બહેનના લગ્નની કંકોત્રી આપવા જતા 17 વર્ષીય ભાઈનું માર્ગ અકસ્માતે મોત
સરધાર રોડ પર શ્વાન આડું આવતાં બાઈક સ્લીપ થયું ; માથામાં ગંભીર ઈજા પામેલા કિશોરે સારવારમાં દમ તોડ્યો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ નજીક લગ્ન પ્રસંગની ખુશી વચ્ચે એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં બહેનના લગ્ન માટે કંકોત્રી આપવા જતા 17 વર્ષીય કિશોરનું અકસ્માતે મોત નીપજ્યું છે. આ બનાવને પગલે પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
મળતી માહિતી મુજબ, રૈયાધાર વિસ્તારમાં રહેતા સાવનભાઈ અશોકભાઈ આમેણીયા (ઉંમર 17) પોતાના કાકાના દીકરા નમન અજયભાઈ આમેણીયા (ઉંમર 18) સાથે બાઈક પર કંકોત્રી આપવા માટે સરધાર તરફ જઈ રહ્યા હતા. સાવન પોતાની બહેન પાયલના લગ્ન પ્રસંગે સગા-સંબંધીઓને આમંત્રણ આપવા નીકળ્યો હતો.
આ દરમિયાન લાખાપર અને સમઢીયાળા ગામ વચ્ચેના માર્ગ પર સ્પીડ બ્રેકર નજીક અચાનક એક શ્વાન બાઈકની સામે આવી ગયું હતું. શ્વાનને બચાવવાના પ્રયાસમાં બાઈક ચલાવતા નમનનો કાબૂ છૂટી ગયો અને બાઈક સ્લીપ થઈ ગઈ. અકસ્માતમાં બંને યુવકો રસ્તા પર પટકાઈ ગયા અને ઈજાગ્રસ્ત બન્યા હતા. ઘટના બાદ સ્થાનિકોની મદદથી 108 એમ્બ્યુલન્સ મારફતે બંનેને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. નમનને સામાન્ય ઈજા હોવાથી પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી હતી, જ્યારે સાવનની હાલત ગંભીર હોવાથી તેને માથામાં ઈજા માટે સર્જરી કરાઈ હતી. જોકે સારવાર દરમિયાન સાવનની તબિયત સુધરવાના બદલે વધુ બગડતી ગઈ અને અંતે તેણે દમ તોડ્યો હતો. સાવન પોતાના પરિવારમાં બે ભાઈ અને એક બહેનમાં સૌથી નાનો હોવાનું જાણવા મળે છે. લગ્ન જેવી ખુશીની તૈયારી વચ્ચે આ અચાનક દુર્ઘટનાએ આખા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આશાસ્પદ પુત્રના મોતથી પરિવારજનો પર આફત તૂટી પડી છે.


