- સ્લોવાકિયાના વડાપ્રધાન રોબર્ટ ફિકો પર જીવલેણ હુમલો
- હાલમાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે
- વડાપ્રધાન પર હુમલો કરનાર વ્યક્તિ 71 વર્ષનો છે
સ્લોવાકિયાના વડાપ્રધાન રોબર્ટ ફિકો પર જીવલેણ હુમલો થયો છે, આ હુમલો તે સમયે થયો જ્યારે તેઓ કેબિનેટની બેઠક બાદ લોકોને સંબોધિત કરી રહ્યા હતા. હુમલાખોરે તેને મારવા માટે અનેક રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. હાલમાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્લોવાકિયાના વડાપ્રધાનને એ રીતે ગોળી મારવામાં આવી છે જેવી રીતે જાપાનના પૂર્વ પીએમ શિંજો આબેને ગોળી મારી હતી, જોકે રોબર્ટ ફિકોની હાલત વિશે હજુ કોઈ સતાવાર માહિતી આપવામાં આવી નથી. રિપોર્ટ અનુસાર તેમની હાલત ગંભીર છે.
પીએમને બે ગોળી વાગી હતી
સ્લોવાકિયાના પીએમને બે ગોળી વાગી છે, એવું કહેવામાં આવી રહ્યું છે કે પીએમ પર હુમલો કરનાર વ્યક્તિ 71 વર્ષનો છે, સુરક્ષા દળોએ તેની ધરપકડ કરી લીધી છે. આ હુમલો શા માટે કરવામાં આવ્યો તે અત્યારે સ્પષ્ટ નથી. હુમલા બાદ તરત જ સુરક્ષા દળોએ પીએમને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં તેમની હાલત નાજુક છે. બીજી તરફ સુરક્ષાદળો આરોપીઓની પૂછપરછમાં વ્યસ્ત છે.
ગયા વર્ષે ચોથી વખત પીએમ બન્યા
સ્લોવાકિયાના પીએમ રોબર્ટ ફિકો ગયા વર્ષે ઓક્ટોબરમાં ચોથી વખત દેશના પીએમ તરીકે ચૂંટાયા હતા. તેઓ 22.94 ટકા મતો સાથે જીત્યા હતા. સ્લોવાકિયાના હિતોને પ્રાધાન્ય આપવા અને યુક્રેનને સૈન્ય સહાય ઘટાડવાના વચન સાથે રોબર્ટે ચોથી વખત પીએમ તરીકેનો કાર્યભાર સંભાળ્યો. રોબર્ટ પુતિનની નજીક માનવામાં આવે છે.
શું સ્લોવાકિયા યુક્રેનનો પડોશી દેશ છે?
સ્લોવાકિયા એ પૂર્વ યુરોપનો એક દેશ છે, તે ચારે બાજુથી જમીનથી ઘેરાયેલો છે. તેનો અર્થ એ છે કે તે એક એવો દેશ છે જેની સરહદો સમુદ્રને મળતી નથી. આ દેશનો વિસ્તાર અંદાજે 50 હજાર ચોરસ કિલોમીટર છે. તે પૂર્વમાં યુક્રેન, પશ્ચિમમાં ચેક રિપબ્લિક, ઉત્તરમાં પોલેન્ડ અને દક્ષિણમાં હંગેરીથી ઘેરાયેલું છે.


