- બેઠકમાં 100થી વધુ બાર એસોસિએશનના હોદેદારો રહ્યા ઉપસ્થિત
- ગુજરાત બાર એસોસિએશન સામે પણ વકીલોનો આક્રોશ સામે આવ્યો
- વેરાવળ બાર એસોસિએશન પ્રમુખ દ્વારા ગુજરાત બાર એસોસિએશન પાસે હિસાબ માંગતા ફટકારવામાં આવી નોટિસ
સોમનાથ ખાતે ગુજરાત ભરના બાર એસોસિએશનના પ્રમુખ અને સેક્રેટરીની અગત્યની બેઠક મળી હતી. આ બેઠકમાં ગુજરાત એડવોકેટ ફાઉન્ડેશનની રચના કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ પહેલા પ્રથમ બેઠક નર્મદા, બીજી બેઠક અંબાજી અને હાલમાં ત્રીજી બેઠક સોમનાથ ખાતે મળી હતી. બેઠકની શરૂઆત પહેલા સોમનાથ ખાતે તમામ વકીલો દ્વારા સવારે સોમનાથ મહાદેવનું સામુહિક ધ્વજારોહણ કરાયુ હતું.
ગુજરાત બાર એસોસિએશનની નીતિ રીતિ સામે અલગ અલગ બાર એસોસિએશનના હોદ્દેદારોએ આક્રોશ વ્યક્ત કર્યો
તમને જણાવી દઈએ કે ગુજરાત બાર એસોસિએશનની નીતિ રીતિ સામે અલગ અલગ બાર એસોસિએશનના હોદ્દેદારોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને ગુજરાત બાર એસોસિએશન દ્વારા હિસાબ જાહેર કરવામાં આવતો નથી અને વેરાવળ બાર એસોસિએશનના પ્રમુખ સૂર્યકાન્ત સવાની દ્વારા હિસાબ માગવામાં આવતા ગુજરાત બાર એસોસિએશન દ્વારા નોટિસ ફટકારવામાં આવતા આ મુદ્દે વકીલોમાં આક્રોશ જોવા મળ્યો હતો.
તમામ બાર એસોસિએશન ગુજરાત બાર એસોસિએશનને એકસાથે પત્ર પણ લખશે
ગુજરાત બાર એસોસિએશન વેરાવળ બાર એસોસિએશનના પ્રમુખ સૂર્યકાન્ત સવાનીને આપેલી નોટિસ પરત ખેંચે તેમજ દરેક બાર એસોસિએશન ગુજરાત બાર એસોસિએશન પાસે હિસાબ માંગશે તેવો નિર્ણય કરાયો હતો. આ સિવાય પણ તાત્કાલિક અસરથી નોટિસ પાછી ખેંચવા તમામ બાર એસોસિએશન ગુજરાત બાર એસોસિએશનને એકસાથે પત્ર પણ લખશે.
વકીલો પર વધતા જતા હિંસક હુમલાઓ મુદ્દે એડવોકેટ પ્રોટેક્શન બિલ લાવવાની માગ કરાશે
આ ઉપરાંત વકીલ મિત્રો પર વધતા જતા હિંસક હુમલાઓ મુદ્દે એડવોકેટ પ્રોટેક્શન બિલ લાવવા સરકાર સમક્ષ છેલ્લા ઘણા સમયથી માંગ ઉઠી રહી છે, ત્યારે આ કાયદો સત્વરે પસાર થાય તે મુદ્દે સરકારમાં રજુઆત કરવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો હતો સાથે જ નવા જાહેર કરાયેલા કાયદા મુદ્દે પણ વિરોધ દર્શાવવામાં આવ્યો હતો અને સરકારના નવા કાયદા વકીલ વિરોધી હોવાનો સુર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ત્યારે આ સમગ્ર મુદ્દે અમદાવાદના સિનિયર એડવોકેટ બ્રિજેશ ત્રિવેદીએ ગુજરાત બાર એસોસિએશન પર આકરા પ્રહાર કર્યા હતા. આ સાથે જ તમને જણાવી દઈએ કે ગુજરાત એડવોકેટ ફાઉન્ડેશનની ચોથી બેઠક આગામી દિવસોમાં નડિયાદ ખાતે યોજાશે. ત્યારે પણ અનેક મુદ્દે ચર્ચા કરવામાં આવશે.


