રાજકોટના સામાકાંઠે બુલિયનનો મોટા ગજાનો વેપારીઓ આવી ગયો ભીંસમાં
આ તો પ્રાથમિક તબક્કે આવેલો આંકડો છે, ‘ઉઠમણા’ની રકમ ૧૭.૭૫ કરોડથી પણ વધુ હોય તેવી સામાકાંઠ જાણકાર સુત્રોમાં સચોટ ચર્ચા
શ્રીરણછડનગરના ચંપકનગરમાં રહેતો અને ભગવાન ‘ક્રિષ્ના’ભક્ત એવો સિલ્વર માર્કેટમાં ‘ધુરંધર’ની છાપ ધરાવતો બુલિયન વેપારી રાતોરાત રોડ પર આવી ગયો
સોના-ચાંદીમાં આગ જરતી તેજીએ અનેક મોટા ગજાના બુલિયન અને એમસીએકસના સોદાગરોને રાતોરાત રોડ પર લાવી દીધા છે. રાજકોટમાં પણ ચાંદીના ત્રણ બુલિયન વેપારીઓ કરોડોમાં ઉઠી ગયાનું સામે આવ્યુ છે. એ પૈકી એક મોટામાથાનું નામ સામે આવી ગયુ છે. જ્યારે બાકીના બે બુલિયન વેપારીનું ઉઠમણુ હજુ ભૂગર્ભમાં જ ધરબાયેલુ છે. જેના નામ નજીકના દિવસોમાં જ સામે આવવાનું નિશ્ચિત છે. જ્વેલરી માર્કેટના અત્યંત વિશ્વસનીય સુત્રોમાંથી મળતી સચોટ માહિતી મુજબ રાજકોટના સામાકાંઠે શ્રી રણછોડનગર વિસ્તારમાં આવેલા ચંપકનગરમાં રહેતો અને ભગવાન ‘ક્રિષ્ના’ભક્ત તેમજ બુલિયન બજારમાં ‘ધુરંધર’ની છાપ ધરાવતો વેપારી રૂ.૧૭.૭૫ કરોડમાં ઉઠી ગયો છે. આ તો સતાવાર આંકડો છે. રકમ વધુ હોવાની પણ એક વાત સામે આવી છે.
રાજકોટની જ્વેલરી માર્કેટ માત્ર સૌરાષ્ટ્ર કે ગુજરાત જ નહીં પણ સમગ્ર દેશમાં પ્રખ્યાત છે. જ્વેલરીની મલ્ટીનેશનલ કંપનીના ઘરેણાની ડિઝાઇન બનાવવાથી માંડી તેની ઘડાઇનું મોટુ કામ રાજકોટમાં થાય છે. બોલીવુડ હોય કે પછી ટેલિવુડના કલાકાર, કે પછી સ્ટાર ક્રિકેટર રાજકોટ આવે એટલે રાજકોટની જ્વેલરી માર્કેટમાંથી ખરીદી કરવાનો આગ્રહ ચોક્કસ રાખે જ છે. માત્ર ઘરેણાના વેંચાણ માટે જ નહીં પણ રાજકોટની આ જ્વલેરી માર્કેટમાં એેમસીએક્સ, બુલિયન કે હાજરના સોદા પણ કલ્પના બહારના થાય છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં સ્હેજ એવી ઉથલપાથલમાં મંદી-તેજીના મોજામાં એમસીએકસ, બુલિયન કે હાજરના સોદાગરો રાતોરાત લખપતિ-કરોડપતિ બની જાય છે તો ક્યારેક કેપીસીટી બહારના સોદામાં ધાર્યા બહારના પરિણામમાં રાતોરાત રોડ પર આવી ગયા હોય તેવા પણ અનેક દાખલા બની ચુક્યા છે. જેમા વધુ એક મોટાગજાના વેપારીની હાલત ભિક્ષુક જેવી થઇ ગઇ છે. હાલ સોના કરતા ચાંદીમાં આગ ઝરતી તેજી ચમકી રહી છે. ચાંદીના ભાવમાં અકલ્પનીય અને અણધારી ઉથલપાથલમાં શહેરના સામાકાંઠે આવેલા શ્રી રણછોડનગરના ચંપકનગર વિસ્તારમાં રહેતો અને બુલિયન બજારમાં ‘સિલ્વર કીંગ’ ગણાતો એક મોટાગજાનો વેપારી રાતોરાત રોડ પર આવી ગયો છે. આ વેપારીએ બુલિયન માર્કેટમાં પોતાનુ ‘સિલ્વર એમ્પાયર’ ઉભુ કર્યુ હતુ. આ વેપારી ‘ક્રિષ્ના’ભક્ત હોય તેમની પેઢી સાથે પણ આ ભક્તિની ભાવના જોડાયેલી છે. તેમણે અનફિક્સમાં કરેલા સોદા બાદ ચાંદીના ભાવમાં સળસળાટ જે તેજી ચાલી રાખી તેમા આ વેપારી રાતોરાત રસ્તા પર આવી ગયો. સામાકાંઠાના બુલિયન વેપારી સુત્રોના કહેવા મુજબ આ ભાઇ રૂ.૧૭.૭૫ કરોડથી વધુ રકમમાં ઉઠી ગયો છે. અને સતાવાર આ આંકડા કરતા તેનાથી પણ વધુ રકમમાં ડૂબી ગયો હોવાની પણ એક વાત સામે આવી છે.
નજીકના દિવસોમાં હજુ વધુ બે મોટા માથાના ઉઠમણા સામે આવશે
‘સિલ્વર તેજી’માં શ્રી રણછોડનગરના ચંપકનગરનો જ એક બુલિયન વેપારી નહીં પણ અન્ય બે ચાંદીના મોટા ગજાના કહેવાતા સોદાગરો પર છેલ્લા ૧૫ દિવસથી ઓક્સીજન પર છે. તેમનુ ઉઠમણુ થઇ ગયુ છે એ નિશ્ચિત હોવાનું સુત્રોનું કહેવુ છે પરંતુ બજારમાં હજુ સુધી ખુલ્લીને સામે આવ્યુ નથી. હાલ આ બન્ને વેપારી પણ ભૂગર્ભમાં છે. વિશ્વસનીય ચાંદીના વેપારીઓ સુત્રોનું કહેવુ તો ત્યા સુધી છે કે આ બન્ને વેપારીઓ પણ રૂ.૧૦ કરોડથી વધુ રકમમાં ઉઠી ગયા છે.
રોડ પર આવી ગયેલા ચંપકનગરના બુલિયન વેપારીનો ફોન બંધ,ઘર પર અલિગઢી તાળુ, પરિવાર પણ સંપર્કવિહોણો
ચંપકનગરમાં રહેતો બુલિયન વેપારી આમતો છેલ્લા એક મહિનથી ડચકા ખાતો હતો. પરંતુ જ્યારથી માર્કેટમાં આ વેપારીના ઉઠમણાની વાત વાયવેગે પ્રસરવા લાગી એ પછી તેઓ રાતોરાત ભૂગર્ભમાં ઉતરી ગયો છે. તેનુ માલ ખરીદ-વેચાણ-કપાતનું નેટવર્ક મોટાભાગે અમદાવાદ-મુંબઇથી થતુ હોવાનું કહેવાય છે. ત્યાથી પણ ‘લેણિયાતો’એ રાજકોટમાં ધામા નાંખ્યા છે. પણ વેપારીનો કોઇ અપોપતો નથી. ફોન પણ સતત સ્વીચ ઓફ આવે છે. પરિવારના સભ્યો પણ સંપર્ક વિહોણા થઇ ગયા હોવાની માહિતી જાણકારો પાસેથી મળી છે.
મોટાભાઇ પણ એક સમયે બુલિયનમાં ‘“મગ્ન”’ હતા,તેનો વારસો નાના ભાઇએ લીધો અને ચાંદીના ચળકાટમાં અંજાઇ ગયો
સિલ્વર માર્કેટમાં બુલિયનનો ખેરખાં ગણાતો ચંપકનગરનો આ વેપારી આમતો છેલ્લા ઘણા સમયથી સિલ્વર માર્કેટના બુલિયન બજારમાં સક્રિય છે. આ પહેલા તેનો સગો મોટો ભાગ બુલિયન બજારમાં ‘મગ્ન’ હતો. સમયસર તે ચેતી ગયો. બુલિયન માર્કેટને અલવિદા કરી નાંખ્યુ. પણ નાના ભાઇએ બુલિયનની ક્ષણિક ચકાચોંધ જોયેલી હોય તેમાં અંજાઇ ગયો અને મોટા ભાઇનો વારસો સંભાળી સિલ્વર માર્કેટમાં બુલિયનના વેપારમાં ઝંપલાવ્યુ. પણ કમનસીબે કરોડો રૂપિયાના સાપટિયામાં સલવાઇ ગયો.
નબળુ ફાવે નહીં!1000-2000 કિલો ચાંદીના કરતો હતો વહીવટ
શહેરના સામાકાંઠે એમસીએકસની જેમ બુલિયન માર્કેટમાં અનેક મોટા વેપારીઓ કામ કરે છે. તેમના કહેવા પ્રમાણે હાલ જે આંકડો સામે આવ્યો છે એ મુજબ ચંપકનગરનો આ વેપારી રૂ.૧૭.૭૫ કરોડમાં ઉઠી ગયો છે. જો કે આંકડો વધુ પણ નીકળી શકે તેમ છે. તે અમદાવાદ-મુંબઇ ઉપર સ્થાનિક રાજકોટની બજારમાં બુલિયનના અન્ય વેપારીઓ સાથે પણ ભાગીદારીમાં ચાંદીના લોટનું ખરીદ-વેંચાણ કરતો હતો. તેમને નબળુ તો ફાવતુ નથી. એકસાથે એક-એક, બબ્બે હજાર કિલો ચાંદીના વહીવટ કરતો હતો.
દીવાળી સમયે ભાવ ૧.૬૦ લાખ આસપાસ હતો, હાલ ૨.૪૦ લાખ
બુલિયનમાં મોટાભાગે ‘અનફિક્સ’માં જ થાય છે સોદા, અણધાર્યા પ્રહામાં આવી ગયુ કરોડોનું ‘પુઠુ’
દીવાળી પછી સળંગ વધતા ભાવમાં ‘અનફિક્સ’ના ખાડામાંથી વેપારી બહાર આવી જ ન શક્યોબુલિયન માર્કેટમાં મોટાભાગે ‘અનફિક્સ’માં જ સોના-ચાંદીના વહીવટ થતા હોય છે. અનફિક્સ એટલે કે, ઉદાહરણ તરીકે બુલિયનના વેપારીને એક કિલો ચાંદી ખરીદવી હોય તો પ્રવર્તમાન ભાવ મુજબ તે એટલો જથ્થો બુક કરાવે છે. તેની ડીલીવરી લેતો નથી. માત્ર માલ સ્ટોક માટે જ બુકીંગ અનફિક્સમાં થાય છે. ભાવ તો જ્યારે ડીલીવરી લેવાની હોય એ સમયનો જ લાગે છે. બુલિયન વેપારી ભાવ ઘટવાની લાલચમાં લોટ ખરીદી માટે બુક તો કરાવે છે. પરંતુ જ્યારે ખરેખર માલની જરૂરિયાત હોય ત્યારે જે ભાવ હોય તેટલો જ ચુકવવો પડે છે. દીવાળી સમયે ચાંદીનો ભાવ ૧ લાખ ૪૦ હજાર આસપાસ હતો. છેલ્લા બે મહિનામાં જ રૂ.૮૦ હજારનો ઉછાળો આવી ગયો. સતત વધતા ભાવ વચ્ચે ચંપકનગરનો આ વેપારી ‘અનફિક્સ’ના ખાડામાંથી બહાર આવી જ ન શક્યો.


