- સાબર ડેરીની ચૂંટણી માટે ભાજપે મેન્ડેટ માટેની તૈયારી શરૂ કરી
- ચૂંટણી જંગમાં ઝંપલાવવા ફોર્મ ભરવા માટે માત્ર 3 દિવસ બાકી
- સાબર ડેરીના નિયામક મંડળની ચૂંટણીનું મતદાન આગામી તા.10મી માર્ચના રોજ થશે
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 4 લાખ દૂધ ઉત્પાદકો માટે આર્થિક રીતે જીવાદોરી ગણાતી સાબર ડેરીના નિયામક મંડળની ચૂંટણી આગામી તા.10મી માર્ચ રવિવારે યોજાવાની છે, જેને લઈને ઠંડી ભર્યા વાતાવરણમાં બંને જિલ્લાના સહકારી આલમમાં ગરમાવો પ્રસરી રહ્યો છે. ડેરીની ચૂંટણી લડવા ઈચ્છુક 26 જેટલા ઉમેદવારોએ શનિવાર સુધીમાં પોતાના ઉમેદવારી પત્રો વિગતો સાથે ભરીને ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કર્યા હતા.
હવે ફોર્મ ભરવા માટે તા. 21મી બુધવાર અંતિમ દિવસ હોવાથી માત્ર 3 દિવસ બાકી રહ્યા છે ત્યારે સહકારી આલમમાં ચહલપહલ વધશે તે નક્કી છે. બીજી તરફ પ્રદેશ ભાજપ સાબર ડેરીમાં પોતાનો દબદબો જળવાઈ રહે તે માટે મેન્ડેટ આપવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેના કારણે હાલના ડિરેકટર્સ સહિત જિલ્લાના કેટલાક વિવાદાસ્પદ નેતાઓએ મેન્ડેટ લેવા ગાંધીનગર ખાતે કમલમ્માં ડેરાતંબુ તાણ્યા છે.
સાબર ડેરીના નિયામક મંડળની ચૂંટણીનું મતદાન આગામી તા.10મી માર્ચના રોજ થનાર છે, ત્યારે લોકસભાની ચૂંટણીમાં વ્યસ્ત રહેલું પ્રદેશ ભાજપ અને સાબરકાંઠા ભાજપ સંગઠન સાબરડેરીની ચૂંટણીમાં પોતાનો દબદબો યથાવત રાખવા કયા ઝોનમાં કોને મેન્ડેટ આપવો? તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેમજ આ ચૂંટણીમાં હાલના કેટલાક સિનીયર ડિરેકટર્સને યથાવત રાખીને યુવાનોને પણ તક આપવાના મૂડમાં છે. જે ઉમેદવારને મેન્ડેટ આપવાનો છે. તે ઉમેદવારોએ જો હજુ સુધી ફોર્મ ન ભર્યું હોય તો તેઓને ફોર્મ ભરવા માટે ત્રણ દિવસોમાં જ સૂચના આપી દેવામાં આવશે. ત્યારબાદ 29 ફેબ્રુઆરીએ ફોર્મ ખેંચી લેવાના અંતિમ દિવસે ફાઈનલ મેન્ડટ વાળા ઉમેદવારો સિવાયના તમામને ફોર્મ પરત ખેંચી લેવાનો આદેશ કરવામાં આવશે. જે પૈકી બિનહરીફ સભ્યો સિવાય જયાં ચૂંટણી યોજાવાની છે. તેમના નામ તા.1લી માર્ચે ચૂંટણી અધિકારી જાહેર કરી દેશે . પરંતુ સહકારી આલમનો મિજાજ કંઈ અલગ છે. તે રીતે સાબરકાંઠા બેંકની ચૂંટણી સમયે ઈડર બેઠક ઉપર ભાજપના અન્ય નેતાઓને અવગણીને મેન્ડેટ આપવામાં આવ્યો હતો અને ભાજપને હારનો સામનો કરવો પડયો હતો.
તે જોતા પ્રદેશ અને જિલ્લા ભાજપ સંગઠન હાલના ચેરમેન અને ડિરેકટર્સને વિશ્વાસમાં લઈને મેન્ડેટની કાર્યવાહી હાથ ધરશે, તેવું માનવામાં આવી રહ્યુ છે.


