પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયનાં મંદિરોમાં પ્રાસંગિક ઉત્સવો ખૂબ જ ધામધૂમપૂર્વક ઊજવવામાં આવે છે. શ્રીનાથજીના જુદા જુદા આઠ સમાનાં દર્શન કરવાં એ વૈષ્ણવ ભક્તો માટે અમૂલ્ય લહાવો છે. શ્રીજીને પ્રસંગોપાત મુખ્ય ત્રણ ભોગ ધરાવાય છે. 1. રાજભોગ, 2. છપ્પનભોગ, 3. ખીચડી ભોગ. જ્યારે નૂતન વર્ષે અન્નકૂટ ઉત્સવ થાય છે, પરંતુ છપ્પનભોગનું અનેરું મહત્ત્વ હોય છે.
શ્રી ગુંસાઈજીએ સંવત 1615માં સૌ પ્રથમ વાર છપ્પનભોગ માગશર સુદ-15ના દિવસે શ્રીનાથજી બાબાને ધરાવ્યો હતો. ત્યારથી આ દિવસથી છપ્પનભોગ ધરાવવાની પ્રથા પુષ્ટિમાર્ગમાં ચાલતી આવી છે. આધ્યાત્મિક દૃષ્ટિએ જોઈએ તો શ્રી વૃષભાનુજીએ પુત્રી રાધિકાજીના શ્રીકૃષ્ણ સાથેના લગ્નપ્રસંગે નંદરાયજી અને તેમના પરિવારોને જમાડવા માટે પણ પહેલો છપ્પનભોગ કર્યો હતો. તેમાં નંદરાયજી, યશોદાજી, કૃષ્ણચંદ્રજી, રાધિકાજી, દાદાજી, રેવતીજી તથા પત્નીઓ સહિત નવ નંદ, નવ ઉપનંદ, છ વૃષભાન મળીને 55 અને શ્રીકીર્તિજી આમ છપ્પન આસનથાળ ભોગ ભાવના પરથી છપ્પનભોગ નામ પડ્યું. વળી પ્રભુજી સહિત આઠ સ્વરૂપો અને સાતે બાળકોની સેવા તેથી આઠને સાત વડે ગુણવાથી (8X7=56) છપ્પન થાય.
આધિભૌતિક દૃષ્ટિએ 84 લાખ યોનિમાં જીવ પરિભ્રમણ કરે છે. એમાં મનુષ્ય યોનિને બાદ કરીએ તો 83,99,999 યોનિ રહે, જેના અંકનો સરવાળો પણ છપ્પન થાય. આ છપ્પનભોગનાં દર્શનમાત્રથી જે તે જીવના જન્મ-મરણના ફેરા મટી જાય છે અને જીવ વૈકુંઠમાં વાસ પામે છે. છપ્પનભોગનો પ્રસાદ આરોગનાર જીવ આ પામર શરીરની શુદ્ધિ કરાવે છે. શ્રીજીને અર્પણ કરાતો છપ્પનભોગ મનોરથમાં શ્રીજીને અવનવાં ભાવતાં ભોજનિયાં જેવાં કે માવાની મીઠાઈઓ, બાસુંદી, માલપૂઆ, ઘૂઘરા, દાળ, શાક, કઠોળ અને અથાણાં જેવી વાનગીઓ માટીનાં વાસણો અને વાંસના ટોપલામાં સજાવીને શ્રીજી સમક્ષ ધરાવવામાં આવે છે. ત્યારે થાળ, કીર્તન અને પદો ગીત-સંગીતથી ગવાય છે. ત્યારબાદ ચાંદીની થાળીમાં શ્રીજીની નવરતન દીવડાંની આરતી થાય છે તથા મુખિયાજી છપ્પનભોગની ભાવના વ્યક્ત કરે છે. આમ, છપ્પનભોગ જ્યારે ઇચ્છા થાય ત્યારે શ્રીજી સમક્ષ ધરાવવામાં આવે છે. છપ્પનભાગ મનોરથ છે જ્યારે અન્નકૂટ એ છે જે દિવસનો ઉત્સવ છે.
સંકેતવનમાં યુગલ સ્વરૂપના વિવાહ, ખેલોમાં તથા ગિરિરાજજીમાં પણ સખીજનોએ છપ્પનભોગ આરોગાવેલો છે. કાત્યાયિની વ્રત પછી વ્રતોપધાન રૂપે ભગવાન (દુર્વાસા) દ્વારા કુમારિકાઓએ કરેલો છપ્પનભોગ શ્રીજી આરોગ્યા છે. ગોકુલમાં અનેક શુભ પ્રસંગોએ સાતે સ્વરૂપોને અનેક વાર ભક્તોએ છપ્પનભોગ આરોગાવેલો છે. આ એક ભક્તિમાર્ગીય પુષ્ટિ સેવા પ્રકાર છે. છપ્પનભોગ એ પુષ્ટિમાર્ગની અને વલ્લભકુળ પરિવારની વિશિષ્ટ સેવાના પ્રકાર સમો એક મનોરથ છે.
ખીચડાનો ભોગ વર્ષમાં એક વાર પોષ સુદ બીજથી મહા સુદ એકમ સુધી ધરાવવામાં આવે છે. ગળ્યો ખીચડો તથા તજ-લવિંગ, ગરમ મસાલાથી ભરપૂર તીખા ખીચડાનો મનોરથ થાય છે. પોષ મહિનામાં શિયાળાની ઋતુ ચાલતી હોવાથી શ્રીજીને મોસમને અનુરૂપ શૃંગાર, ભોગ, આદિ અર્પણ કરવામાં આવે છે. શ્રીજીને અભિષેક બાદ ઠાકોરજીની સેવામાં સૌભાગ્ય સૂંઠ, ઘી, ગોળ, મરી, તજ, કેસર, કાળી મૂસળી, સફેદ મૂસળી, બદામ, પિસ્તાં અને કાજુ ધરાવવામાં આવે છે. શ્રીજીને કડકડતી ઠંડીની ઋતુમાં રાહત મળે એવી શુદ્ધ ભાવનાથી ગરમ કપડાં અર્પણ કરાય છે તથા વિવિધ પ્રકારનાં તાપણાં કરીને શ્રીજીને ઠંડીથી રાહત અપાય છે. સાથે સાથે શ્રીજીને પ્યારાં જાતજાતનાં શાક, અથાણાં, મુરબ્બો, ચટણી, પાપડ, રબડી, રસમલાઈ, દૂધપાક પણ ધરાવવામાં આવે છે.