જીવનમાં ગુરુની પ્રાપ્તિથી ભાગ્યોદય જ થાય છે. નિગ્રંથ, નિ:સ્પૃહ અને નિર્મળ ગુરુ જ શિષ્યને આ ભવસાગરમાંથી પાર કરાવવાને માટે સક્ષમ છે. વાસ્તવમાં ગુરુ એક અણમોલ રત્ન સમાન છે. કબીરે કહ્યું છે –
કબીરા તે નર અંધ હૈ, ગુરુ કો સમજે ઓર।
હરિ રુઠ્યા ગુરુ ઠોર હૈ, ગુરુ રુઠ્યા નહીં કોર
કબીરની દૃષ્ટિમાં ગુરુની ગુરુતાને સમજવી એ એક અંધત્વ છે. ગુરુને ઉલટી દૃષ્ટિએ જોવા તે ભાગ્યહીનતાનું એક લક્ષણ છે. તેમને નાખુશ કરનારને અબોધિ મળે છે. સાચા ગુરુ મળ્યા પછી પણ જો અહોભાવ જાગે નહીં તો તે એક પ્રકારની આત્મદુર્બળતા છે. ગુરુ નાવ સમાન મહાન ઉપકારી છે. એમનું દર્શન સાંનિધ્ય અને સત્સંગ ભાગ્યોદયનું એક મહાન કારણ છે. ગુરુ નિ:સંદેહ મહાન વ્યક્તિત્ત્વ છે. જે એમની શરણમાં આવનારને ભવસાગર પાર ઉતારવાનો માર્ગ પ્રશસ્ત કરે છે. બંધનમાંથી મુક્ત થવાનો માર્ગ બતાવે છે. ગુરુની ગરિમા પ્રગટ કરતાં કહેવાયું છે કે,
યહ તન વિષ કી બેલડી ગુરુ અમૃત કી ખાણ।
શીપ દિ જો ગુરુ મિલે તો ભી સસ્તા જાન॥
સદગુરુને ગુણોની ખાણ કહેવામાં આવે છે. જીવનની કપરી સમસ્યાનું સમાધાન જાતે ન શોધી શકો તો તે ગુરુ પાસે જ હોય છે. જીવનના અંધકારને હરાવનાર કોઈ હોય અને પ્રકાશ આલોકનું દાન કરનાર કોઈ હોય તો એ ગુરુ છે. ગુરુનો મહિમા બતાવતા આ ચાર બોધની રચનામાં ગુરુદેવ શ્રી તુલસી કહે છે કે,
હર કઠિન સમસ્યા કા હલ ગુરુ કી આસ્થા,
દિગભ્રાન્ત મનુજ કો મિલ જાતા રાસ્તા॥
ગુરુદેવ દ્વિપ હૈ, શરણ પ્રતિષ્ઠા ગતિ હૈ
ગુરુ દ્રષ્ટિ જગતમાં સબસે બડી પ્રગતિ હૈ॥
આમ ગુરુ પ્રત્યેની આસ્થા દરેક સમસ્યાનું સમાધાન છે. ગુરુ પ્રત્યે આસ્થાભાવ રાખવાથી દિગભ્રમિત મનુષ્યને સ્વયં માર્ગ મળી જાય છે, જીવનમાં ગુરુ એ જ દ્વીપ છે, શરણ છે, પ્રતિષ્ઠા છે અને ગતિ છે. જીવનમાં પ્રગતિ કરવા માટે ગુરુની દૃષ્ટિની પરમ આવશ્યક્તા છે. એક સંસ્કૃત શ્લોકમાં પણ કહેવાયું છે કે,
ધ્યાનમૂલં ગુરોમૂર્તિ; પૂજામૂલં ગુરુ પદમ્।
મંત્રમૂલં ગુરોવાક્યં, મોક્ષમૂલં ગુરો: કૃપા।
અર્થાત ગુરુની મૂર્તિ ધ્યાનનું મૂળ કારણ છે, ગુરુનાં ચરણ પૂજાનું મૂળ કારણ છે, ગુરુની વાણી જગતના તમામ મંત્રોનું મૂળ કારણ છે અને ગુરુની કૃપા મોક્ષપ્રાપ્તિનું મૂળ કારણ છે આમ ધ્યાન, પૂજા, મંત્રો અને મોક્ષનું એકમાત્ર કારણ ગુરુ જ છે.
જેમને જીવનમાં ગુરુનું સાનિધ્ય મળતું નથી એમના જીવનનો અંધકાર દૂર થતો નથી. ગુરુનો શાબ્દિક અર્થ જ એ છે કે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય તે ગુરુ. એ સમાજ ને સંસ્કૃતિ ક્યારેય પ્રગતિ કરી શક્તાં નથી. જેમને સુયોગ્ય ગુરુનો સુયોગ સાંપડ્યો નથી. આમ ગુરુ વિના સમાજ અને સંસ્કૃતિ અધૂરાં છે.