અમદાવાદના સૌથી પોશ અને વ્યસ્ત ગણાતા સિંધુભવન રોડ પર આજે ધોળે દિવસે રોડ રેજની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ, સામાન્ય બાબતે બે વાહનચાલકો વચ્ચે બોલાચાલી થઈ હતી, જે જોતજોતામાં હિંસક મારામારીમાં ફેરવાઈ ગઈ હતી. બંને વાહનચાલકોએ જાહેર રોડ પર એકબીજા પર હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું, જેને જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં યુવકો એકબીજાને લાત-મૂક્કા મારતા સ્પષ્ટ જોઈ શકાય છે.
પોલીસે તપાસ હાથ ધરી
આ મારામારીને કારણે ભરચક ગણાતા સિંધુભવન રોડ પર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. રસ્તાની વચ્ચે જ ગાડીઓ ઊભી રાખીને મારામારી થતા વાહનચાલકો અટવાઈ પડ્યા હતા અને વાહનોની લાંબી કતારો લાગી હતી. આ ઘટનાને પગલે આસપાસના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સ્થાનિક પોલીસને જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરી હતી. હાલમાં વાયરલ વીડિયોના આધારે પોલીસે બંને પક્ષો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ શરૂ કરી છે.
આ પણ વાંચો : Ahmedabad News : AMC નો મોટો નિર્ણય, ફ્લાવર શોની ટિકિટના દરોમાં થયો ધરખમ વધારો, રૂ. 500 સુધીની મળશે ટિકિટ


