ઓસ્ટ્રેલિયા પછી હવે મલેશિયા પણ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકશે. આવતા વર્ષથી મલેશિયાની સરકાર બાળકોને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવા જઈ રહી છે. સરકારનું કહેવું છે કે ડિજિટલ દુનિયાના વધતા જોખમોથી બાળકોને બચાવવા માટે આ પગલું લેવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક સમયથી, બાળકો દ્વારા સોશિયલ મીડિયાના ઉપયોગ પર વિશ્વભરમાં ચર્ચા ચાલી રહી છે અને વિવિધ દેશોની સરકારો આ દિશામાં કેટલાક પગલાં લઈ રહી છે.
મલેશિયા સરકારે જણાવ્યું કારણ
અહેવાલો અનુસાર, મલેશિયાના સંદેશાવ્યવહાર મંત્રી ફહમી ફડઝિલે કહ્યું કે ઓસ્ટ્રેલિયા જેવા દેશો કેવી રીતે વયમર્યાદા લગાવી રહ્યા છે તેનો સરકાર ગંભીરતાથી અભ્યાસ કરી રહી છે. તેમણે કહ્યું કે મલેશિયા તેના યંગ જનરેશને સાયબર બુલિંગ અને ફાઈનાન્સિયલ સ્કેમ જેવા ઓનલાઈન જોખમોથી બચાવવા માંગે છે. આ અંગે મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથે વાતચીત ચાલી રહી છે અને અપેક્ષા છે કે તેઓ આવતા વર્ષથી આ નિયમનું પાલન કરવાનું શરૂ કરશે. તમને જણાવી દઈએ કે ઇન્ડોનેશિયાએ પણ આ વર્ષની શરૂઆતમાં સોશિયલ મીડિયા યુઝર્સ માટે વય મર્યાદા નક્કી કરવાની યોજના બનાવી હતી, પરંતુ બાદમાં આ નિયમમાં છૂટછાટ આપવામાં આવી હતી.
લાંબા સમયથી ચાલી રહ્યો છે વિવાદ
બાળકોના સોશિયલ મીડિયાના ઉપયોગ અંગેની ચર્ચા નવી નથી. TikTok, Meta, Google અને Snapchat જેવી કંપનીઓ પર વિશ્વભરમાં કેસ ચાલી રહ્યા છે. આ કંપનીઓ પર ટીનેજર્સમાં વધતા મેન્ટલ હેલ્થ ક્રાઈસિસ વેગ આપવાનો આરોપ છે, જેના કારણે વિવિધ દેશોએ તેમના નિયમો કડક બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયાએ આ મામલે ખૂબ જ કડક વલણ અપનાવ્યું છે અને આવતા મહિનાથી 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના એકાઉન્ટ ડિએક્ટિવેટ કરી દેવામાં આવશે.


