- ભગવાન વિચરણના ક્રમ અનુસાર એક વાર વિતભયનગર પધારે છે
પ્રભાવતીએ બતાવેલા ચમત્કાર પછી ઉદાયન રાજામાં ઘણો ફરક પડી ગયો. એ નિયમિત ભગવાનનાં દર્શન-પૂજન કરવાનું ચૂકતો નહીં. કુબ્જા દાસીને પ્રભાવતીના ગયા પછી ખાસ કોઈ કામ તો રહ્યું નહીં. આખો દિવસ ભગવાનની ભક્તિ કરે અને કોઈ જ કામ ન હોય તો ભગવાનની સામે એકીટસે જોતી ઊભી હોય. એનો આ નિત્યનો ક્રમ.
એક દિવસની ઘટના છે. એક ગંધાર નામનો શ્રાવક હતો. એ તીર્થાટન કરવા નીકળેલો. એની પાસે કેટલીક વિશિષ્ટ ગુટિકાઓ હતી. એ મોઢામાં મૂકીને જે ઇચ્છા કરો તે કામ કરાવી શકો. જેમ કે, એક ગુટિકા મુખમાં રાખીને ઇચ્છા કરો કે મારે આકાશમાં ઊડીને અમુક જગ્યાએ જવું છે. તો તરત આકાશમાં ઊડે અને ગંતવ્યસ્થાને પહોંચાડે.
એ માણસ વિતભયનગરના ઉદાયન રાજાના મહેલમાં રહેલા ભગવાનનાં દર્શન કરવા આવેલો. એણે ભાવથી ભગવાનની ભક્તિ કરી. ભક્તિ કરીને એ પાછો વળી રહ્યો હતો ત્યારે ભગવાનની સામે પૂતળીની જેમ રહેલી પેલી કુબ્જા દાસીને જોઈ એની સાથે થોડી વાર વાર્તાલાપ કર્યો. ભગવાનની ભક્તિથી પેલો ગંધાર શ્રાવક ખુશખુશ થઈ ગયો. મારે આની કંઈક ભક્તિ કરવી જોઈએ, શું કરું?
એને વિચાર આવે છે હવે મારું આયુષ્ય લાંબું નથી. મારી પાસે રહેલી ગુટિકા કોઈ કામમાં આવવાની નથી એટલે જો આ બધી ગુટિકાઓ કોઈ યોગ્ય આત્માને અર્પણ કરવામાં આવે તો કેટલો બધો લાભ થશે. એની પાસે 108 આવી વિશિષ્ટ ગુટિકાઓ હતી. બધી પેલી કુબ્જા દાસીને અર્પણ કરી દીધી. બધી ગુટિકાના ગુણો પણ બતાવી દીધા. ઉપયોગ કરવાની વિધિ અને પદ્ધતિ પણ સમજાવી દીધી. કોઈને કુબ્જા હોવું કંઈ ગમે? પણ હવે એના માટેનો ઉપાય હાથવગો હતો. પછી વિચારવાની જરૂર જ ક્યાં છે?
એણે પોતાનો ઉપાય કારગત કરવા એક ગુટિકા મોંમાં મૂકી અને વિચાર કર્યો મારી કાયા સુડોળ અને સુરૂપ બની જાય. થોડા જ સમયમાં એની કાયામાં ફેરફાર થઈ ગયો. વાહ! હવે તો કોઈ રાજરાણીને શરમાવે એવું મારું રૂપ છે.
હવે એને બીજો વિચાર આવ્યો, આવા સુંદર રૂપવાળા દેહ માટે કોઈ યોગ્ય પાત્ર પણ હોવું જોઇએ. ઉદાયન રાજા તો મારા પિતા જેવા છે. મારા પતિ થવાની યોગ્યતા કયા રાજામાં છે? એને યાદ આવે છે ચંડપ્રદ્યોત રાજાની એટલે તરત જ એણે એક બીજી ગુટિકા પોતાના મુખમાં મૂકીને ચિંતન કર્યું, ચંડપ્રદ્યોત રાજા મારા પતિ થાય. આ ગુટિકાની અધિષ્ઠાયિકા દેવીઓ હોય છે. પેલી કુબ્જાનું હવે તો સુવર્ણાગુલિકા એનું નામ પ્રચલિત થઈ ગયું છે. એણે પોતાની ઇચ્છા વ્યક્ત કરી એટલે એની અધિષ્ઠાયિકા દેવી ચંડપ્રદ્યોતની પાસે ગઈ. એને રાતે ઊંઘમાં સ્વપ્ન આવ્યું કે વિતભયનગરમાં એેક સુવર્ણાગુલિકા નામની યુવતી છે. એ તમારી મહારાણી થવાને લાયક છે.
ચંડપ્રદ્યોત રાજા સવારે જાગ્યો ત્યારે એને યાદ આવે છે કે આજે રાતે પોતાને આવું સ્વપ્ન આવેલું. હવે સ્વપ્ન કંઈ બધાં સાચાં હોતાં નથી, પણ બધાં સ્વપ્ન ખોટાં પણ હોતાં નથી. આપણે તપાસ કરીએ કે વાતમાં તથ્યાંશ કેટલો છે. ગુપ્તચરોને મોકલીએ તો બધી વાતની ખબર પડે અને જો વાત સાચી હોય અને એ આવતી હોય તો લઈ આવે. એણે તો માણસો રવાના કર્યા. વિતભયનગરમાં આવ્યા. સુવર્ણાગુલિકાને મળ્યા. એની સાથે વાતચીત કરીને સત્યાંશની ચકાસણી કરી પછી કહ્યું, મહારાજ ચંડપ્રદ્યોતે આપને લઈ જવા માટે અમને મોકલ્યા છે. આપ અમારી સાથે આવો. એણે કહ્યું, આવવા માટે હું તૈયાર છું, પણ મારી થોડી શરત છે. એક મને લેવા માટે ચંડપ્રદ્યોત સ્વયં આવે. બીજું કે આ પ્રતિમા પણ મારી સાથે જ આવશે, પણ આવી જ હૂબહૂ પ્રતિમા નિર્માણ કરીને લઈને આવે. એ અહીં રાખવાના અને આ પ્રતિમાજી મારી સાથે આવશે.
પેલા માણસો પાછા અવંતીનગરી ગયા. ચંડપ્રદ્યોતને આખી ઘટના સંભળાવી અને શરતોની પણ વાતો કરી. ચંડપ્રદ્યોત વિચાર કરે છે. મહારાણી કંઈ માણસો સાથે આવે? એ પોતે જવા તૈયાર થઈ ગયો. એનો એક અનિલવેગ નામનો જાતવાન હાથી હતો. તે સમયના અત્યંત પ્રસિદ્ધ હાથી ઉપર બેસીને આવેલા. સાથે જે ભગવાન છે એવા જ બીજા ભગવાન પણ એ લઈને આવેલા. એ પ્રતિમાજી ત્યાં સ્થાપન કરી દીધા અને ત્યાં જે હતા એ પ્રતિમાજીને અને સુવર્ણાગુલિકાને લઈને અવંતિ તરફ રવાના થઈ ગયા.
સવારે ઉદાયન રાજા ભગવાનનાં દર્શન કરવા ગયા ત્યારે એને કંઇક વિચિત્રતાનો અનુભવ થયો. અરે આ શું? આવું શાથી થયું? ભગવાનનાં અંગ ઉપર રહેલી માળા ક્યારેય કરમાતી ન હતી, આજે સાવ કરમાયેલી કેમ દેખાય છે અને ભગવાનની પરમ ઉપાસિકા એવી પેલી સુવર્ણાગુલિકા કે જે પૂતળીની જેમ પ્રભુની સામે સ્થિર થયેલી દેખાતી હતી એ પણ અહીં દેખાતી નથી. તો એ ક્યાં ગઈ હશે?
એટલામાં કોઈ એના ગુપ્તચર આવીને વાત કરી કે આજે રાતે ચંડપ્રદ્યોત રાજા અનિલવેગ નામના હાથીને લઈને આવ્યા હોવા જોઈએ. એનાં કેટલાંક ચિહ્નો અમને જોવા મળ્યાં છે. આપણા રાજ્યમાં કોઈ પણ માણસ બહારથી આવે અને આપણી જાણમાં પણ હોય નહીં તો એ તે ક્યાંથી ચાલી શકે? આ વિષયમાં આપ અમને કંઈ પણ આદેશ કરો.
ગમે એમ કરીને એને પકડીને લાવો, કારણ કે એણે આપણા રાજ્યની દાસીનું તો અપહરણ કર્યું જ છે સાથે સાથે એ આપણા ભગવાન પણ સાથે લઈ ગયો છે. કોઈ પણ ઉપાયે એને પાછો લાવવો જ પડશે.
વિતભયનગરના સૈનિકો પાછળ પડ્યા, પણ અનિલવેગ હાથીના વેગની સામે કોઈ ક્યાંથી ટક્કર ઝીલી શકે. ખૂબ મહેનત કરી, પણ કંઈ હાથ લાગ્યું નહીં. ઉદાયન રાજાએ ચંડપ્રદ્યોતને દૂત મારફત સમાચાર મોકલ્યા કે મારાં ભગવાન અને દાસી મને પાછાં આપો અન્યથા લડાઈ માટે તૈયાર રહો.
ચંડપ્રદ્યોત પણ કંઈ કમ ન હતો. એણે પણ સામે જવાબ આપ્યો. આટલા દૂરથી લેવા આવ્યો તો કંઈ પાછા આપવા માટે? યુદ્ધ માટેની તમારી ઇચ્છા જ હોય તો મારી તલવાર પણ તરસી જ છે. બંને વચ્ચે યુદ્ધ થયું. યુદ્ધ લાંબું ચાલ્યું. અંતે વિજય તો ઉદાયનનો જ થયો. ચંડપ્રદ્યોતને પકડ્યો. એને બાંધીને એના કપાળ ઉપર એક પટ્ટી લગાવી. મારી દાસીનો પતિ.
ભગવાનને પાછા લઈને જવાની તૈયાર કરે છે ત્યારે દેવવાણી થાય છે. આ ભગવાનને પાછા લઈ જઈશ નહીં. અહીં રાખવામાં જ લાભ છે. ભગવાનને ત્યાં રાખે છે, પણ બંદીવાન ચંડપ્રદ્યોતને લઈને જાય છે. માર્ગમાં પર્યુષણ પર્વનો પ્રારંભ થાય છે. બધા એક જ જગ્યાએ સ્થિર થઈ ગયા છે. સંવત્સરીનો દિવસ આવે છે. એ દિવસે ઉદાયન રાજા સહિત દરેકને ઉપવાસ છે. ચંડપ્રદ્યોત ભલે કેદી છે, પણ એને જમાડવો તો જોઈએ જ એટલે રસોઈયો પૂછવા જાય છે. આજે તમારે ભોજનમાં શું લેવાની ઇચ્છા છે? જોકે, કેદીને પૂછવાની જરૂર ન હોય પણ છતાં રસોઈયો વિચારે છે મારે કંઈ પણ બનાવવાનું જ છે તો એને ગમતું શા માટે ન બનાવવું?
ચંડપ્રદ્યોત વિચારે છે કોઈ દિવસ મને પૂછવા આવતો નથી તો આજે શા માટે આવે છે? એણે પૂછ્યું આજે પૂછવાનું કારણ?
રસોઈયાએ સાચું કારણ બતાવ્યું, આજે બધાને ઉપવાસ છે, માત્ર આપને જ જમવાનું છે. આપને જે ભાવે એ બનાવી આપું. આણે પણ વિચાર્યું, બધાને ઉપવાસ તો મારે પણ ઉપવાસ. એ પણ ભગવાન મહાવીરનો જ ઉપાસક હતો.
રસોઈયાએ ઉદાયન રાજાને વાત કરી, ચંડપ્રદ્યોતને પણ આજે ઉપવાસ છે. રાજા વિચારે છે એને ઉપવાસ છે તો એ મારો સાધર્મિક છે અને સાધર્મિક બંદીને લાયક નહીં, પણ સન્માનને લાયક છે. મારે એનું સન્માન કરવું જોઈએ. તરત જ બેડીથી મુક્ત કરે છે. કપાળ ઉપરની પટ્ટી કઢાવી નાંખે છે અને એ મુક્ત કરીને અવંતિનું રાજ્ય પાછું આપે છે.
ઉદાયન વિતભયનગર જાય છે. પોતાનું રાજ્ય એના ભાણેજ કેશી નામનો છે એને સોંપીને પોતે વિચાર કરે છે, ભગવાન મહાવીર સ્વામીજી અહીં પધારે તો મારે એમની પાસે દીક્ષા લેવાના ભાવ છે.
ભગવાન પોતાના વિચરણના ક્રમ અનુસાર એક વાર વિતભયનગર પધારે છે. ઉદાયન કેશી વગેરે બધા ભગવાનને વંદન નમન કરવા જાય છે.
ભગવાન પણ બધાને દેશના સંભળાવે છે. આ સંસારમાં કોઈ ભાવ શાશ્વત કે સ્થિર નથી. આપણું શરીર પણ અત્યારના જેવું સતત સક્ષમ રહેવાનું નથી. મૃત્યુ આવીને આપણાં શ્વાસોશ્વાસ બંધ કરાવી જાય એ પહેલાં જાગવાની જરૂર છે. જેટલા વહેલા જાગશો એટલું વહેલું આપણું કલ્યાણ થવાનું છે.
ઉદાયન રાજાનો વિચાર તો હતો જ એમાં પ્રભુની પ્રેરણા ભળી. એણે એ જ સમયે ઊભા થઈને પ્રભુને પ્રાર્થના કરી, પ્રભુ મને સંયમ આપો. ભગવાને એમને દીક્ષા આપી. સારી રીતે ચારિત્રનું પાલન કરીને અંતે ઉદાયન રાજર્ષિને કેવલજ્ઞાન મળે છે.