દક્ષિણ આફ્રિકામાં જોહાનિસબર્ગ નજીક આવેલા બેકર્સડલ ટાઉનશિપમાં અજાણ્યા બંદૂકધારીઓએ અંધાધૂંધ ગોળીબારી કરી 11 લોકોની હત્યા કરી. જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જણાવાયું છે. આ મહિનામાં દેશમાં આ બીજી મોટી ગોળીબારીની ઘટના છે, જેને કારણે સ્થાનિક લોકો અને અધિકારીઓમાં ભય અને ચિંતા ફેલાઈ છે.
શા માટે થયો હુમલો?
ગૌટેંગ પ્રાંતની પોલીસે જણાવ્યું કે હુમલો અચાનક થયો હતો અને તેનો હેતુ સ્પષ્ટ નથી. પોલીસ મુજબ કેટલાક પીડિતોને રસ્તા પર જ બેફામ રીતે ગોળી મારવામાં આવી. પોલીસ પ્રવક્તા બ્રિગેડિયર બ્રેન્ડા મુરિડિલીએ મીડિયાને જણાવ્યું કે આ હુમલામાં કુલ 11 લોકોના મોત થયા છે. હાલ તેમની ઓળખ અને વિગતો જાહેર કરવામાં આવી નથી.
ક્યાં થયો હુમલો?
આ ગોળીબારી બેકર્સડલના એક ટાવર્ન અથવા અનૌપચારિક બાર પાસે થઈ હતી, જે વિસ્તાર ગેરકાયદે દારૂ વેચવા માટે જાણીતો છે. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા. પોલીસે કહ્યું કે અજાણ્યા બંદૂકધારીઓ ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયા છે અને હજી સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.
દક્ષિણ આફ્રિકામાં વધતી હિંસા
દક્ષિણ આફ્રિકામાં ગોળીબારીની આ ઘટના એક ગંભીર સામાજિક સમસ્યાને ઉજાગર કરે છે. દેશમાં ગુનાખોરીનો દર ખૂબ ઊંચો છે અને હત્યાનો દર વિશ્વમાં સૌથી વધારે માનવામાં આવે છે. 6 ડિસેમ્બરે પ્રિટોરિયામાં થયેલી ગોળીબારીમાં પણ 12 લોકોનાં મોત થયા હતા, જેમાં એક 3 વર્ષનું બાળક પણ સામેલ હતું. અને આજે ફરી એક વખત ફાયરિંગની ઘટનાથી લોકો હચમચી ગયા છે.


