- પાકિસ્તાનમાં રાજકીય પાર્ટીઓની કમાણીનો સૌથી મોટો સ્રોત ચૂંટણી ટિકિટ
- બાંગ્લાદેશમાં રાજકીય પાર્ટીઓ નોમિનેશન ફોર્મ અને મેમ્બરશિપ ફોર્મ વેચીને સૌથી વધારે
- 2024ની સામાન્ય ચૂંટણીઓમાં ભારતમાં 1.20 લાખ કરોડ કરતાં વધારે ખર્ચ થઈ શકે
ઇલેક્ટોરલ બોન્ડ મુદ્દે એસબીઆઇને ફરી એક વાર સુપ્રીમ કોર્ટમાં ઝટકો વાગ્યો છે. સુપ્રીમ કોર્ટે હવે એસબીઆઇને ઇલેક્ટોરલ બોન્ડ સાથે સંકળાયેલી બધી જ માહિતી ત્રણ દિવસમાં જમા કરી દેવા કહ્યું છે.
આ કેસની સુનાવણી ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ, જસ્ટિસ બી.આર. ગવઈ, જસ્ટિસ જે.બી. પારદીવાલા, જસ્ટિસ સંજીવ ખન્ના, અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેચ કરી રહી છે. બેચે કહ્યું કે એસબીઆઇ ચેરમેનને 21 માર્ચની સાંજના પાંચ વાગ્યા સુધીમાં ઇલેક્ટોરલ બોન્ડ સંબંધિત બધી જ માહિતી આપી દીધા બાદ એક સોગંદનામું રજૂ કરવું પડશે, જેમાં તેમણે જણાવવું પડશે કે, તેમણે એક પણ ડિટેલ છુપાવી નથી.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે એસબીઆઇએ બોન્ડના આલ્ફાન્યૂમરિક નંબર અને સિરિયલ નંબર સહિત બધા પ્રકારની ડિટેલનો ખુલાસો કરવાનો રહેશે. એસબીઆઇ પાસેથી માહિતી મળ્યા બાદ ચૂંટણી પંચ તેને પોતાની વેબ સાઇટ પર પ્રસિદ્ધ કરશે. આની પહેલાં સુપ્રીમ કોર્ટના આદેશથી એસબીઆઇએ ઇલેક્ટોરલ બોન્ડ સાથે સંકળાયેલી ઘણી બધી માહિતી જણાવી હતી. સુપ્રીમ કોર્ટે ઇલેક્ટોરલ બોન્ડ સ્કીમને ‘ગેરબંધારણીય’ ગણાવીને રદ કરી દીધી છે. ભારતમાં આમ તો રાજકીય પાર્ટીઓ ઘણી બધી રીતોથી ફંડિંગ મેળવી શકે છે, ઇલેક્ટોરલ બોન્ડ બાબતે ભારતમાં આટલી બધી બબાલ ચાલે છે તો એ પણ જાણીએ કે દુનિયાના બાકી દેશોમાં ચૂંટણી ફંડિંગ મામલે કેવા કાયદા-નિયમો છે?
ભારતના પાડોશી દેશોમાં ચૂંટણી ફંડિંગની સિસ્ટમ
પાકિસ્તાનમાં પાર્ટીઓ આ રીતે કમાય છે
પડોશી દેશ પાકિસ્તાનમાં રાજકીય પાર્ટીઓને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા ફંડફાળો આપી શકે છે. જોકે, દરેક નાણાવર્ષના અંતે 60 દિવસમાં જ પાર્ટીઓએ એક ઓડિટ રિપોર્ટ જમા કરાવવો પડે છે. પાકિસ્તાનમાં રાજકીય પાર્ટીઓની કમાણીનો સૌથી મોટો સ્રોત ચૂંટણી ટિકિટ છે. પાર્ટીઓ ટિકિટ વેચીને કમાણી કરે છે. પાકિસ્તાનમાં તાજેતરમાં જ સામાન્ય તેમ જ રાજ્ય ચૂંટણીઓ થઈ છે. પૂર્વ પીએમ નવાઝ શરીફની પાર્ટી પીએમએલ-એનએ સામાન્ય ચૂંટણીની ટિકિટની કિંમત બે લાખ અને રાજ્ય ચૂંટણીની ટિકિટની કિંમત એક લાખ પાકિસ્તાની રૂપિયા નક્કી રાખી હતી. આ નોન-રિફંડેબલ હોય છે, એટલે કે, જો ઉમેદવાર ચૂંટણી હારી જાય તો તેને તેના પૈસા પાછા નથી અપાતા. પાકિસ્તાનની ન્યૂઝ એજેન્સી અનુસાર, 2018ની ચૂંટણીમાં ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઇ ટિકિટ વેચીને લગભગ 48 કરોડ રૂપિયા કમાઈ હતી.
બાંગ્લાદેશમાં પાર્ટીઓ કઈ રીતે કમાય છે?
બાંગ્લાદેશમાં પણ રાજકીય પાર્ટીઓને દર વર્ષે 31 જુલાઈ સુધીમાં આગળના વર્ષનો ઓડિટ રિપોર્ટ જમા કરાવવો પડે છે. આ રિપોર્ટમાં પાર્ટીઓ પોતાની કમાણી અને ખર્ચનું વિવરણ આપે છે. અહીં રાજકીય પાર્ટીઓ નોમિનેશન ફોર્મ અને મેમ્બરશિપ ફોર્મ વેચીને સૌથી વધારે કમાણી કરે છે. તદ્ઉપરાંત, કમાણીના બીજા રસ્તા પણ છે.
બાંગ્લાદેશમાં ઘણા લાંબા અરસાથી વડાપ્રધાન શેખ હસીનાના નેતૃત્વવાળી આવામી લીગ પાર્ટી સત્તા પર છે. કમાણીની બાબતમાં આ પાર્ટી સૌથી આગળ છે. ચાલુ વર્ષના જાન્યુઆરીમાં બાંગ્લાદેશમાં સામાન્ય ચૂંટણી થઈ હતી. આ ચૂંટણી માટે ગયા વર્ષે ઓક્ટોબરથી જ આવામી લીગે નોમિનેશન ફોર્મનું વેચાણ શરૂ કરી દીધું હતું. એક ફોર્મની કિંમત 50 હજાર ટકા રાખવામાં આવી હતી. પહેલા જ દિવસે આવામી લીગે ફોર્મના વેચાણ દ્વારા 5.32 કરોડ ટકાની કમાણી કરી હતી.
અમેરિકા અને બ્રિટનમાં પાર્ટીઓ કઈ રીતે કમાણી કરે છે?
અમેરિકા
અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ સહિત બાકી બીજા પદોના ઉમેદવાર અને પાર્ટીઓ ચૂંટણીપ્રચાર માટે ફંડ એકત્ર કરી શકે છે. અહીં ઉમેદવારના ખર્ચ કોઈ મર્યાદા નથી.
અમેરિકામાં ડેમોક્રેટ અને રિપબ્લિકન, બે જ પાર્ટી છે. આ પાર્ટીઓ આમજનતા પાસેથી સીધા પૈસા મેળવી શકે છે. તદ્ઉપરાંત પાર્ટીઓની પોતાની કમિટીઓ પણ હોય છે, જે ફંડ એકત્ર કરે છે.
અમેરિકાના ચૂંટણી પંચના રિપોર્ટ અનુસાર, પહેલી જાન્યુઆરી 2019થી 31 ડિસેમ્બર 2020 દરમિયાન ડેમોક્રેટ અને રિપબ્લિકનના રાષ્ટ્રપ્રમુખ ઉમેદવારોએ 4.1 અબજ ડોલરનું ફંડ એકઠું કર્યું હતું. જ્યારે રાજકીય પાર્ટીઓની કમિટીઓએ 3.2 અબજ ડોલરની કમાણી કરી હતી. આ ઉપરાંત, દરેક રાજકીય પાર્ટીની કેટલીક પોલિટિકલ એક્શન કમિટીઓ પણ હોય છે, જે ફંડ એકઠું કરે છે. આ પોલિટિકલ એક્શન કમિટીઓએ 24 મહિનામાં 13.2 અબજ ડોલર એકઠા કર્યા હતા.
બ્રિટન
બ્રિટનમાં પણ રાજકીય પાર્ટીઓની કમાણીના ઘણા સ્રોત છે. પાર્ટીઓ આમજનતા પાસેથી તો સીધેસીધું ફંડ લઈ જ શકે છે, સાથે જ, ટ્રેડ યુનિયન અને મેમ્બરશિપ દ્વારા પણ ફંડ એકઠું કરી શકે છે. આ ઉપરાંત, કોર્પોરેટ ફાળાથી પણ પાર્ટીઓને કમાણી થાય છે.
બ્રિટનમાં કન્ઝર્વેટિવ અને લેબર એ બે મુખ્ય પાર્ટી છે. બ્રિટિશ અખબારના તાજા રિપોર્ટ અનુસાર, 2023માં બધી રાજકીય પાર્ટીઓને 9.3 કરોડ પાઉન્ડનો ફાળો મળ્યો હતો. જ્યારે 2022માં પાર્ટીઓને 5.2 કરોડ પાઉન્ડનો ફાળો મળ્યો હતો.
ચાલુ વર્ષે જ બ્રિટનમાં સામાન્ય ચૂંટણી છે. ચૂંટણીવર્ષ પહેલાં રાજકીય પાર્ટીઓને મળનારા ફાળામાં વૃદ્ધિ થવાથી એવું માનવામાં આવી રહ્યું છે કે આ અત્યાર સુધીની સૌથી મોંઘી ચૂંટણી હશે. બ્રિટશ ચૂંટણી પંચના રિપોર્ટ અનુસાર, સૌથી વધારે 4.45 કરોડ પાઉન્ડનો ફંડફાળો સત્તાધારી પાર્ટી કન્ઝર્વેટિવને મળ્યો છે, જ્યારે વિપક્ષી લેબર પાર્ટીને 2.16 કરોડ પાઉન્ડનો ફાળો મળ્યો છે.


