- પાંચ શખ્સે ATSના અધિકારીની ઓળખાણ આપી અપહરણ કર્યા બાદ લૂંટી લીધો
- દાણચોરને એક ફ્લેટમાં લઈ જઈ ખેલ પાડયો
- પાંચેય આરોપીને ગણતરીના કલાકોમાં જ પોલીસે દબોચી લીધા
વડોદરાનો યુવક દાણચોરી કરવા દુબઈથી ગુદાના ભાગે 50 લાખનું સોનું છુપાવીને અમદાવાદ એરપોર્ટ પર આવ્યો હતો અને ઇમિગ્રેશન બાદ બહાર પણ આવી ગયો હતો. જોકે, એરપોર્ટ પરથી એટીએસના અધિકારી તરીકે ઓળખ આપી અજાણ્યા શખ્સે તેનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ યુવકને એક ફ્લેટમાં લઇ ગયા હતા, જ્યાં ગુદામાંથી 50 લાખનું સોનું કાઢી લૂંટી લીધો હતો. આ અંગે એરપોર્ટ પોલીસે ગુનો નોંધી મહિલા સહિત પાંચ આરોપીને ઝડપી લીધા છે.
વડોદરામાં 21 વર્ષીય દાનિશ આરીફભાઇ શેખ પરિવાર સાથે રહે છે. દાનિશના પિતાના મિત્ર જાકીરભાઈએ તેને જણાવ્યું હતું કે, એક મિત્ર અમ્માર દુબઈ ખાતે રહે છે તેની પાસેથી ગોલ્ડ લાવવાનું છે. તેની ટિકિટ હું કરાવી આપીશ અને ગોલ્ડ આવ્યા બાદ 20 હજાર રૂપિયા પણ આપીશ. આથી ગત 9 ઓક્ટોબરે દાનિશ દુબઈ જવા નીકળ્યો હતો અને બીજા દિવસે દુબઈ પહોંચી અમ્મારને મળ્યો હતો. જ્યાં 17 દિવસ રોકાયો હતો અને અમ્મારે છેલ્લા દિવસે ગોલ્ડની બે કેપ્સૂલ આપી હતી. જેનું વજન 850 ગ્રામ અને બજાર કિંમત 50 લાખ હતી. આ ગોલ્ડ દાણચોરી કરી અમદાવાદ લાવવાનું હોવાથી દાનિશે ગુદાના ભાગે બંને કેપ્સુલ સંતાડી દીધી હતી. ત્યારબાદ તે ગત 27 ઓક્ટોબરે અમદાવાદ આવ્યો હતો. દાનિશને લેવા રિયાન અને ડ્રાઇવર આવ્યા હતા. સવારે 3 વાગ્યે દાનિશ ઇમિગ્રેશનની કાર્યવાહી પૂરી કરી બહાર આવ્યો હતો અને ગાડી પાસે જવા નીકળ્યા હતો. આ દરમિયાન બે અજાણ્યા શખ્સ આવ્યા અને અમે એટીએસના અધિકારીઓ છીએ કહી બંને ગાડીમાં સાથે બેસી ગયા હતા. બંનેએ જણાવ્યું હતુ કે, તું દુબઈથી દાણચોરીનું સોનુ લઈને આવ્યો છે તેની તમામ માહિતી છે. ત્યારબાદ ગાડી ચલાવવા કહ્યું હતું અને રિવરફરન્ટ થઇ ગાડી નારોલ તરફ લઇ ગયા હતા. બંનેએ દાનિશ સહિતના લોકોના ફોન લઈ સ્વિચ ઓફ્ કરી અવાવરું જગ્યાએ ગાડી ઊભી રખાવી હતી. ત્યાં બીજી એક ગાડી આવી હતી તેમાં એક શખ્સ હતો. ત્યાંથી દાનિશને બીજી ગાડીમાં બેસાડવામાં આવ્યો હતો અને એક ફ્લેટના 10માં માળે લઈ ગયા હતા. જ્યાં પાછળથી આવેલા શખ્સે એટીએસના અધિકારી તરીકે ઓળખ આપી કહ્યું હતું કે, તું ગોલ્ડ દાણચોરી કરીને લાવ્યો છે એટલે હવે તારી સામે કેસ કરવો પડશે. તેમ કહી માર માર્યો હતો. ત્યારબાદ પ્રેશર કરાવી દાનિશના ગુદામાંથી સોનું કઢાવ્યું હતું અને તે લઈ લીધું હતું. આ ઉપરાંત થોડાક રૂપિયા પણ લઇ લીધા હતા. ત્યારબાદ જણાવ્યું હતું કે, તારા પાસપોર્ટ સહિતની ડિટેઇલ છે. આ અંગે કોઇને વાત કરીશ તો ઉઠાવી જાનથી મારી નાખીશું. ત્યારબાદ ફ્લેટમાંથી તેને લઇ તેઓ નીકળ્યા હતા.
મહિલા સહિત પાંચ આરોપીઓનું મુંબઈ કનેક્શન ખૂલ્યું
સમગ્ર કેસમાં એટીએસને એક અરજી મળી હતી, જેની તપાસ એટીએસ કરી રહી હતી. આથી અરજી સાચી હોવાનું સામે આવ્યું હતું. જે મામલે તપાસ કરતા હારૂન શેખ, મોહસીનખાન મુજીબખાન પઠાણ ,નદીમખાન પઠાણ અને અયુબખાન ટાઇ અને મુમતાઝ શેખ દ્વારા આ સમગ્ર કાવતરું રચવામાં આવ્યું હતું. આથી એટીએસે સમગ્ર કેસની જાણ એરપોર્ટ પોલીસને કરી હતી. જેના આધારે એરપોર્ટ પોલીસે ગુનો નોંધીને પાંચેય આરોપીની ધરપકડ કરી લીધી છે. આરોપીઓની પૂછપરછમાં મુંબઈ કનેક્શન ખૂલ્યું છે. અયુબની પૂછપરછ કરતા મુંબઈના એક અકબર નામના શખ્સ દ્વારા દાનિસનો પાસપોર્ટ અને ફેટો મોકલવામાં આવ્યો હતો. જેના આધારે હારૂને દાનિસને ઓળખી અપહરણ કર્યું હતું.
દયાવાન લૂંટારુ’ઓએ યુવકને ટેક્સી ભાડાના 500 રૂપિયા આપ્યા હતા
50 લાખનું સોનું અને રોકડ રકમ લઈ લીધા બાદ દાનિશને ફ્લેટમાંથી નીચે ઉતારી રિક્ષામાં બેસાડયો હતો. ત્યારબાદ આરોપીઓ તેને ગીતા મંદિર લઈ ગયા હતા અને ત્યાં ઉતારી દીધો હતો. જ્યાંથી વડોદરા જવા માટે ભાડા પેટે આરોપીઓએ 500 રૂપિયા આપ્યા હતા. ઉપરાંત કોઇને ન કહેવા ધમકી આપી હતી.
એરપોર્ટ પરથી લગેજ બેગમાંથી 5 હજાર દિરહમની ચોરી થઈ
ઉદયપુરમાં રહેતા અલતાફ્ હુસેન ડાયર ખાનગી કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે. ગત 20 ઓક્ટોબરે તેઓ તેમની મોટી બહેન સાથે રાજસ્થાનથી અમદાવાદ એરપોર્ટ આવ્યા હતા, જેમાં એક બેગમાં મૂકેલા પેન્ટના ખિસ્સામાં દુબઈના 5 હજાર દિરહમ મૂક્યા હતા. જે બાદ એરપોર્ટ પર ઇન્ડિગો કાઉન્ટર પર ચેકિંગ કરાવ્યું અને બેગ બ્લેટમાં લગેજમાં ગઇ હતી. ત્યારબાદ તેઓ રેસ્ટ રૂમમાં ગયા હતાઅને પછી તેઓ ફ્લાઇટમાં બેસીને દુબઈ એરપોર્ટ પહોંચ્યા હતા. એરપોર્ટ પર ઉતરીને જોયું તો લગેજ બેલ્ટ પરથી બેગ લીધી ત્યારે તેનું લોક બદલાઈ ગયું હતું. આથી તેમને લોક તોડીને બેગ ચેક કરતા તેમાંથી 5 હજાર દીરહમ ગુમ હતા. આ અંગે અલતાફ્ હુસેને અજાણ્યા ચોર સામે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.


