- સૌરવ ગાંગુલીની બાયોપિકને લઈને જોરશોરથી ચર્ચાઓ
- આયુષ્માન ખુરાના સૌરવ ગાંગુલીની ભૂમિકામાં જોવા મળશે
- હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન સૌરવ ગાંગુલીની બાયોપિકને લઈને ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. હવે મીડિયા રિપોર્ટ્સમાં ખુલાસો થયો છે કે બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાના ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીની ભૂમિકામાં જોવા મળશે. દાદાની બાયોપિક ઘણા સમયથી ચર્ચામાં છે. ક્રિકેટરો પર બનેલી ફિલ્મો બહોળા પ્રમાણમાં જોવામાં આવે છે. પીપિંગ મૂનના અહેવાલ મુજબ, સૌરવ ગાંગુલી પરની ફિલ્મ માટે આયુષ્માન ખુરાનાને સાઈન કરવામાં આવ્યો છે. જો કે હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
ગાંગુલીના રોલમાં દેખાશે આયુષ્માન
રિપોર્ટ અનુસાર, ઘટના સાથે જોડાયેલા એક સૂત્રએ જણાવ્યું કે આયુષ્માન પણ ગાંગુલીની જેમ ડાબોડી બેટ્સમેન છે, જેના કારણે તે આ ભૂમિકા માટે ફિટ છે. સૂત્રએ વધુમાં જણાવ્યું હતું કે ટૂંક સમયમાં જ આ ફિલ્મની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. જોકે, આયુષ્માન ગયા વર્ષથી આ ફિલ્મને લઈને ચર્ચામાં હતો અને તે ફિલ્મના નિર્માતાની પહેલી પસંદ હતો. રિપોર્ટમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે આયુષ્માન ટૂંક સમયમાં ફિલ્મની તૈયારી શરૂ કરશે. જો કે, ફિલ્મના શુટિંગ પહેલા તેણે કેટલાક મહિનાઓની સખત ક્રિકેટની તાલીમ લેવી પડશે.
ગાંગુલીનુ કરિયર
ગાંગુલીની કારકિર્દીની વાત કરીએ તો તે બેટ્સમેન હોવા ઉપરાંત ભારત માટે એક સારો કેપ્ટન પણ હતો. જો કે તેની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયા આઈસીસીની કોઈ ટ્રોફી જીતી શકી નથી. ભૂતપૂર્વ ખેલાડીએ 1992 થી 2008 વચ્ચે ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી હતી. ગાંગુલીએ પોતાની કારકિર્દીમાં 113 ટેસ્ટ અને 311 વનડે મેચ રમી હતી.
ગાંગુલીએ ટેસ્ટની 188 ઇનિંગ્સમાં 42.17ની એવરેજથી 7212 રન બનાવ્યા હતા. આ સમયગાળા દરમિયાન, તેણે 16 સદી અને 35 અડધી સદી ફટકારી હતી, જેમાં તેનો ઉચ્ચ સ્કોર 239 રન હતો. આ સિવાય ટેસ્ટમાં બોલિંગ કરતી વખતે ગાંગુલીએ 52.53ની એવરેજથી 32 વિકેટ ઝડપી હતી. ODIની 300 ઇનિંગ્સમાં બેટિંગ કરતી વખતે તેણે 41.02ની એવરેજથી 11363 રન બનાવ્યા હતા. આ સમયગાળા દરમિયાન, તેણે 22 સદી અને 72 અડધી સદી ફટકારી હતી, જેમાં તેનો ઉચ્ચ સ્કોર 183 રન હતો. આ સિવાય બોલિંગ કરતી વખતે દાદાએ 38.49ની એવરેજથી 100 વિકેટ લીધી હતી.


