- ભાજપની સચોટ રણનીતિમાં સમાજવાદી પાર્ટી ઉંધા માથે પટકાઈ
- મતદાન પહેલા જ મધ્ય પ્રદેશ ચૂંટણીમાં અખિલેશની સમાજવાદી પાર્ટીની હાર
- ભિંડ બેઠકથી સમાજવાદી પાર્ટીના રવિ સેન જૈને ચૂંટણી પહેલા પલટી મારી
મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગુરુવારની રાત મધ્ય પ્રદેશ ના ભિંડમાં મોટા રાજકીય ફેરબદલ જોવા મળ્યા. ભિંડ વિધાનસભા બેઠક પરથી સમાજવાદી પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડી રહેલા રવિ સેન જૈન અમુક કલાકો માટે અચાનક લાપતા થઈ ગયા. પરંતુ, જ્યારે તેઓ પાછા ફર્યા ત્યારે તેમણે એમ કહીને બધાને ચોંકાવી દીધા કે તેઓ તેમની મૂળ પાર્ટી ભાજપમાં પાછા ફર્યા છે.
વાસ્તવમાં, આ સમગ્ર ઘટનાક્રમની શરૂઆત ગુરુવાર બપોર પછી શરૂ થઈ. સમાજવાદી પાર્ટીએ ભિંડ વિધાનસભાથી રવિ સેન જૈનને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા. રવિ સેન જૈન ભાજપ સામે બળવો કરીને સમાજવાદી પાર્ટીમાં જોડાયા અને ટિકિટ પણ મેળવી હતી. રવિ જૈને ઔપચારિક રીતે પાર્ટી કાર્યાલય ખોલીને ચૂંટણી પ્રચારની શરૂઆત પણ કરી દીધી હતી.
…અને, રવિ સેન જૈન અચાનક ગુમ થઈ ગયા.
રવિ સેન જૈનના સમાજવાદી પાર્ટીમાં જોડાવાને કારણે ભાજપને જૈન સમુદાય અને યાદવ સમુદાયના મતોનું નુકસાન થવાનું જોખમ ઊભું થયું. એટલે, જૈન પર ઉમેદવારી પાછી ખેંચી લેવાનો દાવો પણ કરવામાં આવ્યો. પરંતુ, તેમણે ઉમેદવારી પાછી ન ખેંચી. જોકે, ગુરુવારે બપોર બાદ રવિ સેન જૈન અચાનક ગુમ થઈ જતાં હોબાળો મચી ગયો હતો. રવિ સેન જૈનનો મોબાઈલ સ્વીચ ઓફ આવતો હતો અને તેમના પરિવારના સભ્યો સહિત તેમના સમર્થકો રવિ સેન જૈનનું કોઈ લોકેશન શોધી શક્યા ન હતા.
પરિવારના સભ્યોને લાગ્યું કે રવિ સેન જૈન સાથે કોઈ અપ્રિય ઘટના ન બની જાય, જેથી રવિ સેન જૈનના પરિવાર અને સમર્થકો ગુરુવારે મોડી સાંજે સિટી પોલીસ સ્ટેશન પહોંચ્યા અને પોલીસને ફરિયાદ કરી કે રવિ સેન જૈનનું અપહરણ થયું હોઈ શકે છે.
સમાજવાદી પાર્ટીના ઉમેદવારના અપહરણ થયાની શંકાની જાણકારી મળતા જ પોલીસ સક્રિય થઈ ગઈ. ભીંડના એસપી અસિત યાદવ પોતે સિટી પોલીસ સ્ટેશન પહોંચ્યા અને રવિ સેન જૈનના પરિવારજનો સાથે વાત કરી. બાદમાં, રવિ સેન જૈનને શોધવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા અને ટૂંક સમયમાં જ રવિ સેન તે જ શહેરના શાસ્ત્રીનગર બી બ્લોકમાં એક વ્યક્તિના ઘરેથી મળી આવ્યા.
ભાજપમાં પાછા ફરવાની કરી જાહેરાત
રવિ સેન જૈનને સિટી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા. અહીં, જ્યારે મીડિયાએ રવિ સેન જૈનને સવાલ કર્યો કે તેઓ ક્યાં ગાયબ થઈ ગઈ હતા? તો તેણે જણાવ્યું કે તે આનો જવાબ બાદમાં આપશે. પરંતુ આ સાથે જૈને જાહેરાત કરી હતી કે તેઓ તેમની મૂળ પાર્ટી ભાજપમાં પાછા ફર્યા છે.
જૈન પર ભડક્યા સપા જિલ્લા પ્રમુખ
રવિ સેન જૈનના આ નિવેદન આપતાની સાથે જ તેમની પાસે ઉભેલા સમાજવાદી પાર્ટીના જિલ્લા અધ્યક્ષ નીરજ યાદવ રવિ સેન જૈન પર ઉશ્કેરાઈ ગયા અને તેમના પર છેતરપિંડી અને વિશ્વાસઘાતનો આરોપ લગાવ્યો.
સપા પાસે નથી હવે કોઈ ઉમેદવાર
આ મામલામાં પોલીસનું કહેવું છે કે રવિ સેન જૈન છેલ્લા કેટલાક સમયથી સંપર્કમાં ન હતા, તેથી પરિવારના સભ્યો ચિંતિત હતા પરંતુ તેઓ સુરક્ષિત પરત ફર્યા છે. રવિ સેન જૈનના ભાજપમાં જોડાવાની જાહેરાત બાદ સમાજવાદી પાર્ટી પાસે હવે કોઈ ઉમેદવાર બચ્યો નથી. આવી સ્થિતિમાં ભિંડમાં સમાજવાદી પાર્ટી ઉંધા માથે પાછડાઈ છે.
ભાજપને થયો ફાયદો!
રવિ સેન જૈન ભાજપમાં જોડાવાથી જૈન સમુદાયની વોટબેંકનો પણ ભાજપને ફાયદો થશે, કારણ કે ભિંડમાં જૈન સમુદાયના અંદાજે 25,000 મતદારો છે. સરવાળે, ભાજપે એક સમજીવિચારીને ઘડેલી રણનીતિમાં સમાજવાદી પાર્ટીને ચૂંટણી પહેલા જ ધોબી પછાડ આપી દીધી છે.