૧૨ દિવસમાં જ રૂ.૨ હજારનું રીચાર્જ કરવું પડયું : પ્રિપેઇડ મીટરો ગ્રાહકોને પરસેવે નવડાવશે : હંગામી રીચાર્જ કરતા ગ્રાહકોમાં દેકારો
રાજય સરકાર દ્વારા આ વર્ષથી દરેક ઘરોમાં વીજ કંપની થ્રુ પ્રિપેઇડ સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં જેટલું રીચાર્જ કરશો તેટલો જ વીજ વપરાશ કરી શકવાની જોગવાઇ કરવામાં આવી છે. સરકારી કંપનીઓ ખાનગી એજન્સીઓને સોંપી દીધા બાદ લોકોને પોતાના ખીસ્સાનો ભાર ડબલ હળવો કરવો પડી રહ્યો છે. ત્યારે વીજ કંપનીઓએ ગ્રાહકોને ખંખેરવા માટે સ્માર્ટ તરકીબો કાઢી છે. વીજ કંપની દ્વારા લગાવવામાં આવેલા પ્રિપેઇડ સ્માર્ટ મીટરમાં ગ્રાહકોએ ૧૨ દિવસમાં બે હજારનું રીચાર્જ કરવું પડયું હોવાની ફરિયાદ ઉઠી છે. આ અંગે રજુઆત કરવા છતાં કોઇ નિવેડો નહી આવતા ગ્રાહકોએ વીજ કંપનીની કચેરીનો ઘેરાવ કરી હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. આ ઘટના વડોદરામાં બની છે પરંતુ સમગ્ર રાજયમાં આ પ્રકારના સ્માર્ટ મીટર લગાવવાની પ્રક્રિયા ચાલુ છે ત્યારે રાજયભરના દરેક શહેરોમાં આ અંગેની તપાસ કરવામાં આવે તો પ્રિપેઇડ મીટરોની ગરબડી સામે આવી શકે છે.
કંપની દ્વારા જુના મીટરો બદલીને તેના સ્થાને નવા પ્રિ-પેઇડ સ્માર્ટ મીટરો લગાવાની શરૃઆત કરી દેવામાં આવી છે. જેમાં પાયલોટ પ્રોજેક્ટના ભાગરૃપે વડોદરામાં અત્યાર સુધીમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં ૧૫,૩૭૨ સ્માર્ટ મીટરો લગાવી દેવામાં આવ્યા છે. જેમાં મોટાભાગના આવાસ યોજનાઓમાં છે. સ્માર્ટ મીટર લગાવ્યાને હજુ એક મહિનો પણ નથી થયો તે પહેલા જ મીટરો સામે ગંભીર ફરિયાદ ઉભી થઇ છે અને અત્યાર સુધી આવતા વીજ બિલ કરતા ૩ થી ૪ ગણુ બિલ આવતુ હોવાના આક્ષેપો સાથે ગોરવા અને અકોટા વિસ્તારના સ્માર્ટ મીટર ધારક વીજ ગ્રાહકોએ વીજ કંપનીની ઓફિસ ઉપર પહોચીને હોબાળો મચાવી દીધો હતો.
વડોદરામાં લગાવેલા ૧૫૦૦૦થી વધુ સ્માર્ટ મીટરો પૈકી અકોટામાં ૪,૫૧૧ અને ગોરવામાં ૩,૧૪૩ મીટરો લગાવાયા છે. દરમિયાન ગઇકાલે સવારે પહેલા સુભાનપુરા વિસ્તારમાં આવેલ સ્વામી વિવેકાનંદ હાઇટ્સ (પ્રધાનમંત્રી આવાસ યોજના)ના લગભગ ૧૦૦થી વધુ રહિશોનું ટોળુ વીજં કંપનીની કચેરીએ પહોંચી ગયુ હતુ અને સ્માર્ટ મીટરો ખામી યુક્ત હોવાથી તેઓએ કરેલુ બે મહિનાનું રીચાર્જ ૧૦ દિવસમાં જ ખતમ થઇ ગયુ હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો.જો કે શરૃઆતમાં તો રહિશોનું ટોળુ જોઇને વીજ કંપનીના અધિકારીએ તો ઓફિસનો દરવાજો જ બંધ કરી દીધો હતો અને કોઇ પણ ફરિયાદ સાંભળવાનો ઇન્કાર કરી દીધો હતો પરંતુ ટોળાનો મીજાજ જોઇને કેટલાક લોકોને અંદર બોલાવ્યા હતા પરંતુ વીજ અધિકારીઓએ એમ કહીને હાથ અધ્ધર કરી દીધા હતા કે સ્માર્ટ મીટરો તો કોન્ટ્રાક્ટર લગાવે છે અમારે તેમાં કોઇ લેવા દેવા નથી.જો કે વીજ ગ્રાહકોને આ જવાબથી સંતોષ નહી થતા વીજ અધિકારીઓએ એમ કહીને ગ્રાહકોને રવાના કરી દીધા હતા કે અમે તપાસ કરાવીશું. આ મામલો હજુ ચાલી જ રહ્યો હતો ત્યારે આ પ્રકારની જ ફરિયાદ સાથે અકોટા વિસ્તારમાં આવેલા આવાસ યોજનાના રહિશો અલકાપુરી સ્થિત વીજ કંપનીની ઓફિસે પહોંચી ગયા હતા અને આક્રોશ સાથે ફરિયાદ કરી હતી. અકોટા અને ગોરવા વિસ્તારના વીજ ગ્રાહકોનું કહેવું હતું કે સ્માર્ટ મીટરો પરત લઇ લો અને જૂના મીટરો લગાવી દો.બે મહિને 800નું બિલ આવતું હતું, સ્માર્ટ મીટરમાં 12 દિવસમાં 2000 વપરાઇ ગયા
સુભાનપુરા સ્વામી વિવેકાનંદ હાઇટ્સમાં રહેતા ભૂમિકાબેનનું કહેવું છે કે અમે આવાસ યોજનામાં રહીએ છીએ. કોઇ બંગલામાં નથી રહેતા. સ્માર્ટ મીટરો માટે અમારા ઘર જ કેમ પસંદ કરવામાં આવ્યા. જૂના મીટરમાં અમારૃ બે મહિનાનું બિલ રૃ.૭૦૦ થી ૮૦૦ આવતુ હતું. સ્માર્ટ મીટર લાગ્યું ત્યારે મે રૃ.૨૦૦૦નું રિચાર્જ કરાવ્યું હતું. પરંતુ ૧૨ દિવસમાં જ ૨૦૦૦ રૃપિયા વપરાઇ ગયા. મારો છોકરો દવાખાનામાં હતો આજે તેને લઇને ઘરે આવ્યા ત્યારે ખબર પડી કે રીચાર્જ પુરુ થઇ ગયુ છે અને કનેક્શન બંધ થઇ ગયુ છે.


