Clear Skin Naturally : ચોમાસાની સિઝનમાં ત્વચાની સંભાળ વધુ મુશ્કેલ બને છે. આ સિઝનમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા ચહેરા પર ચીકાશ જામે છે. જેના કારણે ચહેરા પર નાની ફોલ્લી અને ખીલ થવા લાગે છે. ખાસ કરીને તૈલી ત્વચા ધરાવતા લોકો માટે આ સિઝનમાં ચહેરાની સુંદરતા જાળવી રાખવી એક મોટો પડકાર બની રહે છે. સંવેદનશીલ ત્વચા ધરાવતા લોકો આ ખાસ સ્ક્રબનો ઉપયોગ કરી પાર્લર જેવી ચમક ચહેરા પર લાવી શકશે.
ત્વચાની સંભાળ બનશે સરળ
વરસાદની સિઝનમાં શારીરિક સ્વસ્થતા જેટલી જરૂરી છે તેટલી જ બાહ સ્વચ્છતા પણ જરૂરી છે. આરોગ્ય સારું રાખવા પૌષ્ટિક આહાર તેમજ અનેક ઘરેલુ ઉપચાર કરીએ છીએ. આજકાલ બ્યુટિ પાર્લરમાં જઈ બ્યુટી ટ્રીટમેન્ટ કરવાનો લોકોમાં ક્રેઝ છે. પરંતુ આ ટ્રીટમેન્ટ તેમને બહુ કોસ્ટલી પડે છે. જેના કારણે ક્યારેક જરૂરિયાતની વસ્તુમાં કાપ મૂકવાનો વારો આવે છે. પરંતુ ઘરના રસોડામાં જ તમારી ત્વચાની સુંદરતા વધારવાનો ખજાનો છુપાયેલો છે. આ ઘરેલુ ઉપચારથી ત્વચાની સંભાળ સરળ બનશે.
આ ઘરેલુ સ્ક્રબના ફાયદા
રસોડામાં રહેતો ચોખાનો લોટ ચકરી, ઇડલી જેવી અનેક પ્રકારની વાનગીઓ બનાવવામાં ઉપયોગમાં લેવાય છે. આ જ ચોખાના લોટમાંથી સ્ક્રબ બનાવી શકો છો જે નિસ્તેજ ચહેરામાં ચમક લાવશે. આ સ્ક્રબ ચહેરા પરથી મૃત ત્વચાને દૂર કરે છે, છિદ્રોને સાફ કરે છે અને ત્વચાને કુદરતી ચમક આપે છે. આ સ્ક્રબ્સ બનાવવું બહુ સરળ છે તમે ઓછી સામગ્રીમાં ઘરે સરળતાથી બનાવી શકશો.
આ રીતે બનાવવો સ્ક્રબ
એક બાઉલમાં એક ચમચી ચોખાનો લોટ લેવો પછી તેમાં એક ચમચી એલોવેરા જેલ ઉમેરી સારી રીતે મિક્સ કરી તેની સ્મૂધ પેસ્ટ બનાવો. હવે ચહેરા પર આ પેસ્ટ લગાવતા પહેલા તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો. ત્યારબાદ આ પેસ્ટને આંગળીઓની મદદથી ત્વચા પર લગાવો. 2-3 મિનિટ સુધી હળવા હાથે સ્ક્રબની માલિશ કરો. પછી તેને 5 મિનિટ માટે રહેવા દો. થોડો સમય રાખ્યા બાદ આ સ્ક્રબને સાદા પાણીથી ધોઈ લો. કોઈ ફંકશનમાં જવું હોય તો તમે તાત્કાલિક ચમક લાવવા માટે આ સ્ક્રબમાં મધનો ઉપયોગ પણ કરી શકો છો.
Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી. કોઈપણ ઉપચાર કરતા પહેલા નિષ્ણાંતની મદદ લેવી જરૂરી છે.