- ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે વર્લ્ડ કપની બીજી સેમિફાઇનલ
- 1999 તથા 2007ની સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકાને પરાજય આપ્યો હતો
- આફ્રિકન બેટ્સમેનોને કાબૂમાં રાખવા ઓસ્ટ્રેલિયન બોલર્સે મહેનત કરવી પડશે
ઐતિહાસિક ઇડન ગાર્ડન્સ ખાતે 16મી નવેમ્બર ગુરુવારે પાંચ વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે વર્તમાન આઇસીસી વર્લ્ડ કપની બીજી સેમિફાઇનલ રમાશે. સાઉથ આફ્રિકા 16 વર્ષના લાંબા ગાળા બાદ ઓસ્ટ્રેલિયા સામે નોકઆઉટ મુકાબલો રમાશે. અગાઉ 1999 તથા 2007ની સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકાને પરાજય આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ 1999માં જ્યારે સાઉથ આફ્રિકન ટીમને હરાવી હતી ત્યારે રાસી વાન ડેર ડુસૈન દસ વર્ષનો તથા એન્ડીલ ફેલુકવાયો માત્ર ત્રણ વર્ષનો હતો અને ગેરાલ્ડ કોએત્ઝીનો તો જન્મ પણ થયો નહોતો. આ ત્રણેય ખેલાડીઓ અત્યારે આફ્રિકન ટીમના સભ્ય છે. બીજી સેમિફાઇનલ બપોરે 2:00 વાગ્યે શરૂ થશે.
બેટિંગ આફ્રિકન ટીમ માટે સકારાત્મક પાસું
કારકિર્દીનો છેલ્લો વર્લ્ડ કપ રમીને ક્રિકેટને અલવિદા કરનાર ઓપનર ક્વિન્ટન ડી કોક નવ મેચમાં 65.66ની એવરેજથી 591 રન બનાવી ચૂક્યો છે અને તે હાઇએસ્ટ રન સ્કોરરમાં બીજા ક્રમે છે. આ ઉપરાંત રાસી વાન ડેર ડુસૈન 422 તથા એડન માર્કરામ 396 રન બનાવી ચૂક્યો છે. સાઉથ આફ્રિકન સુકાની ટેમ્બા બાવુમાનું ફોર્મ ચિંતાજનક છે અને તેની પાસેથી નોકઆઉટમાં કેપ્ટન ઇનિંગની આશા રાખવામાં આવશે. મિડલ ઓર્ડરને ડેવિડ મિલર, હેનરિચ ક્લાસેન તથા કેશવ મહારાજ મજબૂત બનાવી રહ્યા છે. નીચલી હરોળમાં એન્ડીલ ફેલુકવાયો ઉપયોગી રન બનાવી શકે છે. આફ્રિકન બેટ્સમેનોને કાબૂમાં રાખવા ઓસ્ટ્રેલિયન બોલર્સે મહેનત કરવી પડશે.
ઓસ્ટ્રેલિયન બેટિંગ મજબૂત જણાય છે
મિચેલ માર્શ, ડેવિડ વોર્નર, લાબુશેન સહિત કેટલાક ટોચના બેટ્સમેનો મોટી ઇનિંગ રમવાની ક્ષમતા ધરાવે છે. ધીમી શરૂઆત કરનાર વોર્નરે અંત ભાગમાં શાનદાર ફોર્મ હાંસલ કરી લીધું છે અને તેણે નવ મેચમાં 499 રન બનાવ્યા છે. માર્શ આઠ મેચમાં 426 રન બનાવી ચૂક્યો છે. ટૂર્નામેન્ટના ટોપ-5 બેસ્ટ સ્કોરમાં ઓસ્ટ્રેલિયાના ત્રણ ખેલાડીઓ છે. ગ્લેન મેક્સવેલે અણનમ 201, માર્શે અણનમ 177 તથા ડેવિડ વોર્નરે 163 રનની ઇનિંગ રમી હતી. ટ્રેવિસ હેડ, સ્ટિવ સ્મિથ તથા કેમરુન ગ્રીન મિડલ ઓર્ડરને વધારે મજબૂત બનાવશે. બોલિંગમાં સુકાની કમિન્સ, મિચેલ સ્ટાર્ક, જોસ હેઝલવૂડ તથા હાઇએસ્ટ વિકેટ ઝડપનાર એડમ ઝમ્પા આફ્રિકન બેટ્સમેનોની કસોટી કરશે.
ઇડન ગાર્ડન્સમાં હાઇસ્કોરિંગ મેચ થશે
બંને ટીમના બેટ્સમેનો ફોર્મમાં હોવાના કારણે બીજી સેમિફાઇનલ હાઇસ્કોરિંગ બની શકે છે. ઇડન ગાર્ડન્સની પિચ બેટ્સમેનો માટે સ્વર્ગસમી છે. આ મેદાનમાં છ વખત 300 પ્લસ તથા 11 વખત 250 પ્લસનો સ્કોર નોંધાયો છે. ઇડનમાં રમાયેલી 35 ઇન્ટરનેશનલ વન-ડેમાં પ્રથમ બેટિંગ કરનાર ટીમનો સરેરાશ સ્કોર 241નો રહ્યો છે અને બીજી ઇનિંગનો 203 રનનો રહ્યો છે. પેસ બોલર્સને પણ મદદ મળતી હોવાના કારણે બંને એક્સ્ટ્રા પેસ બોલર રમાડી શકે છે. ટોસ જીતનાર ટીમ રનચેઝ કરવાના બદલે પ્રથમ બેટિંગ કરવાનું વધારે પસંદ કરશે. બંને ટીમ વચ્ચે રમાયેલી છેલ્લી પાંચ મેચમાં સાઉથ આફ્રિકાએ ચાર તથા ઓસ્ટ્રેલિયાએ એક મેચ જીતી છે.


