સોની કામ સાથે સંકળાયેલા રાજકોટ-ગોંડલના સાત શખ્સો સાસણમાં જુગાર રમતા ઝડપાયા
ગીર પ્રાઇડ રિસોર્ટમાં LCBની રેડ : ૧3.૫૨ લાખનો મુદામાલ જપ્ત કરાયો
અગ્ર ગુજરાત, રાજકોટ
LCBને ખાનગી રાહે બાતમી મળી હતી કે ગોંડલનો વતની સંજય વડનગરા સાસણના ‘ગીર પ્રાઈડ રિસોર્ટ’માં પોતાના નામે રૂમ બુક કરાવીને બહારથી માણસો બોલાવી જુગાર રમાડી રહ્યો છે. બાતમીના આધારે જ્યારે પોલીસે રિસોર્ટના રૂમમાં દરોડો પાડ્યો, ત્યારે ત્યાં ગંજીપતાના પાના વડે ‘તીન-પત્તી’નો જુગાર રમતા સાત શખ્સો મળી આવ્યા હતા. નવાઈની વાત એ છે કે, પકડાયેલા મોટાભાગના શખ્સો ગોંડલ અને રાજકોટના પ્રતિષ્ઠિત સોની કામના વ્યવસાય સાથે સંકળાયેલા છે.
આ શખ્સોમાં સંજય વડનગરા, રોહિત રાજપરા, મનોજ રાજપરા, જીગ્નેશ રાજપરા, હિતેશ કાતરોળીયા, તુષાર લાઠીગરા અને નિલેશ કાતરોળીયાનો સમાવેશ થાય છે. આ તમામ લોકો પોતાના આર્થિક ફાયદા માટે નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવતા હતા.
પોલીસની આ સફળ રેડ દરમિયાન સ્થળ પરથી રોકડા રૂપિયા 42,340 મળી આવ્યા હતા. આ ઉપરાંત, જુગારની રમતમાં ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિકના 448 ટોકન પણ જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસની તપાસમાં જુગારીઓ પાસેથી 7 મોંઘાદાટ મોબાઈલ ફોન જેની કિંમત અંદાજે 2.10 લાખ રૂપિયા થાય છે અને બે લક્ઝરી ફોર-વ્હીલર કાર જેની કિંમત અંદાજે 11 લાખ રૂપિયા આંકવામાં આવી છે, તે પણ કબજે લેવામાં આવી છે. આમ, કુલ મળીને 13,52,340 રૂપિયાનો મુદ્દામાલ પોલીસ હસ્તક લેવામાં આવ્યો છે. આ તમામ શખ્સો સામે મેંદરડા પોલીસ સ્ટેશનમાં જુગાર ધારાની કલમ 4 અને 5 મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ કેસે સાસણના પર્યટન ઉદ્યોગમાં ચાલતી કાળી બાજુને ઉજાગર કરી છે. જ્યારે સામાન્ય જનતા સાસણમાં સિંહ દર્શન અને પ્રકૃતિનો આનંદ માણવા આવતી હોય છે, ત્યારે આવા લેભાગુ તત્વો રિસોર્ટ્સના એસી રૂમોમાં બેસીને કાયદાની ઐસીતૈસી કરી જુગારના અખાડા ચલાવે છે. આ દરોડા બાદ પોલીસ હવે તે દિશામાં પણ તપાસ કરી રહી છે કે શું રિસોર્ટના સંચાલકોની પણ આમાં કોઈ સંડોવણી છે કે કેમ? સાસણ જેવા સંવેદનશીલ વિસ્તારમાં, જ્યાં વન્યપ્રાણીઓનું રક્ષણ મહત્વનું છે, ત્યાં આવી પ્રવૃત્તિઓથી આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. પોલીસની આ કડક કાર્યવાહીને પગલે હવે જુગારીઓમાં ફફડાટ ફેલાયો છે અને આગામી સમયમાં અન્ય રિસોર્ટ્સ પર પણ તવાઈ આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.


