મુંબઈ : ઈઝરાયેલ-હમાસ યુદ્વની સ્ફોટક જીઓપોલિટીકલ પરિસ્થિતિ વચ્ચે અમેરિકી ૧૦ વર્ષીય બોન્ડ યીલ્ડ વર્ષ ૨૦૦૭ બાદ પ્રથમ વખત પાંચ ટકાની સપાટી પાર કરતાં અને ચાઈના, અમેરિકા વચ્ચે આર્થિક યુદ્વમાં ચાઈનીઝ કંપનીઓ સામે અમેરિકાના પ્રતિબંધાત્મક પગલાં બાદ અમેરિકી કંપનીઓ વિરૂધ્ધ ચાઈનાના પગલાંને લઈ વૈશ્વિક સેન્ટીમેન્ટ સતત ડહોળાયેલું રહ્યું હતું. જેમાં હવે ક્રુડ ઓઈલના વધતાં ભાવ અને રશીયાની ભારતને ક્રુડ ઓઈલ સપ્લાય રૂપિયાના બદલે યુઆનમાં ચૂકવણીની શરતના અહેવાલ વચ્ચે ભારતની હાલત કફોડી બનવાના એંધાણે ફંડોએ શેરોમાં મોટાપાયે હેમરીંગ કર્યું હતું. કેપિટલ ગુડઝ, આઈટી, બેંકિંગ-ફાઈનાન્સ, કન્ઝયુમર ડયુરેબલ્સ, ઓટોમોબાઈલ, મેટલ-માઈનીંગ, ઓઈલ-ગેસ શેરોમાં સાર્વત્રિક કડાકો બોલાઈ ગયો હતો. સ્મોલ, મિડ કેપ, રોકડાના અનેક શેરોમાં ઓનલી સેલરની નીચલી સર્કિટના પાટીયા ઝુલવા લાગી ધબડકો બોલાઈ ગયો હતો. સેન્સેક્સ ૮૨૫.૭૪ પોઈન્ટ તૂટીને ૬૪૫૭૧.૮૮ અને નિફટી સ્પોટ ૨૬૦.૯૦ પોઈન્ટ તૂટીને ૧૯૨૮૧.૭૫ બંધ રહ્યા હતા. મંગળવારે ૨૪, ઓકટોબરના રોજ દશેરા નિમિતે શેર બજારો બંધ રહેશે.
કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૦૯૪ તૂટયો : પ્રાજ રૂ.૩૭, ભેલ રૂ.૮, થર્મેક્સ રૂ.૧૭૭, ગ્રાઈન્ડવેલ રૂ.૯૬ તૂટયા
કેપિટલ ગુડઝ શેરોમાં ફંડોએ મોટાપાયે ઓવરબોટ પોઝિશન હળવી કરતાં પેનિક સેલિંગમાં બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૦૯૩.૮૧ પોઈન્ટ તૂટીને ૪૬૧૧૯.૩૦ બંધ રહ્યો હતો. પ્રાજ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૩૬.૭૫ તૂટીને રૂ.૫૩૫.૨૫, ભેલ રૂ.૭.૮૦ તૂટીને રૂ.૧૧૭.૪૦, સોના બીએલડબલ્યુ રૂ.૩૧.૩૫ તૂટીને રૂ.૫૦૯.૧૫, થર્મેક્સ રૂ.૧૭૭.૪૦ તૂટીને રૂ.૨૯૪૭.૪૦, ગ્રાઈન્ડવેલ નોર્ટન રૂ.૯૫.૯૫ તૂટીને રૂ.૨૦૭૦, વી-ગાર્ડ રૂ.૧૧.૬૦ તૂટીને રૂ.૨૯૬.૬૦, એલજી ઈક્વિપમેન્ટ રૂ.૨૪.૪૫ તૂટીને રૂ.૪૭૫.૫૦, એસકેએફ ઈન્ડિયા રૂ.૧૮૮.૨૦ તૂટીને રૂ.૫૦૨૪.૭૦, કાર્બોરેન્ડમ યુનિવર્સલ રૂ.૪૦.૪૦ તૂટીને રૂ.૧૦૯૧.૩૫, હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૬૭.૩૦ ઘટીને રૂ.૧૮૪૪.૪૫ રહ્યા હતા.
આઈટી ઈન્ડેક્સ ૬૮૫ તૂટયો : ટીસીએસ રૂ.૬૧, ઓનવર્ડ રૂ.૫૮, સાસ્કેન રૂ.૧૦૮, રામકો રૂ.૨૧ તૂટયા
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફંડોએ આજે મોટાપાયે હેમરીંગ કરતાં બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૬૮૫.૦૨ પોઈન્ટ તૂટીને ૩૧૨૫૫.૦૪ બંધ રહ્યો હતો. ઓનવર્ડ ટેકનોલોજી રૂ.૫૭.૯૦ તૂટીને રૂ.૫૧૫.૮૫, સાસ્કેન ટેકનોલોજી રૂ.૧૦૮ તૂટીને રૂ.૧૧૬૦, રામકો સિસ્ટમ રૂ.૨૧.૪૦ તૂટીને રૂ.૨૭૦.૧૦, સુબેક્ષ રૂ.૨.૨૬ ઘટીને રૂ.૨૯.૯૫, નેલ્કો રૂ.૫૧.૮૦ તૂટીને રૂ.૭૦૮.૯૦, ડિ-લિન્ક ઈન્ડિયા રૂ.૨૦.૨૫ ઘટીને રૂ.૩૦૪.૯૫, ટીસીએસ રૂ.૬૧.૨૫ તૂટીને રૂ.૩૪૩૩ રહ્યા હતા.
મેટલ ઈન્ડેક્સ ૬૯૨ પોઈન્ટ તૂટયો : એનએમડીસી, નાલ્કો, એપીએલ, સેઈલ, જિન્દાલ સ્ટીલમાં ધોવાણ
ચાઈનામાં આર્થિક અનિશ્ચિતતાની પરિસ્થિતિ વચ્ચે ફંડોની આજે મેટલ-માઈનીંગ શેરોમાં મોટાપાયે વેચવાલી થઈ હતી. નાલ્કો રૂ.૩.૬૭ તૂટીને રૂ.૯૦.૯૪, એપીએલ અપોલો રૂ.૬૨.૩૦ તૂટીને રૂ.૧૬૪૮.૪૦, એનએમડીસી રૂ.૫.૧૫ ઘટીને રૂ.૧૫૨.૯૦, સેઈલ રૂ.૨.૭૯ ઘટીને રૂ.૮૪.૧૦, જિન્દાલ સ્ટીલ રૂ.૧૭.૮૦ ઘટીને રૂ.૬૪૪.૭૫, વેદાન્તા રૂ.૫.૯૫ ઘટીને રૂ.૨૧૬.૭૫, ટાટા સ્ટીલ રૂ.૨.૨૫ ઘટીને રૂ.૧૨૦.૮૫, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૧૨.૮૫ ઘટીને રૂ.૭૫૭.૧૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૬૯૧.૬૧ પોઈન્ટ તૂટીને ૨૨૨૭૧.૨૨ બંધ રહ્યો હતો.
બેંકેક્સ ૬૭૨ પોઈન્ટ તૂટયો : કેનેરા બેંક, બીઓબી, ઈન્ડસઈન્ડ બેંક, એક્સિસ, કોટક બેંક, સ્ટેટ બેંક ઘટયા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં પણ આજે વ્યાપક વેચવાલી થતાં બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૬૭૧.૮૬ પોઈન્ટ ઘટીને ૪૮૫૧૨.૪૯ બંધ રહ્યો હતો. કેનેરા બેંક રૂ.૧૨.૫૫ ઘટીને રૂ.૩૫૬.૬૫, બેંક ઓફ બરોડા રૂ.૬.૩૦ ઘટીને રૂ.૧૯૬, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૩૩ ઘટીને રૂ.૧૪૩૬.૨૦, એક્સિસ બેંક રૂ.૧૧.૮૦ ઘટીને રૂ.૯૬૮.૫૦, કોટક બેંક રૂ.૧૭.૭૫ ઘટીને રૂ.૧૭૫૧.૮૦, ફેડરલ બેંક રૂ.૧.૩૫ ઘટીને રૂ.૧૪૪.૪૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૪.૯૫ ઘટીને રૂ.૫૫૮.૩૦ રહ્યા હતા. આ સાથે પીએનબી ગિલ્ટ્સ રૂ.૧૩.૯૪ તૂટીને રૂ.૮૪.૩૫, સેન્ટ્રલ બેંક રૂ.૪.૨૧ તૂટીને રૂ.૪૨.૬૪, આઈએફસીઆઈ રૂ.૨.૦૧ તૂટીને રૂ.૨૧.૫૩, બેંક ઓફ મહારાષ્ટ્ર રૂ.૩.૧૩ ઘટીને રૂ.૪૦.૬૫, આઈઓબી રૂ.૩.૦૨ ઘટીને રૂ.૩૭.૪૦ રહ્યા હતા.
ઓટો ઈન્ડેક્સ ૪૫૭ તૂટયો : ટયુબ રૂ.૧૩૩, ઉનો રૂ.૧૯, ટાટા મોટર્સ રૂ.૧૨, મારૂતી રૂ.૧૩૨ ગબડયા
ઓટોમોબાઈલ શેરોમાં પણ ફંડોએ મોટાપાયે તેજીનો વેપાર હળવો કરતાં બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૪૫૭.૮૫ પોઈન્ટ તૂટીને ૩૭૦૧૩.૪૦ બંધ રહ્યો હતો. ટયુબ ઈન્વેસ્ટમેન્ટ રૂ.૧૩૨.૯૫ તૂટીને રૂ.૨૮૯૨.૪૦, ઉનો મિન્ડા રૂ.૧૮.૬૫ તૂટીને રૂ.૫૮૫.૮૫, અપોલો ટાયર રૂ.૮ ઘટીને રૂ.૩૭૫.૫૫, ટાટા મોટર્સ રૂ.૧૨.૪૦ ઘટીને રૂ.૬૫૦.૩૦, બજાજ ઓટો રૂ.૮૨.૧૦ ઘટીને રૂ.૫૪૦૬, મારૂતી સુઝુકી રૂ.૧૩૨.૭૫ તૂટીને રૂ.૧૦,૫૯૪.૨૫ રહ્યા હતા.
સ્મોલ કેપ ઈન્ડેક્સ ૧૫૯૬ પોઈન્ટ, મિડ કેપ ઈન્ડેક્સ ૭૯૮ પોઈન્ટ તૂટયા : ૩૨૫૩ શેરો નેગેટીવ બંધ
સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં આજે ઓપરેટરો, મ્યુ. ફંડોનું મોટું હેમરીંગ થતાં અનેક શેરોમાં ઓનલી સેલરની નીચલી સર્કિટ સાથે ઓછા વોલ્યુમે ભાવો તૂટતાં માર્કેટબ્રેડથ અત્યંત ખરાબ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૯૦ સ્ક્રિપો-શેરોમાંથી ઘટનારની સંખ્યા ૩૨૫૩ અને વધનારની સંખ્યા ૫૯૩ રહી હતી. બીએસઈ સ્મોલ કેપ ઈન્ડેક્સ ૧૫૯૫.૯૭ પોઈન્ટ તૂટીને ૩૬૬૦૨.૭૫ અને બીએસઈ મિડ કેપ ઈન્ડેક્સ ૭૯૮.૮૩ પોઈન્ટ ગબડીને ૩૧૦૮૨.૦૩ બંધ રહ્યા હતા.
આશ્ચર્ય : કડાકા છતાં FPI/FIIની કેશમાં રૂ.૨૫૨ કરોડ, DIIની રૂ.૧૧૧૨ કરોડની ચોખ્ખી ખરીદી
શેરોમાં આજે મોટાપાયે વ્યાપક કડાકો બોલાઈ ગયા છતાં આશ્ચર્યની વાત છે કે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝની આજે-સોમવારે કેશમાં રૂ.૨૫૨.૨૫ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ છે. જેમાં કુલ રૂ.૮૨૨૯.૮૦ કરોડની ખરીદી સામે કુલ રૂ.૭૯૭૭.૫૫ કરોડની વેચવાલી થઈ છે. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની આજે કેશમાં રૂ.૧૧૧૧.૮૪ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ છે. કુલ રૂ.૮૦૨૨.૫૨ કરોડની ખરીદી સામે કુલ રૂ.૬૯૧૦.૬૮ કરોડની વેચવાલી થઈ છે.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૭.૫૯ લાખ કરોડ ધોવાઈ રૂ.૩૧૧.૩૦ લાખ કરોડ
શેરોમાં આજે વ્યાપક કડાકો બોલાઈ જતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં જ રૂ.૭.૫૯ લાખ કરોડ ધોવાઈ જઈ રૂ.૩૧૧.૩૦ લાખ કરોડ રહી ગયું હતું.
વૈશ્વિક શેર બજારોમાં ધોવાણ : જાપાનનો નિક્કી ઈન્ડેક્સ ૨૬૦ પોઈન્ટ, હેંગસેંગ ૧૨૪ પોઈન્ટ ઘટયા
વૈશ્વિક બજારોમાં આજે અમેરિકાના બોન્ડ યીલ્ડ પાંચ ટકાની ઊંચાઈ પહોંચતાં અને ઈઝરાયેલ-હમાસ યુદ્વ મિડલ ઈસ્ટના અન્ય દેશોમાં ફેલાવાના ભયે નરમાઈ જોવાઈ હતી. જાપાનનો નિક્કી ૨૨૫ ઈન્ડેક્સ ૨૫૯.૮૧ પોઈન્ટ ઘટીને ૩૦૯૯૯.૫૫, હોંગકોંગનો હેંગસેંગ ૧૨૩.૭૬ પોઈન્ટ ઘટીને ૧૭૧૭૨.૧૩ રહ્યા હતા. યુરોપના બજારોમાં પણ નરમાઈ રહી હતી.