- સાથે બેઠેલા હત્યારાઓએ અચાનક કર્યું 12 રાઉન્ડ ફાયરિંગ
- પહેલી ગોળી વાગી છાતીમાં અને ઢળી પડ્યા ગોગામેડી
- સુરક્ષા ગાર્ડના ક્રોસ ફાયરિંગમાં એક હુમલાખોર ઠાર મરાયો
રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. હવે આ હત્યાકાંડને લઈને CCTV ફૂટેજ સામે આવ્યા છે. CCTVમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે હુમલાખોરો પહેલા શાંતિથી આરામથી બેઠા છે અને ગોગામેડી સાથે વાતો કરી રહ્યા છે. બાદમાં અચાનક તેઓ ઊભા થઈને ફાયરિંગ શરૂ કરી દે છે.
સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા જયપુરના શ્યામનગર જનપથ ખાતે તેમના ઘરે જ કરી દેવામાં આવી. હાલ તો આ હત્યાકાંડની જવાબદારી રાજસ્થાનના રોહિત ગોદારા ગેંગે લીધી છે.
મળતી માહિતી મુજબ, કુલ ત્રણ હુમલાખોરો સ્કૂટી પર બેસીને આવ્યા હતા. તેમણે આવીને કહ્યું હતું કે તેઓ ગોગામેડીને મળવા માંગે છે. ત્યારબાદ તેઓ રૂમમાં ગયા અને ત્યાં બેસીને લગભગ 10 મિનિટ સુધી ગોગામેડી સાથે વાત કરી. બાદમાં અચાનક તેમણે ફાયરિંગ શરૂ કરી દીધું. ફાયરિંગ બાદ ગોગામેડીના ગાર્ડે પણ સામે ફાયરિંગ કર્યું હતું. આ ક્રોસ ફાયરિંગમાં એક હુમલાખોરનું પણ મોત થયું છે. તેનું નામ નવીન શેખાવત જણાવવામાં આવ્યું છે.
હત્યાકાંડના હચમચાવી નાખતા CCTV
આ હત્યાકાંડને લઈને બે વિડીયો સામે આવ્યા છે. પહેલા સીસીટીવી ફૂટેજમાં જોવા મળે છે કે સુખદેવ સિંહ ગોગામેડી તેમના ઘરે સોફા પર બેઠા છે. તેની સામે ત્રણ લોકો બેઠા હતા. ત્યાં એક વ્યક્તિ ઉભો હતો. વાતચીત દરમિયાન અચાનક સામે બેઠેલા બંને લોકોએ પોતાની પિસ્તોલ કાઢી અને ફાયરિંગ કર્યું.
હત્યાકાંડનો બીજા વિડીયો પણ સામે આવ્યો છે જે ગોગામેડીના ઘરની બહાર લગાવેલા CCTV કેમેરાનો છે. આ CCTVમાં જોઈ શકાય છે કે અંદર થયેલ ગોળીબાર બાદ બહાર ઉભેલા ગાર્ડ્સ સતર્ક થઈ જાય છે. પરંતુ ફાયરિંગથી બચવા માટે તેઓ સાઇડમાં થઈ જાય છે. આ દરમિયાન હુમલાખોર ભાગવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન એક હુમલાખોરને ગાર્ડની ગોળી વાગે છે અને તે ત્યાંજ ઢળી પડે છે. જ્યારે બાકીના બે હુમલાખોર ભાગી જાય છે.
ફાયરિંગ કરનાર બંને શખ્સો ગોગામેડીની સાથે ત્યાં હાજર અન્ય બે લોકો પર પણ ગોળી ચલાવે છે. પરંતુ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે તેમનો મુખ્ય ટાર્ગેટ ગોગામેડી હતા. કુલ 12 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું તેમાં મોટાભાગના રાઉનગ ગોગામેડી ઉપર જ કરવામાં આવ્યા હતા.
રોહિત ગોદરા ગેંગે લીધી જવાબદારી
રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાની જવાબદારી રોહિત ગોદારા ગેંગે લીધી છે. આ ગેંગ લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલી છે. રોહિત ગોદારાએ દુબઈ મુદ્દે થોડા મહિના પહેલા ગોગામેડીને ધમકી પણ આપી હતી. રોહિત ગોદારા એક કુખ્યાત ગેંગસ્ટર છે જે હાલમાં ભારતમાંથી ફરાર છે. NIA તેની તપાસ કરી રહી છે.
રોહિતે સોશિયલ મીડિયામાં એક પોસ્ટમાં લખ્યું છે કે, ‘તમામ ભાઈઓને રામ રામ, હું રોહિત ગોદારા કપૂરસરી, ગોલ્ડી બ્રાર ભાઈઓ, અમે આજે સુખદેવ ગોગામેદીની હત્યાની સંપૂર્ણ જવાબદારી લઈએ છીએ, અમે જ આ હત્યા કરાવી છે. હું કહેવા માંગુ છું કે સુખદેવ આપણા દુશ્મનો સાથે મળેલા હતા અને તેમને સહકાર આપતા હતા, તેઓ તેમને સંપૂર્ણ રીતે મજબૂત કરતા હતા અને જ્યાં સુધી વાત છે આપણાં દુશ્મનોની તો તેઓ પોતાના ઘરના આંગણે પોતાની અર્થી તૈયાર રાખે.


