- સિંગાપુરના દક્ષિણ તટ પર જહાજ અને બોટ વચ્ચે અકસ્માત સર્જાયો
- જહાજમાંથી હજારો ગેલન ઓઈલ લિક થઈને દરિયામાં ચારેબાજુ ફેલાઈ ગયું
- ઓઈલ દરિયામાં જતા લાખો જીવસૃષ્ટિના અસ્તિત્વને ખતરો
સિંગાપુરના દક્ષિણ તટ પર એક મોટા જહાજ અને બોટ વચ્ચે ટક્કર સર્જાઈ હતી. હોડી ઘણી મોટી હોવાથી આમાં રહેલું હજારો ગેલન ઓઈલ દરિયામાં ઠલવાઈ ગયું હતું. દરિયામાં ઓઈલ ફેલાઈ જતા દરિયાઈ જળચર જીવોને મોટું નુકસાન થવાની આશંકા છે. હવે ફેલાયેલા ઓઈલને સાફ કરવાનું ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે ઓઈલના ફેલાવાને કારણે લોકપ્રિય રિસોર્ટ આઇલેન્ડ સેન્ટોસા સહિત દક્ષિણી દરિયાકાંઠાનો કેટલોક ભાગ કાળો થઈ ગયો છે અને તે સમુદ્રી જીવન માટે પણ ખતરો ઉભો થઈ રહ્યો છે. એક મોટી ડચ ધ્વજવાળી બોટ શુક્રવારે સિંગાપોરના ઈંધણ સપ્લાય જહાજ ‘મરીન ઓનર’ને ટક્કર મારી હતી. જેના કારણે મરીન ઓનરની કાર્ગો ટેન્કને નુકસાન થયું હતું અને ઓઈલ દરિયામાં ઢોળાયું હતું. સિંગાપોરની મેરીટાઇમ એન્ડ પોર્ટ ઓથોરિટીએ શનિવારે મોડીરાત્રે એક નિવેદનમાં જણાવ્યું હતું કે જહાજમાંથી ઓઇલ લીક થવાનું બંધ કરી દેવામાં આવ્યું છે.
દરિયાઈ મોજા દ્વારા ઓઈલ ઘણી જગ્યાએ ફેલાય રહ્યું છે
ક્ષતિગ્રસ્ત ટેન્કરમાંથી છલકાયેલું ઓઈલ સાફ કરવામાં આવી રહ્યું છે. પરંતુ દરિયાઈ મોજા વધવાના કારણે સેન્ટોસા અને અન્ય દક્ષિણી ટાપુઓ સુધી તેલ ફેલાઈ ગયું છે. સેન્ટોસા દર વર્ષે લાખો પ્રવાસીઓ મેળવે છે અને તે સિંગાપોરના બે કેસિનોમાંથી એક, ગોલ્ફ કોર્સ અને દક્ષિણપૂર્વ એશિયાના એકમાત્ર યુનિવર્સલ સ્ટુડિયો થીમ પાર્કનું ઘર છે. રવિવારે, કામદારો સેન્ટોસાના ખાલી બીચની સફાઈમાં વ્યસ્ત હતા. સત્તાવાળાઓએ કાર્ય માટે 18 બોટ તૈનાત કરી છે અને ઓઈલના પ્રસારને રોકવા માટે લગભગ 1,500 મીટર લાંબી ‘કન્ટેનર બૂમ્સ’ સ્થાપિત કરી છે.


