મહાદેવને શિશ નમાવી વિશેષ પૂજા-અર્ચન કરી ધન્યતા અનુભવતા વડાપ્રધાન
સોમનાથ ભારતની અડગ આસ્થા, સ્વાભિમાન અને સાંસ્કૃતિક ચેતનાનું પ્રતિક છે : પ્રધાનમંત્રી
સ્વાભિમાન પર્વમાં પીએમ મોદીએ અજેય ભારતીય સાંસ્કૃતિક મૂલ્યોનો પ્રચંડ જયઘોષ કર્યા : શૌર્યયાત્રામાં ૧૦૮ અશ્વો શૌર્યતાનું પ્રતિક બન્યા : ડ્રોન નજારાએ ભવ્યતા કંડારી લોકોને મંત્રમુગ્ધ કર્યા : PMએ ડમરૂ વગાડતા ઋષિકુમારોનો શંખનાદ ગુંજી ઉઠયો
અગ્ર ગુજરાત, ગીર સોમનાથ
સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ભગવાન સોમનાથ મહાદેવની વિધિવિધાન પૂર્વક પૂજા-અર્ચના કરી હતી. તે પૂર્વે શૌર્ય યાત્રા યોજી હતી. સોમનાથ મંદિરના રક્ષણ માટે શહીદી વ્હોરનારા વીર હમીરજી અને ભગ્ન મંદિરના પુનરોત્થાન કરાવનારા સરદાર પટેલને પટાંગણમાં આવેલી તેમની પ્રતિમા સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. બાદમાં સભા સ્થળે પહોંચ્યા હતા.

સોમનાથ મંદિર પર વિધર્મી આક્રાંતાઓ થયેલા હુમલાને એક હજાર વર્ષ અનુસંધાને યોજાયેલા સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીમાં પધારેલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જય સોમનાથના જયઘોષ સાથે સભા સંબોધતા જણાવ્યું હતું કે પાછલા એક હજાર વર્ષ આગામી દશકો સુધી ભારતનું ભવિષ્ય ઘડવાની શીખ આપે છે. સોમનાથ મંદિર માત્ર એક ધાર્મિક કેન્દ્ર નથી પરંતુ ભારતની અડગ આસ્થા, સ્વાભિમાન અને સાંસ્કૃતિક ચેતનાનું પ્રતીક છે. સોમનાથનો ઇતિહાસ ભૂલવાનો પ્રયાસ થયો હતો. તેનો ઇતિહાસ વિનાશ અને પરાજયનો ઇતિહાસ નથી, પરંતુ વિજય અને પુનઃનિર્માણનો ઇતિહાસ છે. સોમનાથ મંદિર પર થયેલા હુમલાથી બોધ મળે છે કે તલવારની ધાર ઉપર કોઈના હૃદય જીતી શકાતા નથી. જો સભ્યતા બીજાને કચડીને આગળ વધવા માંગતી હોય તો તે પોતે જ સમયના કાળખંડમાં ખોવાઈ જાય છે.

વધુમાં પીએમ મોદીએ જણાવેલ કે, સોમનાથ સ્વાભિમાન પર્વ વિનાશના સ્મરણ માટે નહીં, પરંતુ હજારો વર્ષની અડગ યાત્રા અને પુનર્નિર્માણની પરંપરાનો ઉત્સવ છે. જેમ સોમનાથ પર વારંવાર આક્રમણો થયા, તેમ ભારત પર પણ વિદેશી આક્રમણકારો દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવ્યા, છતાં ન તો સોમનાથ નષ્ટ થયું અને ન તો ભારત, કારણ કે ભારતની આત્મા અને તેની આસ્થાના કેન્દ્રો અવિનાશી છે. સોમનાથનો ઈતિહાસ પરાજયનો નહીં પરંતુ વિજય, ધૈર્ય, ત્યાગ અને પુનર્નિર્માણનો ઈતિહાસ છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે આટલી સદીઓની અડગ આસ્થા અને સંસ્કૃતિ પર વિશ્વના ઈતિહાસમાં વિરલ ઉદાહરણો જ મળે છે અને આવનારી પેઢીઓએ આ વિરાસતને ગૌરવ સાથે આગળ વધારવી એ આપણું કર્તવ્ય છે. સોમનાથ મંદિર પર ગઝનવીથી લઈને ઔરંગઝેબ સુધી અનેક આક્રમણકારોએ હુમલા કર્યા, પરંતુ તેઓ સનાતન પરંપરાની મૂળ આત્માને સમજી શક્યા નહોતા. તેમણે કહ્યું હતું કે ‘સોમનાથ’ નામમાં જ ‘સોમ’ એટલે અમૃતનો ભાવ સમાવાયેલો છે અને અહીં સ્થિત મહાદેવ ચૈતન્ય, કલ્યાણકારી તથા અવિનાશી શક્તિનું પ્રતિક છે.
“સોમનાથ સ્વાભિમાન પર્વ”ના પાવન અવસરે સોમનાથ મહાદેવને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિશેષ પાઘ અર્પણ કરવામાં આવી. આ પાઘ માત્ર એક ધાર્મિક અર્પણ નથી, પરંતુ ભારતીય સ્વાભિમાન, સાંસ્કૃતિક ગૌરવ અને સ્ત્રી શક્તિના ઉત્કૃષ્ટ સંકલ્પનું પ્રતિબિંબ છે. સોમનાથમાં શિવપૂજાની અખંડ પરંપરા જાળવવા માટે ભગીરથ પ્રયાસ કરનાર પુણ્યશ્લોક મહારાણી અહલ્યાબાઈ હોલ્કરને સ્મરણાંજલિ સ્વરૂપે વિશેષ રીતે તૈયાર કરાયેલ મરાઠી પાઘ સોમનાથ મહાદેવને પૂજા કરીને અર્પણ કરવામાં આવી હતી. મહારાણી અહલ્યાબાઈ હોલ્કર ભારતીય સ્ત્રી શક્તિ, ધૈર્ય અને સામર્થ્યનું શાશ્વત આદર્શ રહી છે. સ્વાભિમાન પર્વની ઉજવણી અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી શોર્ય યાત્રામાં સહભાગી થઈ ખુલ્લી જીપમાં હજારો શિવભકતો અને દેશભરના પ્રવાસીઓનું અભિવાદન ઝીલ્યું હતું.
સોમનાથના શંખ સર્કલથી શરૂ થયેલી શોર્ય યાત્રામાં વડાપ્રધાને પ્રારંભે શિવનું પ્રિય વાદ્ય ડમરું લઈ શિવભક્તોનો ઉત્સાહ વધાર્યો હતો. તો હર હર મહાદેવ જય સોમનાથ ભારત કી જય અને મોદી મોદીના નાદ વચ્ચે ઋષિ કુમારોનો શંખનાદ, વૈદિક મંત્રોચ્ચાર ઉપરાંત કાશ્મીરથી કન્યાકુમારી સુધી ભારતના વિવિધ રાજ્યોના કલાકારોએ 20 થી વધુ પ્લેટફોર્મ પર ભારતની પ્રાચીન અને સમૃદ્ધ કલા વારસાને ઉજાગર કરતી સાંસ્કૃતિક કૃતિઓ – નૃત્ય રજૂ કરી યાત્રાને ઐતિહાસિક અને દિવ્ય બનાવી દીધાની અનુભૂતિ લોકોએ કરી હતી. આ શોર્યયાત્રા એક ભારત શ્રેષ્ઠ ભારતનું પણ પ્રતીક બની હતી. જ્યારે યાત્રામાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, મંત્રી જીતુભાઈ વાઘાણી પીએમ સાથે ખુલ્લી જીપમાં સહભાગી થયા હતા.
પ્રભાસક્ષેત્રની પુણ્યભૂમિ પર શંખ સર્કલ થી શરૂ થયેલી ‘શોર્યયાત્રા’ ની આગેવાની શૌર્યના પ્રતિક સમા ઘોડા પર કેસરી સાફામાં સજ્જ અને હાથમાં કેસરી ધ્વજ લહેરાવતા 108 જેટલા અશ્વસવારોએ લીધી હતી. જેમ સોમનાથની સખાતે નીકળેલાં હમીરસિંહ ગોહિલની અશ્વ પરની પ્રતિમા સોમનાથની સાંસ્કૃતિક ભવ્ય વિરાસતને અખંડ – અજેય અને શાશ્વતતાના પ્રતિક સાથે યુવા પેઢીને પ્રેરણા આપે છે. એ જ રીતે 108 જેટલા અશ્વસવારો એ હાથમાં કેસરિયો ધ્વજ લહેરાવી સનાતન સંસ્કૃતિનો સંદેશ આપ્યો હતો. આ અશ્વયાત્રા ડીઆઈજી આર.વી. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ નિકળી હતી.


