- ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાઇ
- હીરાપુર ગામે રહેલ બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા હતા
- ધ્રાંગધ્રાના ગ્રામ્ય પંથકમાં ચોરીની વારદાતો વધી રહી છે
ધ્રાંગધ્રાના ગ્રામ્ય પંથકમાં ચોરીની વારદાતો વધી રહી છે. ત્યારે હીરાપુર ગામે રહેલ બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા હતા. અને રોકડ તથા સોનાની નોટ મળી કુલ રૂપીયા 71 હજારની મત્તા ચોરી કરી લઈ ગયાની ફરિયાદ નોંધાઈ છે. બનાવની વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.
ધ્રાંગધ્રા તાલુકાના હીરાપુર ગામના વતની વનરાજસીંહ વાઘજીભાઈ પરમાર હાલ ધ્રાંગધ્રા-હળવદ હાઈવે પર આવેલ શીવરંજની સોસાયટીમાં રહે છે. તા. 20 જુલાઈના રોજ સવારે તેમના પિતા વાઘજીભાઈ વતન હીરાપુર આવેલા બંધ રહેણાક મકાને દીવાબત્તી કરવા ગયા હતા. આ સમયે ઘરના તાળા તુટેલા જોતા તેઓએ વનરાજસીંહને ફોન કરી જાણ કરી હતી. આથી વનરાજસીંહ હીરાપુર દોડી ગયા હતા. અને તપાસ કરતા ઘરના દરવાજાનું તાળુ તથા ઘરની અંદરના રૂમના દરવાજાનું તાળુ તુટેલુ જોવા મળ્યુ હતુ. અને ઘરનો સામાન અસ્તવ્યસ્ત હતો. જયારે રૂમમાં રહેલા લાકડાના કબાટનું તાળુ તોડી તસ્કરો રોકડા રૂપીયા 70 હજાર અને રૂપીયા 1 હજારની કિંમતની રૂપીયા 500ની ચાંદીની નોટ લઈ ગયા હતા. આ અંગે વનરાજસીંહ પરમારે અજાણ્યા શખ્સો સામે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.


