- લોકસભાની ચૂંટણીને લઇને AAPએ ઉતાર્યા ઉમેદવા
- દિલ્હીની 4,હરિયાણાની 1સીટ પર ઉમેદવારની જાહેરાત
- આપ પાર્ટીએ અગાઉ ગુજરાતની બે બેઠક પર જાહેર કર્યા હતા ઉમેદવાર
લોકસભાની ચૂંટણીને લઇને એક તરફ જોરશોરથી પ્રચાર પ્રસાર તો બીજી તરફ પક્ષપલટો અને ઉમેદવારોની જાહેરાત પણ થઇ રહી છે. પીએમ મોદીએ તિરુવનંતપુરમમાં સભા સંબોધી તો બીજી તરફ રાજ્યસભાની 3 રાજ્યોમાં ચૂંટણી યોજાઇ. તો ક્યાંક પક્ષપલટાના સમાચાર સામે આવી રહ્યા છે. તેવામાં દિલ્હીમાં આપ પાર્ટીએ 4 બેઠક અને હરિયાણાની એક બેઠક પર ઉમેદવારની જાહેરાત કરી છે.
દિલ્હીમાં 4 સીટ પર જાહેરાત
AAPએ દિલ્હીની 4 અને હરિયાણાની 1 લોકસભા બેઠક પર ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. નવી દિલ્હી સીટ પરથી સોમનાથ ભારતી, દક્ષિણ દિલ્હીથી સહીરામ, પશ્ચિમ દિલ્હીથી મહાબલ મિશ્રા અને પૂર્વ દિલ્હીથી કુલદીપ કુમારને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે રાજ્યસભા સાંસદ સુશીલ ગુપ્તાને હરિયાણાની કુરુક્ષેત્ર લોકસભા બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
કુલ 5 ઉમેદવારોની જાહેરાત
ઇન્ડિ ગઠબંધન હેઠળ આમ આદમી પાર્ટીએ દિલ્હી, હરિયાણા, ગુજરાત, પંજાબ અને આસામમાં ઉમેદવારો ઉભા રાખવાનો નિર્ણય કર્યો છે, આ અંતર્ગત પાર્ટીએ આજે દિલ્હીની ચાર વિધાનસભા બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, આ પહેલા ગુજરાતમાં પાર્ટીએ ભરૂચ અને ભાવનગર બેઠક પરથી લોકસભાના ઉમેદવારોના નામ પણ જાહેર કર્યા છે.
કોને ક્યાંથી મળી ટિકિટ ?
પૂર્વ દિલ્હી લોકસભા બેઠક
આમ આદમી પાર્ટીએ ચાર લોકસભા બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી. આમાં પૂર્વ દિલ્હી લોકસભા સીટ પરથી કુંડલીના ધારાસભ્ય કુલદીપ કુમારને તક આપવામાં આવી છે, જેઓ એસસી કેટેગરીમાં આવે છે. પાર્ટીનો દાવો છે કે દિલ્હીમાં આ પહેલીવાર છે જ્યારે સામાન્ય સીટ પરથી અનામત કેટેગરીના ઉમેદવારને ચૂંટણી લડાવવામાં આવી રહી છે..
નવી દિલ્હી બેઠક
બીજી તરફ માલવિયા નગરના ધારાસભ્ય સોમનાથ ભારતી નવી દિલ્હીથી ચૂંટણી લડશે, તેઓ જલ બોર્ડના ઉપાધ્યક્ષ છે અને દિલ્હી સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે.
દક્ષિણ દિલ્હી બેઠક
પાર્ટીએ સહી રામને દક્ષિણ દિલ્હીથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે, તેઓ સતત ત્રણ વખત તુગલકાબાદથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે, પાર્ટી અનુસાર, સહીરામે કાઉન્સિલરથી લઈને ધારાસભ્ય સુધી સતત લોકોની સેવા કરી છે.
પશ્ચિમ દિલ્હી બેઠક
આમ આદમી પાર્ટીએ પશ્ચિમ દિલ્હી બેઠક પરથી પૂર્વ સાંસદ મહાબલ મિશ્રાને મેદાનમાં ઉતાર્યા છે. મહાબલ મિશ્રા રાજકારણનો લાંબો અનુભવ ધરાવે છે.
હરિયાણામાં AAP પાર્ટી બતાવશે દમ
આમ આદમી પાર્ટીએ દિલ્હીની સાથે હરિયાણામાંથી પણ ઉમેદવારના નામની જાહેરાત કરી છે. હાલમાં પાર્ટીએ પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ રાજ્યસભા સાંસદ સુશીલ ગુપ્તાને કુરુક્ષેત્ર સીટ પરથી મેદાનમાં ઉતાર્યા છે. પાર્ટી અનુસાર, જે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે તેમને વિજયી બનાવવા પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.


