જ્યારે તમે સુંદર પર્વત, સુંદર સૂર્યાસ્ત, સંમોહક સ્મિત, સંમોહક ચહેરો, ચક્તિ કરી દે તેવી કોઈ હકીકત જુઓ ત્યારે તમે શાંત થઈ જાઓ છો. શું તમારી સાથે એવું ક્યારેય નથી થયું? ત્યારે તમને સમગ્ર વિશ્વને બાથમાં લેવા જેવું લાગે છે, પરંતુ એ તો તમારા મનમાં બહારથી કંઈક આવે છે, પરંતુ હું જે મન ચકિત નથી થતું, પરંતુ જે જોવા ઈચ્છે છે, નિરીક્ષણ કરવા ઈચ્છે છે, ત્યારે શું તમે પૂર્વ સંસ્કારોનાં બંધનોના બધા તરંગો વગર નિરીક્ષણ કરી શકો? દુ:ખમાં ડૂબેલી વ્યક્તિને હું શબ્દોથી સમજાવું છું કે દુ:ખ અનિવાર્ય છે, દુ:ખ ઈચ્છાની અપૂર્તિનું કારણ છે.
જ્યારે બધા જ ખુલાસા સંપૂર્ણપણે અટકી જાય, ત્યારે જ તમે જોઈ શકો. એનો અર્થ એ છે કે તમે ત્યારે કોઈ કેન્દ્રથી નથી જોઈ રહ્યા. જ્યારે તમે કોઈ કેન્દ્રથી જુઓ છો ત્યારે જોવાની તમારી ક્ષમતા કુંઠિત, મર્યાદિત થઈ જાય છે. જો હું કોઈ હોદ્દો ધરાવતો હોઉં અને તે હોદ્દા ઉપર જ રહેવા માંગતો હોઉં તો તેમાં તાણ છે, તેમાં પીડા છે. જ્યારે હું દુ:ખને કેન્દ્રથી જોઉં તો તેમાં દુ:ખ હોય છે. નિરીક્ષણ કરવાની અધૂરી ક્ષમતાથી પીડા થાય છે. જો હું કોઈ કેન્દ્રથી વિચારું, કાર્ય કરું કે જોઉં તો હું નિરીક્ષણ નહીં કરી શકું, એ જ રીતે જ્યારે હું એમ કહું, `મને પીડા થવી જ ન જોઈએ. હું શા માટે દુ:ખી થાઉં છું તે મારે શોધી કાઢવું જોઈએ, મારે ભાગી જવું જોઈએ.’ જ્યારે હું કોઈ કેન્દ્રથી નિરીક્ષણ કરતો હોઉં, ભલે પછી તે કેન્દ્ર કોઈ નિષ્કર્ષ, સારાંશ, તારણ, કોઈ ખ્યાલ, આશા, હતાશા અથવા બીજું કંઈ પણ હોય, તે નિરીક્ષણ બહુ જ મર્યાદિત હોય છે, બહુ સાંકડું, બહુ જ નાનું હોય છે અને તે દુ:ખને નોતરે છે.
બધાં જ પરિમાણની પેલે પાર રહેલી અસીમતા
જ્યારે કોઈનું મૃત્યુ થાય ત્યારે તમે કોઈને ગુમાવી બેસો છો, ત્યારે શું થાય છે? તમારી તત્ક્ષણ થતી પ્રતિક્રિયા તમે લક્વાગ્રસ્ત થઈ ગયા હો તેવી હોય છે અને જ્યારે તેમ આઘાતની એ અવસ્થામાંથી બહાર આવો ત્યારે દુ:ખની લાગણી અનુભવો છો. હવે આ દુ:ખ શબ્દનો શો અર્થ થાય છે? સાથ, સંગાથ, આનંદ થાય તેવા શબ્દો, ટહેલવું, ઘણી આનંદદાયક બાબતો તમે તેની સાથે માણી અને સાથે મળીને કરવાની જે આશાઓ ધરાવી હતી એ બધું જ પળભરમાં છીનવાઈ જાય છે અને તમે ખાલી, અનાવૃત્ત અને એકાકી રહી જાઓ છો. આ એ જ છે જેનો તમને વાંધો છે, આ એ જ છે જેની સામે મન બળવો પોકારે છે. અચાનક તમને તમારા જ ભરોસે છોડી દેવામાં આવે છે, સાવ એકાકી, ખાલીખમ, કોઈપણ આધાર વગર. ખાલીપાને ભરવાના પ્રયત્ન જેવું કોઈ વલણ દર્શાવતું નથી અને જ્યારે આ રીતે બધાં જ દુ:ખનો અંત આવી જાય ત્યારે તમે બીજી કોઈ યાત્રાએ નીકળી ગયા હશો, એવી યાત્રાએ કે જેનો અંત કે આરંભ નથી. તેમાં એક અમાપ વિશાળતા છે, પરંતુ તમે સંભવત: દુ:ખનો સંપૂર્ણ અંત લાવ્યા વગર એ વિશ્વમાં પ્રવેશી ન શકો.