- વર્લ્ડકપ 2023ની બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે મેચ
- ક્રિકેટમાં ઇતિહાસમાં પ્રથમ વખત ખેલાડીને ટાઈમ આઉટ આપ્યો
- આ મેચમાં એન્જેલો મેથ્યુઝને ટાઈમ આઉટ આપવામાં આવ્યો
વર્લ્ડકપ 2023ની 38મી મેચ બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં શ્રીલંકા પહેલા બેટિંગ કરી રહ્યું છે અને આ દરમિયાન કંઈક એવું થયું જેણે ક્રિકેટ જગતમાં ખળભળાટ મચાવી દીધો. વાસ્તવમાં, એન્જેલો મેથ્યુઝને એવી રીતે આઉટ કરવામાં આવ્યો હતો જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ક્યારેય બન્યું ન હતું. એન્જેલો મેથ્યુસને ટાઈમ આઉટ આપવામાં આવ્યો અને શ્રીલંકાએ તેની પાંચમી વિકેટ ગુમાવી હતી.
મેથ્યુસ ખોટા હેલ્મેટ સાથે આવ્યો હતો
આ ઘટના ત્યારે શરૂ થઈ જ્યારે સાદિરા સમરવિક્રમા 25મી ઓવરના બીજા બોલ પર આઉટ થઈ ગયો હતો. આ પછી બોલિંગ કરી રહેલા શાકિબ અલ હસને મેદાન પર આવેલા બેટ્સમેન એન્જેલો મેથ્યુસ સામે ટાઈમ આઉટની અપીલ કરી હતી. વાસ્તવમાં, મેથ્યુસ શરૂઆતમાં ખોટું હેલ્મેટ લઇને આવ્યો હતો, ત્યારબાદ તેણે હેલ્મેટ બદલવાનું કહ્યું હતું. આ અંગે સાકિબે અપીલ કરી હતી. ફિલ્ડ અમ્પાયર મેરાઈસ ઈરાસ્મસ આના પર શાકિબને વારંવાર પૂછતા હતા, શું તમે ખરેખર અપીલ કરી રહ્યા છો? બાંગ્લાદેશના કેપ્ટને કહ્યું, હા અમે અપીલ કરી રહ્યા છીએ. આ પછી, ઇરાસ્મસે મેથ્યુઝને આઉટ આપ્યો હતો.
શું હતો સમગ્ર મામલો?
જ્યારે એન્જેલો મેથ્યુસ ક્રિઝ પર આવ્યો ત્યારે તેના હાથમાં જે હેલ્મેટ હતું તે બરાબર ન હતું. આ પછી અવેજી ખેલાડી અન્ય હેલ્મેટ સાથે આવ્યો. અમ્પાયરો આનાથી ખુશ ન દેખાતા, તેઓએ શ્રીલંકાના બેટ્સમેન સાથે વાત કરી. ત્યારપછી બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને ટાઈમ આઉટની અપીલ કરી હતી. અમ્પાયરે શાકિબને પૂછ્યું કે શું તે રમતની ભાવનાથી અપીલ પાછી ખેંચવા માંગે છે. શાકિબે આ વાતનો ઇનકાર કર્યો હતો. અમ્પાયર રિચાર્ડ ઇલિંગવર્થ અને મેરેસ ઇરાસ્મસે તેને આઉટ આપ્યો. ત્યારપછી મેથ્યુઝે અમ્પાયરને સમજાવ્યું પરંતુ તે માન્યા નહીં અને તેને આઉટ આપ્યો.
ટાઇમ આઉટ નિયમ શું છે?
બેટિંગ કરનારી ટીમની વિકેટ પડે છે અથવા બેટર રિટાર્યડ હર્ટ થાય છે. ત્યારે ઇનકમિંગ બૅટરને 3 મિનિટમાં ગ્રાઉન્ડમાં આવીને આગળનો બોલ રમવા માટે તૈયાર રહેવું પડે છે. જો બેટર ટાઇમ પર ગ્રાઉન્ડમાં આવીને બોલ રમવા તૈયાર થતો નથી તો તેને આઉટ આપવામાં આવે છે. જોકે, બોલરને વિકેટનો શ્રેય મળતો નથી. પરંતુ, ICC વર્લ્ડ કપ 2023 પ્લેઇંગ કન્ડીશન અનુસાર, બેટર માટે સમય મર્યાદા માત્ર બે મિનિટ છે.