પાપ-પુણ્યનો નાશ થાય પણ પ્રેમનો કયારેય નાશ ન થાય : મોરારિબાપુ
ભારત મંડપમ-દિલ્હીની રામકથા ‘માનસ સનાતન ધર્મ’નું સમાપન, હવે પછીની રામકથા તા.૫-૨-૨૬ કૃષ્ણની રાજધાની દ્વારકાનગરીમાં યોજાશે
જયાં અત્યંત સ્નેહ હોય ત્યાં શંકા-સંદેહ હોય જ!
પ્રેમના પ્રકાર ન હોય, પ્રેમના પ્રવાહ હોય
વિશ્વશાંતિ કેન્દ્ર-અહિંસા વિશ્વભારતી-દિલ્હીના ભારત મંડપમમાં પ્રવાહિત થયેલી ‘માનસ સનાતન ધર્મ’ રામકથાનું રવિવારે ભાવમય વાતાવરણમાં સમાપન થયું હતું. આઠમા દિવસની કથાનો પ્રેમસંવાદ આગળ ધપાવતા પ્રિય બાપુએ કહ્યું હતું કે મને એક શ્રોતાએ પ્રશ્ન પૂછયો છે કે બાપુ,તમે જે રામચરિત માનસની કથા કરો છો એમાં સનાતન ધર્મની ગંધ છે? જવાબ: હા, છે પણ એના માટે નાક હોવું જોઇએ. આપણી વૈદિક સભ્યતા-સનાતની સત્યો એ બધું જ માનસમાં છે. તમે મારી વાત ન માનો તો પણ ભગવાન સાપનાચાર્ય અને બીજા ઘણા આચાર્યોએ કીધું છે એની તો માનશો ને? સનાતન ધર્મ તો ગ્રંથ એ છે જેમાં જ્ઞાન-વિજ્ઞાનની વાત હોય, બીજું જીવનને કર્મયોગી બનાવે પ્રમાદી ન બનાવે, ત્રીજું જેમાં જુદી-જુદી ઉપાસના પધ્ધતિઓનું જ્ઞાન હોય અને ચોથું સાધકની નિતાંત શરણાગતિ, પ્રસન્નતા, દ્રઢાશ્રય વગેરે તત્વોની વાત હોય. સાપનાચાર્યજી જે તત્વોની વાત કરે છે એ ચારેય વસ્તુ માનસના પ્રારંભ માં જ છે. રામચરિત માનસ એ સર્વાધિક રીતે સનાતન ધર્મનો અંતિમગ્રંથ છે.
મને એક શ્રોતાએ આપણા સનાતન ધર્મના સોળ પ્રતિકો લખી મોકલ્યા છે. એ પ્રસાદ આપને વ્હેંચું (૧) ઓમ (૨) સ્વસ્તિક સાથિકો (3) ત્રિશુલ (૪) શંખ (૫) કમળકુ ફૂલ (૬) શ્રીયંત (૭) નટરાજન પ્રતિમા (૮) દિવો-દિવડો (૯) કળશ (૧૦) રૂદ્રાક્ષ (૧૧) તુલસી પત્ર (૧૨) ધર્મચક્ર (૧3) નંદી (૧૪) નમસ્કારની મુદ્રા (૧૫) તિલક અને (૧૬) ડુંસ સનાતનધર્મના આ સોળ પ્રતિકો-ચિન્હો છે અને દરેક વિશે વિસ્તારથી ચર્ચા થઇ શકે પણ એની વાતો કયારેક કરીશું.
રવિવાર-સમાપન દિવસની રામકથાના ઉપસંહારરૂપ પ્રેમસંવાદમાં પ્રિય બાપુએ કહ્યું હતું કે આજે વિરામ તરફ રામકથા ગતિ કરી રહી છે ત્યારે હું સમગ્ર આયોજનની પ્રસન્નતા વ્યકત કરૂ છું. પૂજય લોકેશ મુનિ ‘સનાતની’ના સંયોજન હેઠળ, એમના સૌ કોઇ કાર્યકર્તા ભાઇઓ-બહેનો, મનોરથી પરિવાર વગેરેએ ખૂબ સેવા તન, મન, ધનથી સૌએ સહયોગ કયો છે એ માટે સાધુવાદ શ્રીમદ ભાગવદમાં યુધિષ્ઠિર દ્વારા સનાતન ધર્મ અંગે નારદને જિજ્ઞાસા પૂછાઇ છે. નારદે ભાગવદમાં સનાતન ધર્મના ત્રીસ લક્ષણો દર્શાવ્યાં છે. એ બધા વિશે સંવાદ કરવાનો અત્યારે અવકાશ નથી, કેટલાક લક્ષ્ણો જોઇએ. સત્ય, દયા, તપ, શૌર્ય, ધૈર્ય, તિતિક્ષા-સહનશીલતા, અહિંસા, બ્રહ્મચર્ય એટલે કે સંયમ, ત્યાગ, આર્જવ એટલે સહજતા, સરળતા, સંતોષ, સમદ્રષ્ટિ, સેવા, અન્નનો સમભાગ એટલે અન્ન કે ધનનો અતિશય સંગ્રહન કરવો, સમવિભાગ કરવું, શ્રવણ, કિર્તન, સ્મરણ વગેરે વગેરે…
સનાતન ધર્મના પંચશીલ છે (૧) ધર્મ ગતિશીલ હોવો જોઇએ (૨) ધર્મ ગર્વશીલ એટલે કે અભિમાન નહીં પણ ગર્વ અસ્મિતાના અર્થમાં (3) ધર્મ ગુરૂશીલ હોવો જોઇએ (૪) ધર્મ ગોપ્પશીલ કેટલાક રહસ્યો ગુપ્ત રહેવા જોઇએ અને (૫) ધર્મ ગુણશીલ હોવો જોઇએ. આપણી વૈદિક-ભારતીય સભ્યતા હોય છે અને ગેપ પણ છે એટલે કે ગેયતા ગાતી ગાન કરે છે. સત્ય એ સનાતન ધર્મ છે. સત્ય એ મહાદેવનું ત્રિપુડ છે, જેમાં ત્રણ રેખાઓ છે. ત્રિપુંડની પ્રથમ રેખા એ સત્યનો સ્વીકાર, બીજી રેખા સત્યનો વિચાર અને ત્રીજી રેખા સત્યનો આચાર છે. ધર્મમાં ખંડિત સત્ય ન ચાલે, સત્ય અખંડ બે અભંગ છે. ઘણા લોકો સત્યનો સ્વીકાર કરે છે પણ બીજાના સત્યનો સ્વીકાર નથી કરતા. કળિયુગમાં રામસ્મરણ એ સત્ય, રામને ગાવા એ પ્રેમ અને રામગુણનું શ્રવણ એ નિરંતર કરૂણા છે.
કથાના સમાપન અવસરે જૈનાચાર્ય લોકેશમુનિ ‘સનાતની’એ પૂ.બાપુનો હૃદયથી આભાર માન્યો હતો અને જુદા-જુદા દાતાઓ દ્વારા વિશ્વશાંતિ કેન્દ્રને ધનરાશિ અનુદાન મળી છે એની જાહેરાત કરી અને સર્વ દાતાઓનો ઋણ સ્વીકાર કર્યો હતો. પ્રિય બાપુની હવે પછીની રામકથા શ્રીકૃષ્ણની રાજધાની દ્વારિકા નગરીની ભૂમિ પર તા.૫-૨-૨૬ થી તા.૧3-૨-૨૬ દરમ્યાન યોજાશે.
કથામૃત
(૧) આપણી નજીકના જ લોકો આપણી પતંગ કાપે છે!
(૨) સત્ય પરમાત્મા છે, પરમાત્મા જ સત્ય છે : ગાંધીજી
(3) સુનો, ગુનો ઔર બાદ મેં વિવેક સે ચૂનો!
(૪) હું બાપુનો નાનો ટાપુ છું : લોકેશમુનિ ‘સનાતની’
(૫) મરવું સહેલું છે, જીવવું જ અઘરૂ છું અને જીવતા-જીવતા ઘણા ઝેર પીવા-પચાવવા પડે છે બાપ!
(૬) સનાતન ધર્મએ કયારેય ધર્મ પરિવર્તનની વાત નથી કરી
(૭) જીભ જીવંત ગુરૂએ આપી છે
(૮) સનાતન ધર્મ ‘ફોલોઅર્સ’ નથી બનાવતા ‘ફલાવર્સ’ બનાવે છે
(૯) રામચરિત માનસ એ સનાતન ધર્મનો અંતિમ ગ્રંથ છે


