પ્રભુભક્તિ અને પ્રભુધ્યાનની ઘણી વિધિ છે. કોઈ તેને મંદિરમાં શોધે છે. કોઈ તીર્થસ્થળે. તેને મેળવવા ભક્તો જુદાજુદા માર્ગ અપનાવે છે, પણ મંજિલ તો બધાની એક જ હોય છે. જેમ મહાસાગરમાં અનેક નદીઓનો વિલય થાય છે. બધી જ નદીનો રસ્તો, ગતિ, આકાર, સ્વભાવ અલગઅલગ હોય છે. બસ, તેમનું લક્ષ્ય એક હોય છે, મહાસાગરમાં વિલીન થઈ જવાનું. તેવી જ રીતે આપણે ત્યાં પ્રભુભક્તિનાં પણ ઘણાંબધાં વિધિ-વિધાન છે. કેટલાક સિદ્ધ પુરુષોએ પથ્થર પર બેસીને પ્રભુનું ધ્યાન કર્યું તો કેટલાકે ગુફામાં બેસીને ધ્યાન કર્યું.
કેટલાકે મૌન લીધું તો કેટલાકે યોગનિદ્રામાં પ્રભુને અભિભૂત કર્યા. કોઈકે પદ્યોમાં પ્રાર્થનાગીત ગાયાં તો કેટલાકે ગદ્યમાં તેમના પ્રત્યે સમર્પણ દર્શાવ્યું.
આ બધી જ વિધિઓમાં એક સામાન્ય બાબત એ રહી કે બધાનાં મનમાં પ્રભુ પ્રત્યેનો પ્રેમ હતો તે વધતો ગયો. જે રીતે નદી પોતાના માર્ગમાં આવતા અવરોધને દૂર કરતી રહે છે. પ્રભુ પ્રત્યે તમારા મનમાં પ્રેમ, આત્મસમર્પણ હોય તો માર્ગ ભલે ગમે તે પસંદ કરો ભગવાનની ભવ્યતાનો અનુભવ ચોક્કસ થાય છે.
`સ તુ અસ્મિન્ પરમ પ્રેમ રૂપા’
એટલે કે એવી ભક્તિ જે પ્રભુ પ્રત્યેના અતિ પ્રેમને દર્શાવે છે. ઊઠતાં, બેસતાં, કામ કરતાં, સૂતાં દરેક સમયે પ્રભુનું સ્મરણ કરવું તે પ્રેમયોગનું ધ્યાન છે અને પ્રિય ભગવાનના સર્વમાન્ય નિર્ણયનો સુખથી સ્વીકાર કરવો એટલે તપ. આ માર્ગનો યાત્રી પ્રભુ તરફના કૃતજ્ઞતાના ભાવને દર્શાવવા ભજન ગાવા લાગે છે. `મેરે તો ગિરધર ગોપાલ, દૂસરો ન કોઈ’ ગાનાર મીરાં, નરસિંહ મહેતા, સંત તુકારામ, કબીર વગેરે જેવા સમર્થ ભક્તો આ જ માર્ગનાં રાહી હતાં.
પ્રેમ બિન જો ભક્તિ હૈ, સો નિત દમ્ભ વિચાર
ઉદર ભરત કે કારન, જન્મ ગંવાએ સાર
અર્થાત્ જો પ્રેમ વિના પ્રભુભક્તિ કરે છે, વિચાર કરો કે તે તો ફક્ત દેખાડો જ છે. જેવી રીતે પેટ ભરવા માટે કોઈ પોતાનું સારપૂર્ણ જીવન ખોઈ બેસે.


