- લી સીન લૂંગ 20 વર્ષ સુધી રહ્યા સિંગાપોરના પ્રધાનમંત્રી
- 2004ના રોજ સિંગાપોરના ત્રીજા પ્રધાનમંત્રી તરીકે શપથ
- 15મી મેના રોજ નાયબ પ્રધાનમંત્રી લેશે પ્રધાનમંત્રી પદના શપથ
સિંગાપોરના પ્રધાનમંત્રી લી સીન લૂંગે પોતાના પદ પરથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. તેમણે સોમવારે પોતાના રાજીનામાની જાહેરાત કરતાં કહ્યું છે કે તેઓ લગભગ 20 વર્ષ આર્થિક રીતે સમૃદ્ધ દેશની સરકારનું નેતૃત્વ કર્યા બાદ 15 મેના રોજ રાજીનામું આપશે. તેમનું સ્થાન નાયબ પ્રધાનમંત્રી લોરેન્સ વોંગ લેશે.
આ કારણે હવે લીધો નિર્ણય
પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવેલ નિવેદનમાં આ અદલાબદલીની તારીખની જાહેરાત કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે કોરોના મહામારી અને ઉત્તરાધિકારી પસંદ કરવામાં વિલંબને કારણે પ્રધાનમંત્રીએ છેક હવે આ નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે લી સીન લૂંગે 12 ઓગસ્ટ 2004ના રોજ સિંગાપોરના ત્રીજા પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા હતા.
આ દિવસે વોંગ લેશે શપથ
72 વર્ષીય લીએ ફેસબુક પોસ્ટમાં કહ્યું હતું કે નેતૃત્વ પરિવર્તન એ કોઈપણ દેશ માટે મહત્વપૂર્ણ ક્ષણ છે. તેમણે વધુમાં લખ્યું કે, ‘હું આ વર્ષે 15 મેના રોજ મારું પદ છોડી દઇશ. તે જ દિવસે નાયબ પ્રધાનમંત્રી લોરેન્સ વોંગ આગામી પ્રધાનમંત્રી તરીકે શપથ લેશે.
જનતાનો વિશ્વાસ મેળવવા કરી સખત મહેનત
તેમણે કહ્યું, “નેતૃત્વ પરિવર્તન એ કોઈપણ દેશ માટે મહત્વપૂર્ણ ક્ષણ છે. લોરેન્સ અને 4G ટીમ (4થી જનરેશન) એ લોકોનો વિશ્વાસ મેળવવા માટે સખત મહેનત કરી છે ખાસ કરીને કોરોના મહામારી દરમિયાન. નવી પેઢી માટે રાષ્ટ્રીય કાર્યસૂચિ વિકસાવવા માટે ઘણા સિંગાપોરવાસીઓ સાથે કામ કર્યું છે.
પીએમ લીએ કહ્યું, ‘4જી ટીમ સિંગાપોરને આગળ લઈ જવા માટે પ્રતિબદ્ધ છે. સરકાર માટે આ હંમેશા સર્વોચ્ચ પ્રાથમિકતા રહેશે. હું તમામ સિંગાપોરના લોકોને વિનંતી કરું છું કે તેઓ લોરેન્સ અને તેમની ટીમને તેમનો સંપૂર્ણ સહકાર અને સમર્થન આપે અને સિંગાપોરના ઉજ્જવળ ભવિષ્ય માટે તેમની સાથે કામ કરે.’


