એક વ્યક્તિ તરીકે તમારું દુ:ખ શું મારા દુ:ખથી અથવા એશિયામાં, અમેરિકામાં કે રશિયામાં રહેલી વ્યક્તિના દુ:ખથી જુદું છે? એવું બને કે જે તે વ્યક્તિના સંજોગો, પ્રસંગો કદાચ જુદા હોય, પરંતુ મૂળમાં બીજા માણસનું દુ:ખ મારા કે તમારા દુ:ખ જેવું જ છે, શું એવું નથી? દુ:ખ દુ:ખ છે, એ ચોક્કસ છે કે તે માત્ર તમારું કે મારું નથી.
ખુશી પણ તમારી ખુશી કે મારી ખુશી નથી, તે ખુશી છે. જ્યારે તમને ભૂખ લાગે છે ત્યારે તે માત્ર તમારી જ ભૂખ નથી, તે સમગ્ર એશિયાની ભૂખ છે, જ્યારે તમે તમારી મહત્ત્વાકાંક્ષા દ્વારા દોરવાઓ છો, જ્યારે તમે નિર્દય બનો છો ત્યારે એ જ નિર્દયતા રાજકારણીને દોરે છે, સત્તા પર રહેલા માણસને દોરે છે, ભલે પછી તે એશિયામાં, અમેરિકામાં કે રશિયામાં રહેતી વ્યક્તિ હોય.
તમે જુઓ છો કે આપણે તેનો જ તો વિરોધ કરીએ છીએ. આપણે એ નથી જોતા કે આપણે સહુ જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં જકડાયેલા હોવા છતાં, એક જ માનવજાત છીએ. જ્યારે તમે કોઈને પ્રેમ કરો છો ત્યારે તે તમારો પ્રેમ નથી, જો એવું હોય તો તે આપખુદ, માલિકી હક ધરાવતો, ઈર્ષ્યાળુ, ચિંતાતુર અને પાશવી બની જાય. દુ:ખ દુ:ખ છે તે તમારું કે મારું નથી. હું તેને વ્યક્તિગત ભાવના વગરનું નથી બનાવી રહ્યો, હું તેને કોઈ અમૃત કલ્પના નથી બનાવી રહ્યો. જ્યારે કોઈ દુ:ખી થાય છે ત્યારે માનવજાત દુ:ખી થાય છે. જે આપણે સહુ ભોગવીએ છીએ તે દુ:ખને સમજવા માટે, તેમાં પ્રવેશ કરવા માટે પુષ્કળ પ્રમાણમાં પ્રખર પ્રજ્ઞા અને અંતદૃષ્ટિની જરૂર પડે છે અને આ દુ:ખનો અંત લાવવામાં આવે તો તેથી સ્વાભાવિકપણે શાંતિ સ્થપાય, માત્ર ભીતર જ નહીં બહાર પણ શાંતિ સ્થપાય.
શા માટે હું અન્ય માણસના દુ:ખ તરફ બેપરવા છું અથવા શા માટે તમે અન્ય માણસના દુ:ખ તરફ બેપરવા છો? શા માટે આપણે ભારે બોજ ઉઠાવતા મજૂર પ્રત્યે બેધ્યાન સેવીએ છીએ? શા માટે આપણે આટલા બધા બેપરવા છીએ? તે સમજવા માટે દુ:ખ આપણને શા માટે ઉદાસ બનાવે છે તે સમજવું રહ્યું. ચોક્કસપણે એ દુ:ખ જ છે કે જે આપણને બેપરવા કરી દે છે, કારણ કે આપણે દુ:ખને સમજતા નથી, તેથી આપણે તેના પ્રત્યે ઉદાસીન થઈ જઈએ છીએ. જો હું દુ:ખને સમજું, તો હું દુ:ખ પ્રત્યે સંવેદનશીલ બની જાઉં છું, માત્ર મારા પોતાના પ્રત્યે જ નહીં, પરંતુ બધી વસ્તુઓ પ્રત્યે હું જાગૃત થઈ જાઉં છું. મારી પત્ની પ્રત્યે, મારાં બાળકો પ્રત્યે, પ્રાણી પ્રત્યે, ભિક્ષુક પ્રત્યે, સહુ પ્રત્યે હું જાગૃત થઈ જાઉં છું, પણ આપણે દુ:ખને સમજવા માગતા નથી અને દુ:ખથી પલાયનતા આપણને બેપરવા બનાવે છે, તેથી આપણે ઉદાસીન બની જઈએ છીએ. સાહેબ, મુદ્દો એ છે કે જ્યારે દુ:ખને સમજવામાં ન આવે ત્યારે તે સ્થિતિ મન અને હૃદયને નિષ્ક્રિય (મંદ) કરે છે અને આપણે દુ:ખને એટલા માટે નથી સમજવા માંગતા કે આપણે તેનાથી ભાગી છૂટવા ઈચ્છીએ છીએ. આપણે ગુરુ દ્વારા, તારણહાર દ્વારા, મંત્રો દ્વારા, પુનર્જન્મ દ્વારા, કલ્પના દ્વારા, કેફી પીણાં દ્વારા અને બીજા પ્રકારનાં વ્યસનો દ્વારા દુ:ખથી ભાગીએ છીએ. એ જ આપણી અણસમજ છે.