- જ્ઞાનવાપીને મસ્જિદ ગણાવનારને મુસ્લિમ સ્કોલરની સલાહ
- ASIના રિપોર્ટને ફગાવનારા લોકો ટુકડે-ટુકડે ગેંગના સભ્યો છે : કારી અબરાર જમાલ
- કોર્ટના આદેશ પર એએસઆઇ દ્વારા મસ્જિદમાં સર્વે કરાયો હતો
વારાણસીના કાશી વિશ્વનાથ મંદિર પરિસર પાસે જ્ઞાનવાપી મસ્જિદ મુદ્દે હાલ વિવાદ ચાલી રહ્યો છે. તાજેતરમાં જ જ્ઞાનવાપી મસ્જિદમાં એએસઆઇ દ્વારા કરાયેલા સર્વેક્ષણનો રિપોર્ટ સામે આવ્યા બાદ વિવાદ વધુ વકર્યો છે. સર્વેના રિપોર્ટમાં દાવો કરાયો હતો કે મસ્જિદનું નિર્માણ મંદિરની ઉપર કરાયું છે જ્યારે મસ્જિદના ભોંયરામાંથી કન્નડ, તેલુગુ અને દેવનાગરી લિપિઓમાં લખાયેલા ઘણાં શિલાલેખો મળ્યા છે જે અહીં મંદિર હોવાની વાતને અનુમોદન આપે છે. આ મામલે વિશ્વ હિન્દુ પરિષદ પહેલા જ કહી ચૂક્યું છે કે મુસ્લિમ સમુદાયે જ્ઞાનવાપી હિન્દુઓને સોંપી દેવી જોઇએ અને હવે આ જ વાત મુસ્લિમ વિદ્યાનએ પણ કહી છે. જમિયત હિમાયતુલ ઇસ્લામ, સહારનપુર, ઉત્તરપ્રદેશના પ્રમુખ અને અગ્રણી મુસ્લિમ વિદ્યાન કારી અબરાર જમાલે મુસ્લિમોને એક સલાહ આપી છે. તેમણે જણાવ્યું હતું કે મુસ્લિમ સમુદાયે હિન્દુઓ સાથે બેસીને સમજૂતી કરી લેવી જોઇએ. સાથે જ કારી અબરાર જમાલે એએસઆઇના રિપોર્ટને ખોટો ગણાવનારા લોકોને પણ ફટકાર લગાવી હતી. કારીએ કહ્યું હતું કે જે લોકો જ્ઞાનવાપી મસ્જિદ મુદ્દે એએસઆઇના રિપોર્ટને ફગાવી ચૂક્યા છે, તેઓ ટુકડે-ટુકડે ગેંગના છે. સર્વે કોર્ટના ઓર્ડર પર કરાયો હતો. શું હવે આ લોકોને કોર્ટ પર પણ વિશ્વાસ નથી રહ્યો? શું હવે આ લોકો કોર્ટ અને દેશને વહેંચી દેવા માગે છે. સંઘના પ્રમુખ પહેલા જ કહી ચૂક્યા છે કે હિન્દુઓએ તમામ મસ્જિદોમાં શિવલિંગની શોધ કરવાની જરૂર નથી. હવે મુસ્લિમોએ પણ મોટું મન દેખાડવું જોઇએ અને સહમતી સાધવા માટે હિન્દુઓ સાથે બેસીને વાત કરવી જોઇએ.
પ્રાણપ્રતિષ્ઠા માટે પણ આમંત્રણ મળ્યું હતું
મુસ્લિમ વિદ્યાનને અયોધ્યામાં રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠામાં પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, હું રામમંદિર ટ્રસ્ટના લોકોનો આભાર માનું છું. તેમણે મને આને લાયક સમજીને આમંત્રણ આપ્યું હતું. તેમણે અમને ત્યાં બોલાવ્યા હતા અને અમારું સન્માન કર્યુ હતું. આ સન્માન અમારા માટે ઐતિહાસિક છે. ઉલ્લેખનીય છે કે જ્ઞાનવાપી મુદ્દે હિન્દુ અને મુસ્લિમ બંને પક્ષોએ કોર્ટમાં કેસ કર્યો છે. કોર્ટના આદેશ પર એએસઆઇ દ્વારા મસ્જિદમાં સર્વે કરાયો હતો. સર્વેનો રિપોર્ટ બંને પક્ષોને સોંપવામાં આવ્યો છે. રિપોર્ટમાં આ વાતનો સંકેત મળે છે કે મસ્જિદને મંદિર ઉપર બનાવાઇ હતી.


