અમેરિકાના લોસ એન્જેલિસમાં સ્થિતિ વણસી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો સતત વધતા જાય છે. જેને કાબૂમાં લેવામાં માટે એક્ટિવ ડ્યૂટીમાં મરીનની ટીમને ગોઠવવામાં આવી છે, આ સમયે લોસ એન્જેલિસનો એક વિડીયો સોશિયલ મિડીયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઘણા લોકો એપલના સ્ટોરમાં લૂંટ કરતા જોવા મળે છે.
મળતી માહિતી પ્રમાણે સોમવારે રાત્રે કેટલાક અજાણ્યા લોકોએ એપલના સ્ટોરમાં લૂંટ કરી હતી. સોશિયલ મિડીયા પર એક વીડિયો વાયરલ થયો છે. જેમાં કેટલાક માસ્ક પહેરીને એપલ સ્ટોરમાં ઘૂસીને ગેજેટ્સ ચોરતા નજરે પડી રહ્યા છે. પોલીસ આવતાની સાથે લોકો સ્ટોરમાંથી ભાગતા દેખાય છે.
ફોટોમાં હુડી અને નકાબ પહેરીને આ દંગાખોરો સ્ટોરમાં તોડફોડ કરતા દેખાય છે. તે બિલ્ડીંગમાં ઘણા લોકોને જોઈ શકાય છે, જેમાંથી એક વ્યક્તિ બિલ્ડીંગની બારી તોડીને ત્યાંથી ભાગતો હોય એવું નજરે ચડે છે.
શા માટે થઈ રહ્યું છે પ્રદર્શન?
લોસ એન્જિલસમાં ગયા અઠવાડિયાથી વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. વિરોધીઓ ICE અધિકારીઓને રોકવાની કોશિશ કરી રહ્યા છે. ટ્રમ્પ પ્રશાસને આ વિરોધ પ્રદર્શનને રોકવા માટે શહેરમાં કરફ્યૂ લગાવ્યો છે અને નેશનલ ગાર્ડ મરીનને નિયુક્ત કરી છે, જેનો રાજ્યના ગવર્નરે વિરોધ કર્યો છે.