ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને બીસીસીઆઈના ભૂતપૂર્વ પ્રમુખ સૌરવ ગાંગુલી કાર અકસ્માતમાં માંડ માંડ બચ્યા છે. આ અકસ્માત બર્ધમાન પાસે થયો હતો. અચાનક એક લારી તેમની કારને ઓવરટેક કરતી વખતે આ અકસ્માત થયો, હતો. પરંતુ સદ્દનસીબે સૌરવ ગાંગુલીને કોઈ ઈજા થઈ ન હતી. ગાંગુલીના કાફલામાં રહેલી બે કારને થોડું નુકસાન થયું હતું. આ ઘટનાની જાણ થતા તપાસ શરુ કરાઇ હતી.
ભૂતપૂર્વ કેપ્ટનનો અકસ્માતમાં આબાદ બચાવ
સૌરવ ગાંગુલીની કાર દુર્ગાપુર એક્સપ્રેસ વે પરથી પસાર થઈ રહી હતી અને આ અકસ્માત દંતનપુરમાં થયો હતો. દંતનપુર નજીક, એક લારી અચાનક ગાંગુલીના કાફલાને ઓવરટેક કરી ગઈ, જેના કારણે કાર ચાલકે અચાનક બ્રેક લગાવવી પડી. આનાથી અકસ્માત સર્જાયો હતો. સૌરવ ગાંગુલીના વાહન પાછળની કાર એકબીજા સાથે અથડાઈ અને તેમાંથી એક કાર ગાંગુલીની કારને ટક્કર મારી હતી.
સદનસીબે, અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી. જોકે, ગાંગુલીના કાફલામાં રહેલી બે કારને થોડું નુકસાન થયું હતું. ગાંગુલીને બર્ધમાન યુનિવર્સિટી જવા માટે લગભગ 10 મિનિટ રસ્તા પર રાહ જોવી પડી. જોકે, આ અકસ્માત છતાં તેમણે સમારંભમાં હાજરી આપી. તેમણે આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને મહાનુભાવો સાથે વાતચીત કરી અને ભારતીય ક્રિકેટના ભવિષ્ય અંગે ચર્ચા કરી હતી. પોતાના શાંત વર્તન અને નેતૃત્વ માટે જાણીતા, ગાંગુલીએ પરિસ્થિતિને સંતુલનથી સંભાળી હતી.


