- તેલુગુ દેશમ્ પાર્ટીના અનુસૂચિત જાતિ સેલે વિરોધ પ્રદર્શન કર્યું અને રસ્તા જામ કરી દીધા હતા
- પોલીસે આ મામલે બિનજામીનપાત્ર કેસ દાખલ કરીને છ આરોપીઓની ધરપકડ કરી
- પોલીસે કહ્યું કે આરોપીઓને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં રજૂ કરવામાં આવશે
આંધ્રપ્રદેશના એનટીઆર જિલ્લામાં છ લોકોએ કથિત રીતે એક દલિત યુવક શ્યામકુમારને માર માર્યો હતો અને તેના પર પેશાબ કર્યો હતો. પોલીસે આ મામલે બિનજામીનપાત્ર કેસ દાખલ કરીને છ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે કહ્યું કે આરોપીઓને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને રિમાન્ડ પર લેવાશે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે પ્રાપ્ત માહિતી અનુસાર, દલિત યુવકને છ આરોપીઓએ ચાર કલાક સુધી ગોંધી રાખ્યો હતો અને તેને ફટકાર્યો હતો. દલિત યુવકે જ્યારે પાણી માગ્યું ત્યારે આરોપીઓએ તેના પર પેશાબ કર્યો હતો. ઘટના સામે આવ્યા બાદ તેલુગુ દેશમ્ પાર્ટી (ટીડીપી)ના અનુસૂચિત જાતિ સેલે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને રસ્તા જામ કરી દીધા હતા.
વિરોધપ્રદર્શનનું આયોજન ટીડીપી એસસી સેલના અધ્યક્ષ એમએમએસ રાજુએ કર્યું હતું, તેમણે કાંચિકાચર્લા પાસે ધોરીમાર્ગને અવરોધ્યો હતો અને રસ્તાની બંને બાજુ ધરણા કર્યા હતા. આ પ્રદર્શન દરમિયાન દેખાવકારોએ વી વોન્ટ જસ્ટિસનાં સૂત્રો પોકાર્યાં હતાં. વિરોધપ્રદર્શનનો વીડિયો વાઇરલ થયો હતો, જેમાં પોલીસ અધિકારીઓ ટોળાંને રસ્તા પરથી હટાવવા માટે મુખ્ય આંદોલનકારીઓને હાથ-પગ પકડીને લઈ જતા દેખાતા હતા.
રાજ્યમાં દલિતો પર હુમલા વધ્યાનો આરોપ
ટીડીપી એસસી સેલના અધ્યક્ષે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, સીએમ વાયએસ જગન મોહન રેડ્ડીના શાસનમાં દલિતો પરના હુમલા વધી રહ્યા છે. રાજ્યમાં દલિતો પર હુમલા થાય છે. શ્યામકુમાર નામના યુવક પર સત્તારૂઢ પાર્ટીએ હુમલો કર્યો હતો. પાર્ટીના અનુયાયીઓને પોલીસ સ્ટેશનમાં જામીન અપાવી દેવાયા અને તેઓ દલિત યુવક પર હુમલો કર્યા છતાં બહાર ફરી રહ્યા છે. એમએમએસ રાજુએ કહ્યું કે ડોક્ટરોએ સલાહ આપી છે કે શ્યામના જડબાનું ઓપરેશન કરવું જોઈએ અને તે માટે ત્રણ દિવસનો સમય જોઈએ. તેમણે આ હુમલાની નિંદા કરતાં કહ્યું કે આ ઘટનામાં જે લોકો સામેલ હતા તેમની ધરપકડ કરવી જોઈએ.