અમદાવાદ ગ્રામ્ય SOG દ્વારા ચાઈનીઝ દોરીના ગેરકાયદેસર વેચાણ સામે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આણંદ ફાર્મમાં થયેલા દરોડા દરમિયાન વિરેન પટેલનું નામ ખુલ્યું હતું, જેની તપાસના છેડા દાદરા નગર હવેલી સુધી પહોંચ્યા હતા. ત્યાં કોઈપણ નામ વગર ચાલતી ‘વંદના ફેક્ટરી’ પર પોલીસે દરોડો પાડીને કુલ 2.34 કરોડ રૂપિયાની પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અને કાચો માલ જપ્ત કર્યો છે. DySP પ્રકાશ પ્રજાપતિના જણાવ્યા અનુસાર, આ કેસમાં સપ્લાયર જાવેદ અને માલિક વિરેન પટેલ હાલ ફરાર છે, જેમની શોધખોળ ચાલી રહી છે.
થર્ટી ફર્સ્ટ પહેલા દારૂનો જથ્થો પકડાયો
31st ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખીને સક્રિય થયેલા બુટલેગરોને મોટો ફટકો પડ્યો છે. સાણંદના મુની આશ્રમ નજીક દારૂ ભરેલી એક આઇસર ટ્રક પલટી ખાતા રસ્તા પર દારૂની બોટલોની રેલમછેલ જોવા મળી હતી. બમ્પ પરથી વાહન પસાર થતી વખતે સંતુલન ખોરવાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ડ્રાઈવર અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયો હતો. પોલીસે દારૂની પેટીઓ કબજે કરીને આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને મુંબઈ કે અન્ય કયા સ્થળે પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ તેજ કરી છે.
ગુનેગારો સામે કડક કાર્યવાહીનો દૌર
અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા હાલમાં સમગ્ર જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. ખાસ કરીને ઉતરાયણ પર્વમાં લોકોના જીવને જોખમમાં મૂકતી ચાઈનીઝ દોરી સામે બાવળા, વિરમગામ અને આણંદમાં સઘન દરોડા પાડવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 25 જેટલા ગુના નોંધી 33 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. DySP એ સ્પષ્ટ કર્યું છે કે, તહેવારોમાં શાંતિ ભંગ કરનારા અને પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ કરનારા તત્વોને કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં.
આ પણ વાંચો : Ahmedabad માં ઉત્તરાયણ પહેલાં દોરીનો આતંક, મેમકોમાં બાઇકચાલકનું ગળું કપાયું, પોલીસ દેવદૂત બનીને આવી


