુંબજો કે શિખરોવાળું ન હોતા સાક્ષાત્ શ્રી નંદબાબાની હવેલી સમાન બનેલું છે. શ્રીનાથજીના નિજ મંદિર ઉપરની છત પર ચક્રરાજ સુદર્શનજીનું સ્વરૂપ બિરાજમાન છે. મંદિર પરિસરમાં જ ઘણાં દર્શનીય સ્થળ છે, જેમાંથી કેટલાંક આ
પ્રમાણે છે.
ફૂલઘર : ફૂલો વગર ઠાકોરજીના શૃંગારની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. વિવિધ પ્રકારનાં ફૂલ જેમ કે, ગુલાબ, મોગરો, ચમેલી, ચંપો વગેરે ફૂલ અહીંથી દરરોજ સેવા માટે કામમાં લેવાય છે.
મણિ કોઠા : જ્યાં કીર્તનકાર હવેલી સંગીતનું કીર્તનગાન કરવા તથા છડીદાસજી પોતાની છડી તથા અન્ય સેવકગણોની સાથે ભગવાનની સેવા માટે ઊભા હોય છે.
ડોલ તિબારી : જ્યાં ઊભા રહીને શ્રીનાથજીનાં દર્શન કરી શકાય છે.
કીર્તનિયા ગલી : જ્યાં કીર્તનકાર પોતાનાં સાજ-સાધનો રાખે છે તથા દર્શન પહેલાં અને પછી મધુર રાગ-રાગિણીઓનું ગાન કરે છે.
ચક્રરાજ સુદર્શનજી : અહીં ધ્વજા ફરકાવવામાં આવે છે. શ્રીનાથજીનું મંદિર પુષ્ટિમાર્ગમાં એકમાત્ર એવું મંદિર છે જ્યાં ધ્વજા ફરકાવાય છે.
કમલ ચોક : ચોકની બરાબર મધ્યમાં માર્બલથી કમળ આકાર બનાવવામાં આવેલો છે તથા તે શ્રીનાથજીના રાસસ્થળ તરીકે ઓળખાય છે.
ધ્રુવ બારી : અહીં મુગલ સમ્રાટ ઔરંગઝેબે શ્રીનાથજીનો ચમત્કાર જોઈને પોતાની ધૃષ્ટતા છોડીને દર્શન કર્યાં હતાં.
અન્નકૂટ લૂંટવાની પરંપરા!
શ્રીનાથજીદ્વારા ખાતે શ્રીનાથજીના મંદિરમાં દિવાળીના બીજા દિવસે અન્નકૂટ ધરાવવામાં આવે છે. અન્નકૂટ મહોત્સવમાં આદિવાસીઓની ભૂમિકા મુખ્ય છે. આ અન્નકૂટ મહોત્સવમાં આદિવાસી ભાઈઓ દોડતાં દોડતાં મંદિરના પરિસરમાં પ્રવેશે છે અને અન્નકૂટ લૂંટે છે. અન્નકૂટ લૂંટવાની પરંપરા લગભગ ચાલીસ-પચાસ વર્ષથી ચાલી આવી છે. આ અન્નકૂટ મહોત્સવમાં લાખોની સંખ્યામાં લોકો આવે છે. અન્નકૂટમાં રાંધેલા ભાતનો એક મોટો પહાડ બનાવવામાં આવે છે અને તેને સારી રીતે સજાવીને શ્રીનાથજીને ભોગ ધરાવવામાં આવે છે. આ ઉપરાંત અન્નકૂટમાં 60 પ્રકારના વ્યંજન રાખવામાં આવે છે. શ્રીનાથજીમાં અન્નકૂટ મહોત્સવમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જામે છે. આદિવાસી સિવાયના ભક્તો માટે અન્નકૂટનાં દર્શન રાત્રે દસ વાગ્યે ખૂલે છે અને બાર વાગ્યે બંધ થાય છે. ત્યારબાદ માત્ર આદિવાસી ભાઈઓ માટે પ્રવેશદ્વાર ખોલવામાં આવે છે. દરવાજો ખૂલતાંની સાથે જ આદિવાસી ભાઈઓ દોડતાં દોડતાં બૂમો પાડતાં મંદિરમાં પ્રવેશ કરે છે અને મંદિરના પરિસરમાં બનાવેલા ચોખાના ડુંગર તથા અન્નકૂટને લૂંટે છે. ત્યારબાદ દોડતાં બહાર જાય છે, જ્યાં આદિવાસી સ્ત્રીઓ ઊભી હોય છે તેમને અન્નકૂટ આપીને ફરી અન્નકૂટ લૂંટવા માટે મંદિરમાં દોટ મૂકે છે. અન્નકૂટમાં ધરાવાયેલા ચોખાનું ખૂબ જ મહત્ત્વ છે. લોકો આ ચોખાનો એક દાણો સૂકવીને તેમની તિજોરીમાં રાખે છે. ભક્તજનો આ દાણાને ગંગાજળ જેટલો પવિત્ર માને છે અને ઘરમાં જો કોઈનું મૃત્યુ થાય ત્યારે આ દાણાને તેના મુખમાં મૂકે છે.