વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
કચ્છને હું કલ્યાણ મિત્ર માનું છું
‘માનસ મુકુરાષ્ટક’ પુરૂ થાય પછી ‘માનસ મુસ્કુરાહટ’ થવું જોઇએ!
જયાં બીજા કોઇનો ‘કલાસ’ નથી એનું નામ ‘કૈલાસ’!
કચ્છડો બારે માસ…એવી ધીંગીધરા માધાપરની ભૂમિ પર પ્રવાહિત થઇ રહેલી ‘માનસ મુકુરાષ્ટક’ રામકથાના છઠ્ઠા દિવસે કથાનો પ્રેમસંવાદ આગળ ધપાવતાં પ્રિય બાપુએ કહ્યું કે આજે રામનવમી-રામ પ્રાગ્ટયનો પરમ પાવની દિવસ છે ત્યારે આપ સૌને રામનવમીની શુભકામનાઓ. કોઇએ મને પૂછયું કે બાપુ, કચ્છને તમે કઇ રીતે જુઓ છો? કચ્છ મિત્ર છે કચ્છને હું કલ્યાણ મિત્ર માનું છું. એક ખૂબ સારો પ્રશ્ન પૂછાયો છે કે બાપુ મનદર્પણમાં અમે અમારૂ મુખ જોઇ શકતા નથી એના કારણો શું છે? બાપ, સાવ સરળ ભાષામાં હું આપને કહું, બે-ત્રણ કારણો છે જેને કારણે આપણે આપણા મન દર્પણમાં આપણું મુખ સ્પષ્ટ જોઇ શકતા નથી. આવરણ છે, મેલ-રજ ચડી ગઇ છે. (૧) સાવ સ્થૂળ સામાન્ય કારણ એ છે કે અરિસો-દર્પણ ફૂલતું હોય તો યોગ્ય રીતે આપણે જેવા છીએ એવા દેખાતા નથી. કારણ મન ચંચળ છે. અરિસો ભલે હલે પણ વિશ્વાસ ન હલવો જોઇએ. મારો-તમારો વિશ્વાસ ન ડગમગવો જોઇએ. બીજા લોકો તો તમને અને મને ડૂબાડવા માટેના નેટવર્ક ગોઠવે છે! આપણો વિશ્વાસ ન હલવો જોઇએ. વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ જ વિશ્વાસ!
આપણો વિશ્વાસ ન ડગમગે, વિશ્વાસ હલી ન જાય એ માટે શું કરવું? આ પાંચ સૂત્રો છે (૧) જમીની વિશ્વાસ ઊંડો વિશ્વાસ, ધરતીની અંદર વિશ્વાસ (૨) જમીનની ઉપરનો વિશ્વાસ કે જે વિશ્વાસ દેખાય છે. ધરતીની અંદર રહેલો વિશ્વાસ દેખાતો નથી. મૂળીયામાં છે, ઊંડો છે. (3) શિખર ઉપર રહેલો વિશ્વાસ (૪) આકાશમાં દેખાય એ વિશ્વાસ (૫) આપણો હાથ એ વિશ્વાસ ‘અપના હાથ જગન્નાથ’ રામાયણમાં વિશ્વાસનું કબીરી નિરૂપણ છે. કબીર તો બધું જ વિશ્વાસમાં જ જુએ છે.
મોકો કહાં ઢૂંઢે રે બંદે, મૈં તો તેરે પાસ મે મેં તો હું વિશ્વાસ મેં….
‘બટ વિશ્વાસ’ તુલસીજીનો ગોપીનાથ વિશ્વાસ છે. મૂળ સનાતન ધર્મ, સનાતન ધર્મનો મહિમા છે. રામાયણમાં મહિમા સપ્તક છે. ગુરૂમહિમા, સાધુ મહિમા, નામ મહિમા, પ્રેમ મહિમા (ભકિત વગેરે) અને ભજનનો મહિમા.
આપણા મનરૂપી દર્પણમાં આપણને આપણું સ્વરૂપ બોધ નથી થતું એનું બીજુ કારણ આપણો અરિસો ઉલટો થઇ જવો એ છે. દર્પણ અવળું થઇ જાય તો આપણે જોઇ શકતા નથી. અરિસો જ અવળો થઇ ગયો . ત્રીજું કારણ આપણો દર્પણ બીજાના હાથમાં હોય છે ત્યારે સ્વરૂપ બોધ નથી થતો. કામ, ક્રોધ, લોભ, મોહ વગેરેના હાથમાં આપણો અરીસો એટલે વિકારોના હાથમાં આપણો અરિસો છે એટલે આપણને સ્વરૂપ બોધ થતો નથી! આપણું દર્પણ આપણા જ હાથમાં હોવું જોઇએ.
કથારત્નો
(૧) કોઇ બુધપુરૂષ-ગુરૂ મળે તો એનો ઉપકાર કયારેય ભૂલતા નહીં!
(૨) ‘ભજન’ શબ્દ તુલસીદાસજીએ માનસમાં ચોવીસ વખત પ્રયોજયો છે
(3) જેટલા ગાય છે એ ગાયની જેમ ગાય!
(૪) જોયું નહીં મે તો ટાણું કે કટાણું રહે, હરિની હાટડીએ મારે રોજનું હટાણું રે…
(૫) ભોજલ કહે ભરોસો જેને ભારી, ત્રિકમજી તારશે તેને…


